સુરેન્દ્રનગર/ લીંબડીના શિયાણી-ઉમેદપર ગામે ખનીજ વિભાગે સીઝ કરેલા જથ્થામાંથી રેતી ચોરી કરાઈ

જાગૃત નાગરિકે ફરિયાદ કરતાં ખાણ ખનીજ વિભાગ દોડતું થયું

Gujarat

લીંબડી તાલુકાના શિયાણી-ઉમેદપર ગામે થોડા માસ પહેલા ખાણ ખનીજ વિભાગ દરોડો પાડી અંદાજે હજારો મેટ્રીક ટન રેતીનો જથ્થો ઝડપી સીઝ કરી દેવામાં આવ્યો હતો. પંથકના ભૂમાફિયાઓ સીઝ કરેલો રેતીનો જથ્થામાંથી ચોરી કરતા હોવાની રાવ ગામના જાગૃત નાગરિકે કરતા ખનીજ વિભાગ દોડતું થઈ ગયું હતું. ઘટના સ્થળની મુલાકાતે દોડી આવ્યા હતા.

આ  પણ વાંચો :ઘટના / સાબરમતી સેન્ટ્રલ જેલમાં લેડી ડોનના લેસ્બિયન સબંધથી અન્ય મહિલાઓ હેરાન

લીંબડી અને વઢવાણ તાલુકાના વસ્તડી, ઉઘલ, બલદાણા, બોડીયા, ચોકી, લીયાદ, સૌકા, ઉંટડી, જાખણ, ખંભલાવ, પાણશીણા સહિતના ગ્રામ્ય વિસ્તારોની ભોગાવા નદીમાં રેતી માફિયાઓ બેફામ બનીને ગેરકાયદેસર ખનન કરી સરકારી તિજોરીને વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યાની અનેકવાર ફરિયાદો ઉઠી છે. તંત્રની મીઠી નજર હેઠળ રેતી ચોરીનો કાળો કારોબાર ચાલી રહ્યાની પંથકમાં ચર્ચાએ જોર પકડયું છે. થોડા મહિના અગાઉ શિયાણી-ઉમેદપર ગામના ભોગાવા નદી અને સરકારી ખરાબામાં રેતી ચોરીની ફરિયાદને આધારે ખાણ ખનીજ, એસઓજી સહિત ટીમે દરોડો પાડી હજારો મેટ્રીક ટન રેતીનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો :હવામાં ઉડાડો હવે સાઈકલ / શું તમારે સાઇકલ હવામાં ઉડાડવી છે? તો ઉડાડો સરળતાથી હવામાં ઉડતી સાઇકલ

શિયાણી-ઉમેદપર ગામે સીઝ કરેલા જથ્થામાંથી ભૂમાફિયા રેતી ચોરી કરી રહ્યા હોવાની શિયાણી ગામના જાગૃત નાગરિક મયુરસિંહ શિવુભા બોરાણાએ ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરી હતી. જાગૃત નાગરિકની ફરિયાદને પગલે ખાણ ખનીજ વિભાગના આશિષભાઈ, આર.આઈ ઈન્દુભા ઝાલા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ તપાસ કરી મયુરસિંહ બોરાણાનું નિવેદન નોંધ્યું હતું. આ અંગે ખનીજ વિભાગના RI ઈન્દુભા ઝાલાએ જણાવ્યું કે 2થી વધુ ડમ્પર રેતી ચોરી થઈ હોય તેવું લાગી રહ્યું છે. સીઝ કરેલા જથ્થામાંથી રેતી ચોરી કરનાર શખ્સોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી દીધી છે.