Chhota Udepur News/ છોટાઉદેપુરમાં જમીન કૌભાંડ, ભાઈએ ભાઈની જમીન નકલી દસ્તાવેજોથી હડપ કરી

છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે જમીન કૌભાંડનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લાલચમાં આવીને ભાઈએ પોતાના જ મૃતક ભાઈની જમીન નકલી દસ્તાવેજો બનાવી પોતાના નામે કરાવી દીધી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

Gujarat Others
Chhota Udepur

Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામમાં સામે આવેલ એક જમીન કૌભાંડનો મામલો માત્ર પરિવારનો વિવાદ નથી, પરંતુ સરકારી તંત્રની કાર્યપદ્ધતિ પર પણ મોટો સવાલ ઊભો કરે છે. અહીં આરોપ છે કે એક ભાઈએ લાલચમાં આવીને પોતાના જ મૃતક ભાઈની જમીન પોતાના નામે કરાવવા માટે નકલી દસ્તાવેજો અને ખોટી સહી-સીક્કાનો ઉપયોગ કર્યો છે.

આ કેસમાં મૃતક બલાભાઈ છગનભાઈ કોળી રાઠવાના ભાઈ સબૂરભાઈ છગનભાઈ રાઠવા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ભાઈના અવસાન બાદ જમીન પોતાના નામે કરાવવા માટે પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ખોટા સાક્ષીઓના ફોટા, ખોટી સહી, તલાટીની નકલી સહી અને પંચાયતના નકલી સીક્કાનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ છે.

Chhota Udepur: ભાઈને પેઢીનામામાં અપરિણિત બતાવવામાં આવ્યો

મામલો એટલેથી અટક્યો નહીં. જમીન પોતાના નામે થાય તે માટે મૃતક ભાઈને પેઢીનામામાં અપરિણિત બતાવવામાં આવ્યો, જ્યારે હકીકતમાં તેની પત્ની અને પુત્ર જીવતા હોવા છતાં તેમના નામો વારસદારોમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. ખોટું સોગંદનામું, ખોટા સાક્ષીઓ, નકલી મરણ દાખલો અને ખોટી અરજીના આધારે સરકારી કચેરીમાં દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.

આ દસ્તાવેજોના આધારે જમીન રેવન્યુ રેકોર્ડમાં આરોપીના નામે ચડાવી દેવામાં આવી અને 7/12 તથા 8-અ માં પણ તેનું નામ દાખલ થઈ ગયું છે. આ સમગ્ર પ્રક્રિયામાં દસ્તાવેજોની સાચાઈ ચકાસવાની જવાબદારી રેવન્યુ વિભાગની હોય છે, પરંતુ નકલી કાગળો હોવા છતાં તપાસ કેમ ન થઈ તે અંગે મોટા પ્રશ્નો ઊભા થયા છે.

Chhota Udepur: પંચાયતના ડોક્યુમેન્ટ નકલી

સજોડ ગ્રામ પંચાયતના તલાટીએ પણ સ્પષ્ટ કહ્યું છે કે પંચાયતના ડોક્યુમેન્ટ નકલી છે અને તેમાં તેની સહી પણ ખોટી કરવામાં આવી છે. આ નિવેદનથી સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો છે.

મૃતકના પુત્રને જ્યારે આ સમગ્ર ઘટના વિશે જાણ થઈ ત્યારે તે ચોંકી ગયો હતો, કારણ કે પોતાના પિતાની જમીન પર હક ધરાવતો પુત્ર આજે કાગળોમાં “વારસદાર” નથી રહ્યો. હવે પીડિત પુત્ર ન્યાય માટે સરકારી કચેરીઓના ચક્કર કાપી રહ્યો છે અને તમામ દસ્તાવેજો પ્રાંત અધિકારીને રજૂ કર્યા છે.

Chhota Udepur: પરિવાર દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો

પરિવાર દ્વારા હવે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે નકલી દસ્તાવેજો બનાવવા પાછળ કોનો હાથ છે? પંચાયતના નકલી સીક્કા કોણે બનાવ્યા? અને સરકારી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કેમ ન થઈ? જો આ તમામ બાબતો સાચી સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

આ ઘટના સામાન્ય જમીન વિવાદ નહીં પરંતુ સામાન્ય માણસના અધિકારો કેટલી સુરક્ષિત છે તે અંગે મોટો પ્રશ્ન ઉભો કરે છે. જો સરકારી રેકોર્ડમાં નકલી દસ્તાવેજો દાખલ થઈ શકે તો ગરીબ અને સામાન્ય લોકોના હક કેટલા સુરક્ષિત છે તે વિચારવા જેવી બાબત છે. હવે જોવાનું રહેશે કે તંત્ર યોગ્ય તપાસ કરીને નકલી દસ્તાવેજો રદ કરે છે કે નહીં અને દોષિત સામે કાયદેસર કાર્યવાહી થાય છે કે નહીં.


આ પણ વાંચો:છોટાઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘના ધામા, પગના નિશાન આધારે વન વિભાગનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરના બહાદરપુર ગામની જવાહર નવોદય વિદ્યાલયમાં 18 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગની અસર

આ પણ વાંચો:મૃતકનો આત્મા લેવા તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યો પરિવાર… છોટાઉદેપુર સિવિલમાં ધૂણતા-મંત્ર, વીડિયો વાયરલ