Gandhinagr News/ સુઘડમાં અઢી કરોડનું જમીન કૌભાંડ, સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કરનાર 2 સામે ગુનો

Sughad Land Scam: ગાંધીનગરના સુઘડ ગામમાં ₹2.66 કરોડનું જમીન કૌભાંડ. અસલ માલિક જાગૃતિબેનની જાણ બહાર ડમી મહિલા ઊભી કરી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ બાનાખત કરાવાયા. અડાલજ પોલીસમાં 2 સામે ગુનો દાખલ.

Gujarat Gandhinagar Top Stories
Gandhinagar Sughad Land Scam

Gandhinagar Sughad Land Scam: પાટનગર ગાંધીનગરને અડીને આવેલા સુઘડ ગામમાં જમીન માફિયાઓનો એક બહુ મોટો ખેલ સામે આવ્યો છે. અસલ જમીન માલિકની જાણ બહાર જ, તેમના નામની એક ‘ડમી’ મહિલા ઊભી કરીને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં કરોડો રૂપિયાના બોગસ બાનાખત (વેચાણ કરાર) નોંધાવી લેવાનું મસમોટું ષડયંત્ર ઝડપાયું છે. નકલી ચૂંટણી કાર્ડ અને ખોટા ફોટાના આધારે આચરવામાં આવેલા આ ₹2.66 કરોડના છેતરપિંડીના કેસમાં અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Land Scam: કેવી રીતે ફૂટ્યો કૌભાંડનો ભાંડો?

અમદાવાદના ઈસ્કોન ક્રોસ રોડ પાસે શિવાલીક શિલ્પ બિલ્ડિંગની પાછળ રહેતા જાગૃતિબેન સંજયભાઈ પટેલની સુઘડ ગામની સીમમાં સર્વે નંબર 311 અને 480 વાળી કરોડો રૂપિયાની વડીલોપાર્જિત જમીન આવેલી છે.

આશરે એકાદ મહિના પહેલાં, જાગૃતિબેનના જૂના સરનામે એક અજાણી મહિલા અને કેટલાક પુરુષો પહોંચ્યા હતા. તે અજાણી મહિલાએ પાડોશીઓને પોતે જ ‘જાગૃતિ પટેલ’ હોવાનો ખોટો પરિચય આપ્યો હતો. જોકે, પાડોશીઓ અને જાગૃતિબેનના પિતરાઈ ભાઈ સતર્ક હતા. તેમને શંકા જતાં તેમણે તાત્કાલિક મૂળ માલિક (અસલ જાગૃતિબેન) નો સંપર્ક કરીને આ અંગે જાણ કરી હતી. બસ અહીંથી જ આખા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો.

2.66 કરોડના બોગસ બાનાખત કરાવી લીધા

ભોગ બનનાર મહિલાએ તપાસ કરાવતા પોલીસ ફરિયાદમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે, કલોલની કલ્પતરૂ પેપર મિલમાં રહેતા દીપક પરમહંસ ત્રિપાઠી નામના શખ્સે તેના અન્ય મળતિયાઓ સાથે મળીને આ જમીન હડપ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ ગાંધીનગર ઝોન-22 ની સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગત 6 માર્ચ, 2026 ના રોજ અસલ માલિકના નામે ખોટી સહીઓ અને નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. ઉપરાંત, આરોપીઓએ ₹2.51 કરોડ અને ₹15 લાખના રોકડા અવેજ દર્શાવતા એમ બે અલગ-અલગ બોગસ બાનાખત પણ કચેરીમાં રજિસ્ટર કરાવી લીધા હતા.

Gandhinagar Sughad Land Scam

ડમી મહિલા અને નકલી ચૂંટણી કાર્ડનો ખેલ

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ જમીન કૌભાંડને કાયદેસરનું રૂપ આપવા માટે આરોપીઓએ વકીલ મારફતે ન્યૂઝ પેપરમાં ટાઇટલ ક્લિયરન્સ માટેની ખોટી જાહેર નોટિસો પણ પ્રસિદ્ધ કરાવી દીધી હતી. એટલું જ નહીં, નાંદેજ (દસ્ક્રોઈ) ખાતે રહેતી એક મહિલાના ફોટાવાળું અને જાગૃતિબેનના નામનું એક નકલી ચૂંટણી કાર્ડ બનાવીને તેને જ અસલ માલિક તરીકે રજૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા મનીષ બળવંતભાઇ પટેલની પણ સીધી સંડોવણી ખુલી છે. હાલ અડાલજ પોલીસે દીપક ત્રિપાઠી, મનીષ પટેલ અને ડમી મહિલા સહિતના અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો ઉભા કરવાનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: જામનગરમાં કરોડોનું જમીન કૌભાંડ! સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ ઝડપાયા

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં જમીન કૌભાંડ, ભાઈએ ભાઈની જમીન નકલી દસ્તાવેજોથી હડપ કરી

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની  ધરપકડ