કોરોના અને લોકડાઉનના કારણે અત્યારે યુવાનો પાસે નોકરીઓ ઓછી છે પરિણામે રાજ્યમાં બેરોજગારીના દરમાં અત્યંત વધારો થયો છે. શિક્ષિત યુવાનો પોતાના ઘરની જવાબદારીને પૂરી કરવા માટે આમતેમ રોજગારી મેળવવા માટે ફાંફાં મારી રહ્યા છે ત્યારે કેટલાક ભેજાબાજ ઈસમો શોર્ટ કટ માં રૂપિયા કમાવવા માટે નિર્દોષ અને ભોળા યુવાનોને નોકરીની લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી આંચરી રહ્યા છે. આવો જ એક બનાવ આણંદમાં બન્યો છે જ્યાં યુવકની જોડે ઓનલાઇન છેતરપિંડી થતા તેણે 3 લાખથી વધુ રૂપિયા ગુમાવી દીધા છે.
વિગત વાર વાત કરીએ તો આણંદના બાકરોલ રોડ ઉપર રહેતા યુવકે ગુગલ પર નોકરી સર્ચ કરતા ડાયમન્ડ એસોસિએટ નામની વેબસાઈટ પર આપેલા મોબાઈલ ફોન પર સંપર્ક સાધતા પ્લાન ઈન્વેસ્ટ અને પ્રોફીટ માટે સમજાવી જુદા જુદા સમયે જુદા જુદા ખાતામાં ૩,૩૯,૪૦૦ રુપિયા ભરાવડાવી ડેટા એન્ટ્રી કરાવી છેતરપીંડી કરતા આ બનાવ અંગે આણંદ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર આણંદના બાકરોલ રોડ ઉપર વિનાયક ઈન્સ્ટીટ્યુટની પાછળ સાંઈસૃષ્ટી સોસાયટી સામે રહેતા પંકજભાઈ નગીનભાઈ પરમાર ગુગલ પર નોકરી સર્ચ કરતા હતા ત્યારે ડાયમન્ડ એસોસિએટ નામની વેબસાઈટ જાેવા મળતા તેઓએ વેબસાઈટ પર આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક સાધતા વિપુલસિંહ ચાવડાએ તેઓને અલગ અલગ પ્લાન ઈન્વેસ્ટમેન્ટ અને પ્રોફીટ બાબતે સમજાવ્યા હતા. જેથી પંકજભાઈ પરમારે રુા. ૩૦ હજારના ઈન્વેસ્ટમાં દરરોજ ૪૦૦ રુપિયા પ્રોફીટનો પ્લાન પસંદ કરી તા. ૨-૨-૨૦૨૧ ના રોજ વિજેન ટંગમણી પીલ્લઈનો પ્લાન પસંદ કરી ૩૦ હજાર રુપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ તા. ૪-૨-૨૦૨૧ ના રોજ ૯૫ હજાર અને તા. ૧૦-૨-૨૦૨૧ ના રોજ ૧૪૪૦૦ રુપિયા, તા. ૫-૨-૨૦૨૧ ના રોજ વિક્રમસિંગના ગુગલપે નંબર પર ૯૫ હજાર, તા. ૫-૨-૨૦૨૧ ના રોજ પાંચ હજાર રુપિયા, તા. ૨૩-૨-૨૦૨૧ ના રોજ આંગણીયા દ્વારા એક લાખ રુપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે ધર્મેન્દ્ર સીંધા રહે. વડોદરાએ મોબાઈલ નંબર પર નાણાં સ્વીકાર્યાની સ્લીપ આપી હતી. પરંતુ ત્યારબાદ ડેટા એન્ટ્રીનું કામ કરાવી રુા. ૩,૫૩,૮૦૦ નો પ્રોફીટ આપવાનો વાયદો કરી માત્ર ૩૮ હજાર રુપિયા પરત કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જેથી પંકજભાઈ પરમારને લોભ લાલચ આપી વિશ્વાસમાં લઈ પોતાની સાથે છેતરપીંડી કરાઈ હોવાનું જણાતા આ બનાવ અંગે પંકજભાઈ નગીનભાઈ પરમારે આણંદના સાઈબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધતા પોલીસે આ બનાવ અંગે ડાયમન્ડ એસોસિએટ વેબસાઈટના મોબાઈલ ધારક વિપુલસિંહ ચાવડા તેમજ ધર્મેન્દ્ર સીંધા રહે. વડોદરા વિરુદ્ધ ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી) અને આઈટી એક્ટ ૬૬(સી)(ડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
