Shehera Taluka News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતમાં આંતરિક વિખવાદ અને ગેરવહીવટનો મુદ્દો છેક રાજીનામા સુધી પહોંચી ગયો છે. વિકાસના કામોમાં ચૂંટાયેલા સભ્યોને જ અંધારામાં રાખવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે એકસાથે 5 સભ્યોએ સામૂહિક રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
તલાટીને સોંપ્યા લેખિત રાજીનામા
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરવા ગ્રામ પંચાયતના બોર્ડમાં લાંબા સમયથી ધૂંધવાઈ રહેલો અસંતોષ આજે જ્વાળામુખી બનીને ફાટ્યો છે. પંચાયતના અલગ-અલગ 5 વોર્ડના સભ્યોએ બળવો પોકાર્યો છે. જેમાં વોર્ડ નંબર 2, 3, 4, 6 અને 7 ના સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ નારાજ સભ્યોએ એકજૂથ થઈને મોરવા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીને પોતાનો લેખિત રાજીનામા પત્ર રૂબરૂ સુપરત કરી દીધો છે. અડધા જેટલા બોર્ડના સભ્યોના આ રીતે સામૂહિક રાજીનામા પડતા વહીવટી તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.

સભ્યોની નારાજગીનું મુખ્ય કારણ શું?
રાજીનામું આપનાર તમામ 5 સભ્યોએ પંચાયતના વહીવટ પર અત્યંત ગંભીર અને મોટા આક્ષેપો લગાવ્યા છે. સભ્યોના જણાવ્યા અનુસાર, છેલ્લા 4 વર્ષથી ગ્રામ પંચાયતમાં તેમની સંપૂર્ણ અવગણના કરવામાં આવી રહી છે અને ગામમાં થતાં સરકારી યોજનાઓ હેઠળના કામો, 15મા નાણાંપંચની ગ્રાન્ટના કામો તેમજ પંચાયતના પોતાના ‘સ્વભંડોળ’ માંથી થતા કામો અંગે ચૂંટાયેલા સભ્યોને કોઈ જ જાણ કરવામાં આવતી નથી. આ ઉપરાંત, કોઈપણ વિકાસના કામો કે નાણાકીય ખર્ચાઓ સભ્યોની જાણ બહાર અને વિશ્વાસમાં લીધા વિના જ મનસ્વી રીતે કરવામાં આવી રહ્યા છે.
સતત 4 વર્ષથી આ રીતે સરમુખત્યારશાહી ચાલતી હોવાથી અને પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમને કોઈ જ મહત્વ ન અપાતા, અંતે કંટાળીને આ 5 સભ્યોએ રાજીનામું આપવાનું મોટું પગલું ભર્યું છે.
Shehera તાલુકાનું રાજકારણ ગરમાયું
મોરવા ગ્રામ પંચાયત (Morva Gram Panchayat) ના 5 સભ્યોના આ આકરા મિજાજ અને સામૂહિક રાજીનામાને પગલે સમગ્ર શહેરા તાલુકાનું રાજકારણ ગરમાયું છે. સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી જે કામો થયા છે તેનો હિસાબ અને પારદર્શિતા કેટલી? હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારીઓ (TDO/DDO) દ્વારા આ ગંભીર આક્ષેપોની કોઈ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે છે કે કેમ, અને રાજીનામા સ્વીકારાય છે કે પછી કોઈ સમાધાનનો રસ્તો કાઢવામાં આવે છે.
આ પણ વાંચો: નવસારી કોંગ્રેસમાં ભડકો, શહેર પ્રમુખની વરણી સામે દિગ્ગજ નેતાઓના રાજીનામા
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાના સમર્થનમાં 200થી વધુ કાર્યકરોના રાજીનામા
આ પણ વાંચો: તેલંગાણામાં કોંગ્રેસને મોટો ફટકો, 12 PCC સભ્યોએ આપ્યા રાજીનામા
