Surendranagar News:સુરેન્દ્રનગરમાં અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં ફસાયેલા પૂર્વ કલેક્ટર અને 2015 બેચના આઈએએસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ (Rajendra Patel)ના 10 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થઈ રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમને અમદાવાદની વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પૂછપરછનો વિગતવાર તપાસ અહેવાલ સુપરત કરવામાં આવશે. આ કેસમાં તત્કાલીન કલેક્ટર તરીકેની તેની ભૂમિકા પર ગંભીર આરોપો છે, જેમાં લાંચખોરી, અપ્રમાણસર મિલકત અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીની જમીનને બિનખેતી (NA)માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયામાં મોટા પાયે અનિયમિતતા અને લાંચખોરીના રાજેન્દ્ર પટેલ (Rajendra Patel) પર આરોપો છે.આ કેસની શરૂઆત ડિસેમ્બર 2025માં થઈ, જ્યારે EDએ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, જે તેમના પલંગમાં છુપાવેલી હતી. મોરીની પૂછપરછમાં ખુલાસો થયો કે લાંચની રકમ ઉપરી અધિકારીઓ સુધી પહોંચતી હતી, જેમાં રાજેન્દ્ર પટેલ (Rajendra Patel)નું નામ આવ્યું.

1500 કરોડના કૌભાંડમાં રાજેન્દ્ર પટેલ (Rajendra Patel)ને કરાશે રજૂ
આરોપ છે કે NA પરવાનગી માટે ‘રેટ કાર્ડ’ સિસ્ટમ ચાલતી હતી, જેમાં પ્રતિ ચોરસ મીટર મુજબ નક્કી કરેલી ફી લેવામાં આવતી હતી. પટેલ પર આરોપ છે કે તેઓ લાંચના 50% હિસ્સાના હકદાર હતા. તેમનું વૈભવી જીવનશૈલી, અમદાવાદમાં મોંઘા ફ્લેટ્સ, બાળકોની સ્કૂલ ફીની રોકડ ચુકવણી અને મોંઘા ગેજેટ્સ પણ તપાસના કેન્દ્રમાં છે, જે અપ્રમાણસર આવકના આરોપને મજબૂત બનાવે છે.
આ કેસમાં અન્ય વ્યક્તિઓમાં ક્લાર્ક મયુર ગોહિલ, પીએ જયરાજસિંહ ઝાલા, અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચિતનીસ મયુર દવેના નામો પણ સામે આવ્યા છે. આમાંથી કેટલાકને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને તેમની ધરપકડની શક્યતા છે. SIT તપાસમાં અધિકારીઓની ભૂમિકા, રેવન્યુ રેકોર્ડ્સ, નાણાકીય વ્યવહારો અને પરવાનગીઓની તપાસ કરવામાં આવી રહી છે
EDની તપાસ મની લોન્ડરિંગ પર કેન્દ્રિત છે, જ્યારે ACBની SIT ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત પર ધ્યાન આપી રહી છે. સરકારે પટેલને સસ્પેન્ડ કરી દીધા છે અને તમામ કર્મચારીઓને વોર ફૂટિંગ પર ટ્રાન્સફર કર્યા છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની ધરપકડ
