@ભાવેશ રાજપૂત, અમદાવાદ
અમદાવાદ શહેરમાં 21 થી વધુ ઈકો કારના સાઇલેન્સરની ચોરી કરનાર ગેંગના 3 સાગરીતોની શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દાણીલીમડા કોઝી હોટેલ પાસેથી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે શાબિર ચૌહાણ, સરફરાઝ શેખ તેમજ દાનિશખાન પઠાણ નામના ઈસમોને ઝડપી એક સાઇલેનસર અને તેને ખોલવાના પાના સાથે ઝડપી લીધા છે. આરોપીઓએ અમદાવાદમાં વેજલપુર, દાણીલીમડા વિસ્તારમાં અનેક ગાડીઓના સાઇલેન્સરની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
પકડાયેલા આરોપીઓ ઈકો કારને ભાડે કરી પોતાના પરિવારને લેવા ઘરે જવાનું બહાનું કરીને ડ્રાઈવરને પોતાના ઘરે લાવી ડ્રાઈવરને ચા નાસ્તો કરવાના બહાને બહાર લઈ હતા તે સમયે ગેંગના સાગરીતો પાનાથી સાઇલેન્સર કાઢી તેમાંથી કિંમતી માટી કાઢી સાઇલેન્સર ફરી ફિટ કરીને બહાર જવાનું કેન્સલ થયું હોવાનું કહીને થોડા પૈસા આપી પરત મોકલી દેતા હતા. તેમજ રાત્રીના સમયે અલગ અલગ વિસ્તારમાં ફરીને સોસાયટી તેમજ રોડ પર પાર્ક કરેલી ઈકો કારની નજીક પોતાનુ વાહન પાર્ક કરીને, માસ્ટર પાના દ્વારા ઈકો કારનાં સાઈલેન્સરની ચોરી કરી તેમાંથી કિંમતી માટી કાઢી ઉંચા ભાવે દિલ્હીમા વેચી દેતા હતા.
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી 21 ઈકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરી કરનાર ગેંગના અન્ય સાગરીતોને શોધવા ક્રાઈમબ્રાંચે તજવીજ હાથ ધરી છે ત્યારે પકડાયેલી આરોપીઓએ વેજલપુર વિસ્તારમાંથી ચોરી કરેલા સાઈલેન્સર મામલે નોંધાયેલી ફરિયાદ મામલે ત્રણેય આરોપીઓને વેજલપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
