Gir Somnath Politics: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં અત્યારથી જ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) ને એક બહુ મોટો અને આકરો ઝટકો લાગ્યો છે. ‘આપ’ ના ૩૫ થી વધુ દિગ્ગજ નેતાઓ અને હોદ્દેદારોએ એકસાથે સાથ છોડીને વિધિવત રીતે કોંગ્રેસ (Congress) નો ખેસ ધારણ કરી લીધો છે.

Gir Somnath: કોંગ્રેસમાં જોડાયા ‘આપ’ ના આ દિગ્ગજ નેતાઓ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીનો ગઢ ગણાતા વિસ્તારોમાં મોટું ગાબડું પડ્યું છે, જેમાં જિલ્લાના અનેક મોટા માથાઓ હવે કોંગ્રેસમાં જોડાયા છે. ખાસ કરીને તાલાલા વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા ‘આપ’ ના અગ્રણી નેતા ડી.બી. સોલંકી અને વેરાવળ પંથકના જાણીતા ચહેરા ગણાતા રાજા પરમાર પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ પક્ષપલટામાં આશ્ચર્યની વાત એ છે કે માત્ર કાર્યકરો જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના વિવિધ સેલના પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા દિગ્ગજ નેતાઓએ પણ કોંગ્રેસનો હાથ પકડી લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બદલાશે સમીકરણો
ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમયથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર રહી છે, પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાનું પ્રભુત્વ જમાવવાનો જોરદાર પ્રયાસ કર્યો હતો. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં 35 થી વધુ સક્રિય નેતાઓ અને હોદ્દેદારોના કોંગ્રેસમાં જોડાવાથી ‘આપ’ ના સંગઠનને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ, આ મેગા જોઈનિંગને કારણે કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે કે આ મોટા પક્ષપલટાથી આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની (સ્થાનિક સ્વરાજ્યની) ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
આ પક્ષપલટા બાદ ગીર સોમનાથ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે ભાજપ તથા આમ આદમી પાર્ટીની આગામી રણનીતિ પર સૌની નજર ટકેલી છે.
