બિપરજોય આફ્ટર ઇફેક્ટ્સ/ તબાહી બાદ મેઘરાજાનું તાંડવ, રસ્તાઓ બન્યા નદી

વાવાઝોડાની તબાહી બાદ હવે મેઘરાજાનું તાંડવ શરૂ થયુ છે, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે, નડાબેટના રણમાં પણ પાણી ભરાયા છે, ત્યારે રાજકોટમાં રેલવેના નાળામાં પાણી ભરાયા છે, આ વાવાઝોડાની તબાહી બાદ મેઘરાજાના તાંડવે કેટલી કહેર મચાવી છે.

Top Stories Gujarat Others

અરબસાગરમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ ગયું છે. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદથી નડાબેટ રણમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તેમજ વાવ તાલુકામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા હતા. જેથી લોકો પરેશાન થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં પણ હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે વાતાવરણમાં વિઝિબિલિટી ઘટી હતી. સાંતલપુરના અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતા. સાંતલપુરમાં નાના-મોટા અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમજ કાચા મકાનો પણ જમીનદોસ્ત થયા હતા. રાધનપુરમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ડાલડી ગામમાં સુસવાટા મારતા તેજ પવન સાથે કાચા મકાનના પતરા ઉડ્યા હતા.

બિપરજોય વાવાઝોડાની અસરે રાજકોટ શહેર સહિત જિલ્લાના ગોંડલ, જેતપુર, ઉપલેટા સહિતના પંથકમાં પણ મોડીરાતથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેમાં પડધરી 5, લોધીકા 18, કોટડા સાંગાણી 27, જસદણ 24, ગોંડલ 36, જામકંડોરણા 85, ઉપલેટા 149, ધોરાજી 97, જેતપુર 49 અને વીછીયામાં 20 મિમી વરસાદ નોંધાયો હોવાનું રાજકોટ ફ્લડ કંટ્રોલ યુનિટની યાદીમાં જણાવાયું છે. ભારે વરસાદને પગલે અનેક સ્થળે પાણી ભરાતા રસ્તાઓ પર પાણીની નદી વહેતી જોવા મળી હતી. જો કે, આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરના પોપટપરા નાળામાં પાણી ભરાયા હતા. જેને પગલે રેલનગર સહિતના વિસ્તારો શહેરથી વિખુટા પડ્યા હતા. ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસેનો ઉમિયા સાગર ડેમ સૌ ટકા ભરાઈ ગયો હોવાથી ડેમનો એક દરવાજો સવારે 5.45 વાગ્યે 0.325 ફુટે ખોલવામાં આવ્યો છે. ડેમમાં હાલ 274ના પ્રવાહની આવક છે. આથી આ ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચારેલીયા, ખારચીયા, રાજપરા, રબારીકા અને જાર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

દાંતા તાલુકાના ગામોમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર ઠેર-ઠેર જોવા મળી હતી. રાત્રે 8 વાગ્યાથી યાત્રાધામ અંબાજીમાં તોફાની પવન સાથે વરસાદની એન્ટ્રી જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થતાં છાપરા અને પતરાવાળા મકાનોમાં રહેનાર લોકોમાં ચિંતાના વાદળ છવાઈ ગયા હતા. તંત્ર દ્વારા દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને ગામો સહિત યાત્રાધામ અંબાજીના લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. ઘરોમાં પાણી ઘૂસતાં લોકો પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયાં છે, આથી રસ્તાઓ પર પસાર થવા લોકોને હાલાકી પડી રહી છે તેમજ ભાભરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે, આથી લોકો ચિંતામાં મુકાયા છે. ભુજમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા સૂનકાર છવાઇ ગયો છે.

નડાબેટ નજીકનું રણ દરિયો બન્યું હતું. મોડી રાત્રે થયેલા વરસાદી પાણી રણમાં ભરાતા રણ દરિયો બન્યું હતું. વહેલી સાવરથી આ વિસ્તારમાં ભારે પવન ફંકાઈ રહ્યો છે, તેમજ સાથે સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. નખત્રાણામાં પણ અનરાધાર વરસાદ શરૂ થયો છે. મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પવનને કારણે હાઇવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રાધનપુરનાં લાલબાગમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયુ હતું. જેને પગલે સરકારી તંત્રને જાણ કરાતા તાત્કાલિક SDRFની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આ વૃક્ષને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો:પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ

આ પણ વાંચો:વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આ પણ વાંચો:ટૂંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

આ પણ વાંચો:ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની શરૂઆત, ભારે પવન સાથે ભારે વરસાદ; મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી