મોહસીન દાલ, ગોધરા@ મંતવ્ય ન્યૂઝ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે ખેતરમાં ગલગોટા અને અન્ય છોડની વચ્ચે ગાંજાની ખેતી કરનાર એક ખેડૂતને રૂ.૧ લાખ ૬૧ હજાર ઉપરાંતના ૧૬.૧૨૦ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે શહેરા પોલીસે ઝડપી પાડ્યો હતો.પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામના ડાંગરીયા ફળિયામાં રહેતા દલસુખ સાયબાભાઈ બારીઆ દ્વારા પોતાના મકાનની બાજુમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી શહેરા પોલીસને ખાનગી રાહે મળી હતી.

બાતમીના આધારે શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એચ.સી.રાઠવા સહીતની પોલીસની ટીમે મીઠાલી ગામના ડાંગરીયા ફળીયામાં રહેતા દલસુખ બારીઆના ખેતરમાં છાપો મારતાં ,દલસુખ બારીઆએ પોતાના ખેતરમાં બનાવેલ વાડામાં ગલગોટા ટીડુંરા અને પપૈયાંના છોડ વચ્ચે ઉગાડેલ લીલા ગાંજાના ૧૦ જેટલા છોડ મળી આવ્યા હતા.

જે બાબતે શહેરા પોલીસ દ્વારા એફ.એસ.એલ. ની મદદ લેવામાં આવતા એફ.એસ.એલ. ટીમે ગાંજાના છોડ હોવાનું સ્થાપિત કર્યુ હતું. જેથી પોલીસ દ્વારા લીલા ગાંજાના ૧૦ છોડને કબ્જે કરી તેનું વજન કરતા ૧૬ કિલો ૧૨૦ ગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી પોલીસે રૂ.૧, ૬૧,૨૦૦ ની કિંમતના લીલા ગાંજાના જથ્થા સાથે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત દલસુખભાઈ સાયબાભાઈ બારીઆને ઝડપી પાડી તેની સામે નાર્કોટિક્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

