અમદાવાદ: સીબીઆઈમાં હાલ ચાલી રહેલી ધમાસાણમાં ગુજરાત કેડરના બે IPS અધિકારી રાકેશ અસ્થાના અને અરુણ કુમાર શર્મા (એ. કે. શર્મા) મૂળમાં હોય તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે એક સમયે ભાજપ સરકારની ગુડબુકમાં રહેલા આ બંને અધિકારીઓએ ભાજપ સરકારને ભીંસમાં મૂકી દીધી છે. એ. કે. શર્માના પરિવારને ભ્રષ્ટાચારીઓ સાથે સંબંધ હોવાનો આરોપ કરનારા અસ્થાના હાલ ખુદ રૂપિયા ત્રણ કરોડની લાંચ લેવાના આરોપના આરોપી બની ગયા છે.
સીબીઆઈમાં નંબર વનની પોઝિશન માટે ચાલી રહેલી લડાઈના લીધે ભારે ધમાસાણના કારણે કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈની વર્તમાન ટીમને વિખેરી નાખવામાં આવી છે. આ ધમાસાણના મૂળમાં રહેલા રહેલા ગુજરાત કેડરના IPS અધિકારીઓ રાકેશ અસ્થાના અને અરુણ કુમાર શર્માની આંતરિક લડાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે અરુણ કુમાર શર્મા મૂળ ગુજરાત કેડરના ૧૯૮૭ની બેચના અધિકારી છે.
ભાજપ સરકારના ટ્રબલ શૂટર હતા એ. કે. શર્મા
IPS અધિકારી એ. કે. શર્મા જયારે ગુજરાતમાં હતા ત્યારે તેઓ હંમેશા ભાજપ સરકારના ટ્રબલ શૂટર તરીકેની ભૂમિકામાં રહ્યા હતા. દિલ્હી સીબીઆઈમાં ગયા તે પૂર્વે શર્મા અમદાવાદ ખાતે ડિટેકશન ઓફ ક્રાઈમ બ્રાંચ (DCB)માં હતા. જેમાં તેમના માટે ખાસ કિસ્સામાં સ્પેશિયલ કમિશનરની પોસ્ટ પહેલી વખત ઉભી કરવામાં આવી હતી.
ગુજરાતમાં તેમની ફરજ દરમિયાન ગુજરાતના બહુચર્ચિત એવા એન્કાઉન્ટર કેસો જેવા કે, સોહરાબુદ્દીન શેખ, કૌસર બી, તુલસીરામ પ્રજાપતિ અને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસો તેમજ સાદિક જમાલ મહેતર કેસમાં તેમણે ડેમેજ કંટ્રોલરની ભૂમિકા ભજવી હતી.
એ. કે. શર્માને અમિત શાહના ખૂબ જ નજીકના અધિકારી ગણવામાં આવે છે. જેના કારણે એ. કે. શર્માને વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેમને દિલ્હી લઇ જવામાં આવ્યા હતા.
એ. કે. શર્મા સામે રાહુલ ગાંધીએ કર્યા હતા આક્ષેપો
દિલ્હી ગયા બાદ એ. કે. શર્મા સામે તેમની સામે અનેક આક્ષેપો ઉઠયા હતા. જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર મહિનામાં ટ્વીટ કરીને એ. કે. શર્મા સામે આક્ષેપો કર્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, લિકર કિંગ વિજય માલ્યાની લુકઆઉટ નોટિસને નબળી કરી દીધી હતી. જેના કારણે વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો.
રાહુલ ગાંધીએ ટ્વીટમાં એવું પણ કહ્યું હતું કે, “એ. કે. શર્મા ગુજરાત કેડરના એક અધિકારી છે અને સીબીઆઈમાં પીએમ મોદીના ‘ફેવરિટ અધિકારી’ છે. આ અધિકારીના કારણે નીરવ મોદી અને મેહુલ ચોકસી પણ દેશ છોડીને ભાગી જવામાં સફળ રહ્યા છે.”
એ. કે. શર્માના પરિવાર સામે આક્ષેપ કરનારા અસ્થાના ખુદ આરોપી બન્યા
સીબીઆઈમાં હાલ ચાલી રહેલી ધમાસાણની પાછળ ગુજરાત કેડરના આ બંને અધિકારીની આંતરિક લડાઈ જવાબદાર માનવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ રાકેશ અસ્થાનાએ પોતાની ગુજરાત કેડરના સાથી અધિકારી એવા એ. કે. શર્માના પરિવારનો ભ્રષ્ટાચારીઓ સાથે સંબંધ હોવાનો આરોપ પણ મૂક્યો છે. જયારે બીજી તરફ સીબીઆઈના વડા આલોક વર્મા સામેની નંબર વનની પોઝિશન માટેની લડાઈમાં રાકેશ અસ્થાના જ ખુદ રૂપિયા ત્રણ કરોડની લાંચ લેવાના આરોપમાં આરોપી બની ગયા છે.
