પ્રફુલ્લ ત્રિવેદી એસો. એડિટર
ડાકોરના સરકારી માલિકીના ગોમતી તળાવમાં ગેરકાયદે બોટીંગનો વ્યવસાય કરીને મોટી કમાણી કરનાર પરેશભાઇ ખંભોળજાની આ કુપ્રવૃતિ આખરે બંધ કરાવવાની ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરજ પડી છે. ગુજરાતની અગ્રણી ન્યુઝ ચેનલ ‘મંતવ્ય ન્યુઝ’માં સૈા પ્રથમ વખત આ સમાચાર ઉજાગર થતાં તંત્ર દોડતું થયું હતું.ગાંધીનગરથી હુકમો છૂટતા હાથ પર હાથ ધરીને બેસી રહેલા ચીફ ઓફિસરને કુપ્રવૃતિ બંધ કરવાની ફરજ પડી છે.
ડાકોરના પવિત્ર યાત્રાધામમાં આવેલા સુપ્રસિદ્વ ગોમતી તળાવમાં ‘જય માતાજીના ‘ ના નામે ગેરકાયદે બોટિંગ કરાવીને મોટી કમાણી કરનાર પરેશભાઇ ખંભોળજાના હાથ આખરે હેઠાં પડયા છે. ગુજરાતની લોકપ્રિય ચેનલ ‘મંતવ્ય ન્યુઝ’ દ્વારા આ કૌભાંડને ઉજાગર કરાતા તંત્ર દોડતું થયું હતું અને સરકારી મિલકતમાંથી સરેઆમ કમાણી કરનારની ગેરકાયદેસરની પ્રવૃતિને આખરે બંધ કરાવી દેવાની ફરજ પડી છે.
ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરે તા.12-10-2022ના રોજ આખરી નોટિસ ફટકારી જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા કોઇ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. કોઇપણ પ્રકારનું એગ્રીમેન્ટ કરવામાં આવેલ નથી,તમારા દ્વારા ચલાવવામાં આવતા બોટિંગ બાબતે કોઇપણ જાતનું લાયસન્સ કે વિમો ઉતરાવવામાં આવ્યો નથી,એટલે ગેરકાયદે બોટીંગ દિવસ 1માં બંધ કરી અત્રે જાણ કરશો.બોટિંગ ચલાવનાર પરેશભાઇ આ નોટિસને ઘોળીને પી ગયા હતા.આ પહેલાં પણ કેટલિક નોટિસો અપાઇ હતી પણ માત્ર કાગળ પર જ રહી ગઇ હતી. બીજી તરફ ચીફ ઓફિસર અંદરખાને કોન્ટ્રાકટર સાથે મળેલા હોય તેમ હાથ પર હાથ મૂકીને બંસી રહ્યાં હતાં. આખરે આ પોલંપોલની વિગતો ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા ચીફ ઓફિસરને બોટીંગ બંધ કરાવવાની ફરજ પડી છે. શરૂઆતમાં બોટીંગ ચલાવનારે થોડો વિરોધ કર્યો હતો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી તેનું કશું જ ચાલ્યું ના હતું. જો કે આખો ઘટનાક્રમમાં ચીફ ઓફિસરની ઘોર ઉદાસિનતા સપાટી પર આવી છે અને સરકારે તેમનો આ અંગે તાત્કાલિક જવાબ માગવો જોઇએ તેવી માગણી સમગ્ર પંથકમાં ઉભી થવા પામી છે.
ચીફ ઓફિસરે લીધેલા પગલા બાદ પણ કેટલાક સવાલો ઉભા થયા છે
(1) આ ગેરકાયદે પ્રવૃતિ કેટલાં સમયથી ચાલતી હતી ? નોટિસનો અમલ ના થાય તો પગલાં લેવામાં આવતા કેમ નહોતા ?
(2) હજુ પણ તેનું બોર્ડ,પ્લેટફોર્મ,બોટો ત્યાં જ કેમ છે? માત્ર બાંયધરીથી સંતોષ કેમ માન્યો? શા માટે તમામ વસ્તુઓ જપ્ત ના કરી?
(3) અત્યાર સુધી સરકારી મિલકતનો ગેરકાયદે કબ્જો કરી કમાણી કરી તેની સામે FIR કેમ ન કરી ?
(4) પ્લેટફોર્મ -બોર્ડ ત્યાં જ હોવાથી ફરીથી ચાલુ નહીં કરે દે તેની ખાતરી શું? ચીફ ઓફિસર ડરે છે કે મીલીભગત છે,તેવો પણ ગંભીર સવાલ ઉભો થાય છે.
(5)ચીફ ઓફિસર પગલાં નહોતા લેતા તેથી અનેક સવાલો ઉભા થાય છે,શું કોઇ અધિકારી સાથે મીલીભગત હતી કે રાજકારણનું દબાણ હતું.
