શારદીય નવરાત્રિમાં ગરબાની સ્થાપના સાથે મા જગદંબાની આરાધના કરવાની પરંપરા સદીઓ જૂની છે. ગરબાની પસંદગીમાં પણ મહિલાઓ ઘણી બાબતોની ચોકસાઈ કરી લેતી હોય છે. કોઈના ઘરે સાદો ગરબો આવે તો કોઈ ઝગમગતો ડેકોરેટિવ ગરબો લે છે. કેટલાંક ઘરોમાં તો પિત્તળ, તાંબું અથવા ચાદીનો ગરબો લેવાની પણ પ્રથા છે. જોકે હવે પયાર્યવરણ વિશે જાગરુકતા વધતાં થોડાં વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિની મૂર્તિના જેમ જ નવરાત્રિના તહેવારમાં પણ આ ટ્રેન્ડ શરૂ થયો છે. ઘણી બધી જગ્યાએ માત્ર માટીના ગરબાનું જ સ્થાપન કરવામાં આવ્યું છે જેથી તેનું પાણીમાં વિસર્જન થાય અને પર્યાવરણને પણ સેફ રાખી શકાય.

પાલડી વિસ્વેતારમાં છેલ્લા ત્રણ પેઢીથી માટલા અને ગરબાનું વેચાણ કરતા વેપારી અનીલભાઇ કુંભારે જણાવ્યું કે, અમે બે વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી ગરબા બનાવીએ છીએ અને લોકો હવે તેને ઉત્સહા પુર્વક લઇ પણ જાય છે. ઇકો-ફ્રેન્ડ્લી ગરબામાં પણ વિશેષતા રહેલી છે. આ વીશે મંતવ્ય સાથે વાત કરતા તેઓ કહે છે, સામાન્ય રીતે ૨૭ કાણાં હોય એવો ગરબો લેવાની માન્યતા છે. અનેક બહેનો ગરબો પસંદ કરતી વખતે કાણાં ગણીને જ પછી ગરબો લે છે. ઘણાં વર્ષથી ડેકોરેટિવ ગરબાનું ચલણ પણ વધ્યું છે. જોકે પર્યાવરણ પ્રત્યે સભાનતા અને સંજોગો પ્રમાણે બહેનોની વિચારધારા બદલાઈ છે માટે તેઓ ખોટા પ્રકારનો કોઇ આગ્રહ રાખતી નથી.

ઇકો-ફ્રેન્ડ્લી ગરબાની બનાવટ વિશે માહિતી આપતાં હાથીજણ રોડ ઉપર માટલા અને ગરબાનું વેચાણ કરતા નરેશ ભાઇ અને તેમના પત્ની કંકુબેન પ્રજાપતિ મંતવ્યને કહે છે કે, હાથમાં ઉપાડતી વખતે ખંડિત થઈ જાય તે માટે બહેનો પાકા ગરબા જ પસંદ કરે છે. અગાઉ અમે આખી રાત ગરબાને ભઠ્ઠીમાં મૂકી રાખતા જેથી માટી કડક થઈ જાય. ઇકો-ફ્રેન્ડ્લી ગરબામાં માટી તો લાલ જ વપરાય છે, પરંતુ ભઠ્ઠીમાં મૂક્યા પછી એક કલાકમાં કાઢી લેવામાં આવે છે. આમ કરવાથી ખંડિત થવાનો ભય રહેતો નથી. એના પર સફેદ કલર અથવા લિમિટેડ ડેકોરેશન કરવામાં આવે છે. પાણીમાં વિસર્જન કરતાં પહેલાં ડેકોરેશન દૂર કરવું પડે. આવા ગરબાને પાણીમાં ઓગળતાં બે દિવસનો સમય લાગે છે અને પછી તે માટીને પ્લાન્ટ્સમાં નાખી શકાય. અડધા કાચા-પાકા ગરબાની ડિમાન્ડ જોતાં આવનારા સમયમાં ઇકો-ફ્રેન્ડ્લી ગરબાની સ્થાપનાનો સમય શરૂ થશે તેમાં કોઇ બે મત નથી. ગરબાની કિંમત વિશે વાત કરતા તે કહે છે કે, 150થી લઇને 200 રૂપિયા સુધીની કિમંત હોય છે પછી જેવો ગરબો અને જેવા લોકો. જો કે ગરબો લેવા આવતા લોકો કિંમતમાં ઝાઝી માથાકુટ નથી કરતા.
