Jamnagar News/ જામનગરમાં કરોડોનું જમીન કૌભાંડ! સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ ઝડપાયા

Jamnagar Land Grabbing Scam: જામનગરમાં રણજીત સાગર રોડ પર સરકારી જમીન પર 66 પ્લોટ પાડી વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું. લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

Top Stories Gujarat Others
Jamnagar Land Grabbing Scam

Jamnagar Land Grabbing Scam: જામનગર શહેરમાં સરકારી જમીન પચાવી પાડવાનું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રણજીત સાગર રોડ પર આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પ્લોટિંગ કરી વેચી દેવાના ગુનામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ૬ શખસો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં ૩ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

₹2.80 કરોડની જમીન અને 66 પ્લોટનું કારસ્તાન

જામનગરના પોશ ગણાતા રણજીત સાગર રોડ પર આશરે 8.586 ચોરસ મીટર સરકારી ખરાબાની જમીન આવેલી છે, જેની વર્તમાન બજાર કિંમત અંદાજે ₹2.80 કરોડ જેટલી થાય છે. આરોપીઓએ આ કિંમતી જમીન પચાવી પાડવા માટે અત્યંત ચાલાકીપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં તેમણે જમીન પોતાની માલિકીની હોવાનું દર્શાવવા માટે બોગસ નકશા અને દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ત્યારબાદ આ સરકારી જમીન પર કુલ 66 પ્લોટ પાડી દીધા હતા અને નિર્દોષ ગ્રાહકોને આ પ્લોટ વેચી મારીને કરોડો રૂપિયાનો ગેરકાયદેસર આર્થિક લાભ મેળવ્યો હતો.

Land Grabbing Scamમાં 3 ની ધરપકડ 

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીએ આ મામલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા હતા. સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ DySP જે.એન. ઝાલાની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે જગદીશ ચોવટિયા, રાજેશ મારુ અને યજ્ઞેશ રાણપરિયા નામના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જોકે, આ કૌભાંડના અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ મનસુખ રતીલાલ ભટ્ટી, આમદ ખફી, અને નુરમામદ ઉર્ફે ખોડુ ચાવડા હજુ પણ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

નિર્દોષ પ્લોટધારકો મુશ્કેલીમાં

આ કૌભાંડ બહાર આવતા તે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જેમણે પોતાની મહેનતની કમાણીથી આ પ્લોટ ખરીદ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં હજુ પણ અનેક ચોંકાવનારી વિગતો અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ચહેરાઓ બહાર આવવાની શક્યતા છે.


આ પણ વાંચો: છોટાઉદેપુરમાં જમીન કૌભાંડ, ભાઈએ ભાઈની જમીન નકલી દસ્તાવેજોથી હડપ કરી

આ પણ વાંચો: રાજ્યમાં 1,500 કરોડનું જમીન કૌભાંડ, કલેક્ટર-ડેપ્યુટી કલેક્ટર EDના સાણસામાં

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાશે