થાણે પોલીસે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો મુંબઈના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ હોટલ અને બારનું લાઇસન્સ મેળવવામાં કથિત છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધી છે. સમીર વાનખેડેએ થાણે પોલીસની એફઆઈઆરને પડકારી હતી. તેમણે બોમ્બે હાઈકોર્ટનો માર્ગ અપનાવ્યો છે. વાનખેડેએ થાણે કલેક્ટર દ્વારા રદ કરાયેલ બાર લાયસન્સ પુનઃસ્થાપિત કરવા માટે હાકોર્ટમાં બીજી અરજી દાખલ કરી છે. આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ નાર્વેકરે નવી મુંબઈમાં હોટેલ અને બારનું લાયસન્સ રદ કરી દીધું હતું અને દાવો કર્યો હતો કે તે ખોટી માહિતી આપીને અને છેતરપિંડી કરીને મેળવવામાં આવ્યું હતું. થાણેના નાયબ પોલીસ કમિશનર ડૉ. વિજય કુમાર રાઠોડના જણાવ્યા અનુસાર, રાજ્ય આબકારી અધિકારીઓની ફરિયાદ બાદ છેતરપિંડીના કેસના સંબંધમાં અહીં કોપરી પોલીસ સ્ટેશનમાં શનિવારે રાત્રે સમીર વાનખેડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે ગયા વર્ષે નવેમ્બરમાં આરોપ લગાવ્યો હતો કે સમીર વાનખેડે નવી મુંબઈના વાશીમાં એક પરમિટ રૂમ અને બારની માલિકી ધરાવે છે, જેના માટે લાઇસન્સ 1997માં મેળવ્યું હતું જ્યારે વાનખેડે સગીર હતા અને તેથી તે ગેરકાયદેસર છે. નવાબ મલિકે એમ પણ કહ્યું હતું કે સરકારી નોકરીમાં હોવા છતાં સમીર વાનખેડે પાસે પરમિટ રૂમ ચલાવવાનું લાઇસન્સ છે, જે સેવા નિયમોની વિરુદ્ધ છે.
