આક્ષેપ/ ચુડા ગ્રામ પંચાયતમાં 14-15 નાણાં પંચની ગ્રાન્ટમાંથી થયેલા કામોમાં ભ્રષ્ટાચાર

એક માસ પહેલા પૈસા ઉપાડી લીધા, ફરિયાદ થવાની બીકે હવે કામ શરૂ કર્યું : પૂર્વ સભ્ય, ચુડાના પૂર્વ ઈ.સરપંચ, તલાટી, એન્જિનિયર સામે વિજીલન્સ તપાસની માંગ કરાઈ

Gujarat

ચુડા ગ્રામ પંચાયતના પૂર્વ ઈન્ચાર્જ સરપંચ મુકેશભાઈ લકુમ તલાટી કમ મંત્રી અને એન્જિનિયરે મીલીભગત કરી 14 અને 15માં નાણાંપચની ગ્રાન્ટમાંથી કરેલા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના વોર્ડ નં-7ના પૂર્વ સભ્ય પુનમબા હિતેન્દ્રસિંહ ઝાલાએ લગાવતાં ચકચાર મચી જવા પામ્યો છે.

પુનમબા ઝાલાએ કલેક્ટર, ડીડીઓ, વિકાસ કમિશ્નર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે વોર્ડ નં.18માં કલાની લીમડીથી પ્રભુભાઈ મિસ્ત્રીના ઘર સુધી રોડના કામમાં 50 બ્રાસ અને ગોકળભાઈના દવાખાનાથી છત્રીચોક સુધીના રોડનું 40 બ્રાસનું ખોટું બીલ બનાવી રૂપિયા ઉપાડી લીધા છે. બન્ને રોડ માટે ખરીદાયેલી સિમેન્ટમાં પણ વધારે પૈસા ચૂકવી ભ્રષ્ટાચાર કર્યો છે.

મિસ્ત્રી સમાજની વાડીથી જોરાવરપરાની બન્ને બાજુ અને રબારીનેશથી ઝાપા સુધી જે ગટરો બનાવી તેમાં માપ કરતા વધારેનું બીલ બનાવી પૈસાની ઉચાપત કરી હતી. 14 અને 15માં નાણાંપચની ગ્રાન્ટમાંથી કરાયેલા કામોમાં થયેલા ભ્રષ્ટાચારની વિજીલન્સ તપાસ કરી ચુડાના પૂર્વ ઈ.સરપંચ, તલાટી, એન્જિનિયર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 બ્રાસ પેવર બ્લોક 2,200 રૂ.ના આવે, તેનું 3,600 રૂ.નું બીલ બનાવ્યું

પેવર બ્લોકની ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. 1 બ્રાસ બ્લોક 2,200 રૂ.ના આવે એને 3,600 રૂ.નું બીલ બનાવ્યું છે. બ્લોક બનાવવાનાં કારખાનામાં ઈન્ચાર્જ સરપંચની ભાગીદારી છે.

તલાટીએ ચેક બનાવ્યો મેં સહિ કરી દીધી હતી.

ચુડા ગ્રામ પંચાયતના પૂર્વ ઈ.સરપંચ મુકેશભાઈ લકુમનું કહેવુ છે કે, જોરાવરપરાની બન્ને શેરીના કામ બાકી હતા છતાંય તલાટીએ ચેક બનાવી નાંખ્યો હતો મને ખબર નહોતી મેં સહિ કરી નાંખી હતી. પરંતુ હવે એ કામ ચાલું કરી દીધા છે થોડા સમયમાં કામ પુરા કરી નાંખીશું. બાકી કામો માટે મારા ઉપર જે આક્ષેપો થયા છે તે પાયાવિહોણા છે. મેં પુરી ઈમાનદારીથી કામ કર્યાં છે.