વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સાંસદોને સેવા અને સમર્પણની ભાવના સાથે કામ કરવાની સલાહ આપી છે. મંગળવારે, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના એક દિવસ પહેલા, PM મોદીએ પાર્ટીના સાંસદોને સેવા અને સમર્પણની ભાવના સાથે લોકોની વચ્ચે કામ કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, લોકો વચ્ચે જઈને કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો પ્રચાર કરવો જોઈએ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત બીજેપી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાને આ વાત કહી. સૂત્રોએ જણાવ્યું કે, વડા પ્રધાને સંસદસભ્યોને સ્થાપના દિવસ અને સામાજિક ન્યાય પખવાડિયાના ભાગરૂપે તેમના સંબંધિત મતવિસ્તારમાં દરરોજ એક મોટો કાર્યક્રમ આયોજિત કરવા અને સમાજના છેલ્લા તબક્કા સુધી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ભાજપ તેના સ્થાપના દિવસથી 14 દિવસ સુધી સામાજિક ન્યાય પખવાડિયાની ઉજવણી કરી રહ્યું છે.
સાંસદોએ સેવા અને સમર્પણથી કામ કરવું જોઈએ – પીએમ
પાર્ટીએ આ સમયગાળા દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન મોદી બુધવારે પાર્ટીના સ્થાપના દિવસ પર ડિજિટલ માધ્યમથી ભાજપના કાર્યકરોને સંબોધિત કરવાના છે. સંસદીય દળની બેઠકમાં પૂર્વોત્તરમાં ભાજપના ઉદયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પૂર્વોત્તરના લગભગ તમામ રાજ્યોમાં ભાજપ અથવા તેની ગઠબંધન સરકારો છે. નાગાલેન્ડના ભાજપના પ્રથમ મહિલા સાંસદ એસ ફાંગનોન કોન્યાકે પણ આજે સંસદીય દળની બેઠકમાં હાજરી આપી હતી. તેણી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ બેઠકમાં રાજ્યસભામાં પાર્ટીના સભ્યોની સંખ્યા 100 સુધી પહોંચવાનો ઉલ્લેખ કર્યો હતો અને તેને પાર્ટીની મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ સાંસદોને પક્ષ દ્વારા આયોજિત તમામ કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
ભાજપના સાંસદો અને નેતાઓ અનેક કાર્યક્રમોમાં સામેલ થશે
પ્રહલાદ જોશીના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ કહ્યું કે સાંસદોએ પોતાને જનસેવા માટે સમર્પિત કરવું જોઈએ. પાર્ટીના સાંસદો અને અન્ય સભ્યો 7 એપ્રિલે “આયુષ્માન ભારત” અને જન ઔષધિ કેન્દ્રોની અસરને પ્રકાશિત કરશે. 8 અને 9 એપ્રિલના રોજ યોજાનાર કાર્યક્રમોના કેન્દ્રમાં ગરીબો માટે આવાસ યોજના અને હર ઘર નલ સે જલ યોજના હશે. જોશીએ કહ્યું કે, ભાજપના સાંસદો 12 એપ્રિલે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમના મહત્વને રેખાંકિત કરશે. વડાપ્રધાને સાંસદોને તે દિવસે શાળાઓની મુલાકાત લેવા અને વિદ્યાર્થીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું.
આ પણ વાંચો:યુક્રેનમાં લોકોનો જીવ બચાવતા આ નર્સ-ડોક્ટર પડ્યા પ્રેમમાં, બરબાદ શહેરમાં કર્યા લગ્ન
આ પણ વાંચો: દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો, સરકારે કોવિડ કેર કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય કર્યો
આ પણ વાંચો: ફૂટપાથ પર પડી હતી માલિકની લાશ, કલાકો સુધી કૂતરો કરતો રહ્યો રખેવાળી, રશિયા યુક્રેન યુદ્ધની હૃદયદ્રાવક તસવીર
