અમદાવાદઃ મોરબીવાસીઓના જીવ ભરખી જનારી મોરબી પુલ હોનારતમાં ઘણા સમય પછી પીડિતોને કંઇક રાહત થાય તેવા સમાચાર મળ્યા છે. મોરબી પુલ હોનારત ને લઈને ગુજરાત હાઇકોર્ટે મૃત્યુ પામેલા કુટુંબીજનોને પ્રતિ વ્યક્તિ દસ લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની બેદરકારીના લીધે મૃત્યુ પામેલા કુટુંબીજનોના સ્વજનોને 10 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.
હાઇકોર્ટે તાકીદ કરી છે કે મોરબી પુલ હોનારત માં વળતર ચૂકવણીમાં ઠાગાઠૈયા જરા પણ નહી ચાલે, આદેશ આપ્યાના એકથી બે અઠવાડિયામાં તેની ચૂકવણી કરી દેવી પડશે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં ઘાયલ થયેલાઓને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટ આગામી સમયમાં આ કેસમાં હજી પણ મોટો નિર્ણય લઈ શકે છે.
મોરબી પુલ હોનારત માં જયસુખ પટેલના વકીલ દ્વારા શરુઆતમાં 3 લાખ અને પછી 5 લાખનું વળતર ચૂકવવાની તૈયારી બતાવી હતી પરંતુ હાઈકોર્ટે આ અંગે વચગાળાનો આદેશ આપ્યો છે તેમાં 10 લાખ રૂપિયા મૃતકના પરિવારને ચૂકવવા માટે ઓરેવા કંપનીને આદેશ કર્યો છે. આ કેસમાં મૃતકોના પરિવારજનો સવારથી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને તેમણે કોર્ટ આ કેસમાં મોટો નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી.
વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે તેને જોતા આગામી સમયમાં વળતર અને જે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તેમને લઈને મહત્વનો નિર્ણય લઈને ચૂકાદો આપી શકે છે. મોરબી પુલ હોનારત માં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારજનો સિવાય અન્ય અરજદારો દ્વારા પણ વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા હાલ વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મૃતક પરિવારો કોણ છે, માતા-પિતા ગુમાવ્યા હોય તેવા કેસ કેટલા છે અને પરિવારે એકથી વધુ સભ્યો ગુમાવ્યા હોય તે સહિતની વિગતો મંગાવવામાં આવી હતી. જેના આધારે વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કેસમાં હજુ મહત્વનો ચુકાદો આપવામાં આવશે તેવી શક્યતાઓ કેસની ગંભીરતાને જોતા માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ વેતન કાપ/ “અન્યાયી, અસ્વીકાર્ય”: વિપ્રોએ ફ્રેશર્સ માટે પગારમાં કાપ મૂક્યા પછી ગુસ્સો
આ પણ વાંચોઃ ગમખ્વાર અકસ્માત/ અરવલ્લીમાં બુલેટ અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત
આ પણ વાંચોઃ Sisodiya/ સિસોદિયા પર કસાતો ગાળિયોઃ દારુનીતિ પછી હવે જાસૂસી કાંડમાં સીબીઆઇ તપાસ
