Rajkot News/ આજી નદીના 8 વર્ષ જૂના ‘ધડ વગરના માથા’નો ભેદ ઉકેલાયો

Rajkot Headless Child Case: રાજકોટમાં 2018માં આજી નદીમાંથી મળેલા બાળકના ધડ વગરના માથાનો ભેદ 8 વર્ષે ઉકેલાયો છે. બંગાળના ક્રૂર ઠેકેદાર અજીતમુલાએ હત્યા કરી હોવાનો DNA રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે.

Top Stories Gujarat Rajkot
Rajkot Headless Child Case

Rajkot Headless Child Case: રાજકોટ શહેર પોલીસના ચોપડે નોંધાયેલી અત્યાર સુધીની સૌથી રહસ્યમય, પેચીદી અને હૈયું કંપાવનારી ગુનાહિત ઘટનાઓ પૈકીની એક એવી ‘ધડ વગરના માથા’ની મિસ્ટ્રી આખરે 8 વર્ષના લાંબા સમય બાદ ઉકેલાઈ ગઈ છે. વર્ષ 2018માં આજી નદીના પટમાંથી મળી આવેલા એક માસૂમ બાળકના કપાયેલા માથાના કેસમાં પશ્ચિમ બંગાળના એક અમાનુષી ઠેકેદારની સંડોવણી ખુલી છે. પશ્ચિમ બંગાળના પીડિત પરિવારના DNA સેમ્પલનો ગાંધીનગર ફોરેન્સિક લેબ (FSL) માંથી રિપોર્ટ પોઝિટિવ આવતા જ આ ભયાનક હત્યાકાંડ પરથી પડદો ઊંચકાયો છે. હવે રાજકોટ પોલીસ સગીર બાળકોના હત્યારા એવા ક્રૂર ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાનો જેલમાંથી કબજો મેળવી તેની સત્તાવાર ધરપકડ કરશે.

Rajkot Headless Child Case

Rajkot : ઠેકેદારે એક વર્ષ પહેલાં ઓકી હતી હકીકત

આ ચકચારી કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે બરાબર એક વર્ષ પહેલાં (7 જૂન, 2025ના રોજ) રાજકોટ પોલીસે પશ્ચિમ બંગાળના ક્રૂર ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી 21 જેટલા બંધક બાળકોને મુક્ત કરાવ્યા હતા. અજીતમુલા પશ્ચિમ બંગાળના ગરીબ માતા-પિતાને માસિક ₹8000 આપવાની લાલચ આપી માસૂમ બાળકોને મજૂરી માટે રાજકોટ લાવતો હતો. જો કોઈ બાળક કામ કરવાની ના પાડે કે સામો જવાબ આપે, તો તે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો. પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન એસીપી ભરત બસિયાને તેની ક્રૂરતા જોઈને 2018ના ધડ વગરના માથાના કેસ અંગે શંકા ગઈ હતી. સઘન પૂછપરછમાં નરાધમે બાળકની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

Rajkot Headless Child Case

Rajkot : DNA કરાવતા પાપ છાપરે ચડીને પોકાર્યું

આરોપીની કબૂલાત બાદ પણ કાયદાકીય રીતે બાળકની ઓળખ સાબિત કરવી પોલીસ માટે મોટો પડકાર હતો. આથી રાજકોટ પોલીસે પશ્ચિમ બંગાળથી પીડિત માતા-પિતા બિનોદ હાસદા અને પૂર્ણિમા હાસદાને ગુજરાત બોલાવ્યા હતા. પોલીસે તેમના DNA સેમ્પલ મેળવીને 8 વર્ષ પહેલાં સાચવી રાખેલા બાળકના DNA સાથે મેચ કરવા ગાંધીનગર સ્ટેટ એફએસએલ (FSL) માં મોકલ્યા હતા. 10 જૂને આ DNA ટેસ્ટનો રિપોર્ટ ‘પોઝિટિવ’ આવતા જ સાબિત થઈ ગયું કે તે કપાયેલું માથું બિનોદભાઈના ગુમ થયેલા માસૂમ પુત્રનું જ હતું. હવે પોલીસ આરોપી અજીતમુલાને રિમાન્ડ પર લઈને બાળકના શરીરના અન્ય અંગો ક્યાં અને કેવી રીતે નિકાલ કર્યા હતા તેની આકરી તપાસ કરશે.

18 ડિસેમ્બર, 2018ની તે ગોઝારી સવારની ટાઇમલાઇન

નદી વચ્ચેથી મળ્યું માથું: ભગવતીપરા અને રૂખડિયા કોલોની રાજીવનગરને જોડતા બેઠા પૂલ નજીક આજી નદીની વચોવચ સવારે કુદરતી હાજતે ગયેલી મહિલાઓને એક માસૂમ બાળકનું ધડ વગરનું કપાયેલું માથું મળી આવ્યું હતું. સ્થાનિક નાગરિક અલ્લારખાભાઇ શાહમદારે પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી (SOG) અને બી-ડિવિઝન પોલીસનો આખો કાફલો દોડી ગયો હતો.

અંગોની શોધખોળ નિષ્ફળ રહી: આજી નદીના ઊંડા પાણીમાં બાળકના શરીરના બાકીના ભાગો શોધવા ફાયર બ્રિગેડના તરવૈયા ઉતારાયા હતા. આસપાસના અવાવરુ કૂવા અને ભૂગર્ભ ગટરો પણ તપાસવામાં આવી હતી, પરંતુ કંઈ હાથ લાગ્યું નહોતું. તબીબોના મતે મૃતક બાળકની વય આશરે 10થી 12વર્ષની હતી.

₹50,000નું ઇનામ અને સ્કેચ: બાળકની ઓળખ માટે પોલીસે તજજ્ઞો પાસે તેનો સંભવિત ચહેરો દર્શાવતો સ્કેચ તૈયાર કરાવી આખા રાજ્યમાં જાહેર સ્થળોએ લગાવ્યો હતો અને ઓળખ આપનારને ₹50,000નું ઇનામ જાહેર કર્યું હતું, છતાં કોઈ કડી મળી નહોતી.

2લાખ ફોનનો ડેટા ખંગાળાયો: અંધારામાં તીર ચલાવી રહેલી પોલીસે આજી નદી વિસ્તારના આસપાસના મોબાઈલ ટાવરોનો આશરે 2 લાખ જેટલો ફોન કોલ્સનો ‘ડમ્પ ડેટા’ ચેક કર્યો હતો, પરંતુ હત્યારાનો કોઈ પત્તો મળ્યો નહોતો.

114 દિવસ બાદ દફનવિધિ: સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં લાંબો સમય સાચવી રાખ્યા બાદ, અંતે બનાવના 114 દિવસ પછી (12 એપ્રિલે) બી-ડિવિઝન પોલીસે ભાવનગર રોડ પર આવેલા માનવ ક્રાંતિ બાળકોના સ્મશાન ખાતે પૂરા ધાર્મિક રીતિરિવાજ સાથે આ કપાયેલા માથાની દફનવિધિ કરી હતી.


આ પણ વાંચો : રાજકોટમાં વિધવા મહિલાના મુંડન અને અત્યાચારની કંપારી છૂટી જાય તેવી કહાની

આ પણ વાંચો :  રાજકોટમાં હીરાસર એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટને બર્ડ હિટ

આ પણ વાંચો :  રાજકોટની હોટલમાં ગેસનો બાટલો ફાટતા યુવકનું મોત