Cricket/ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ, જુઓ Video

સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમમાં જ રમ્યો હતો છેલ્લી મેચ : પ્રતિમા સચિનના 50 વર્ષના જીવનને સમર્પિત

Top Stories Sports Videos

મુંબઈઃ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને 2જી નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી ભારત-શ્રીલંકા મેચ પહેલા મોટું સન્માન મળ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનએ વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.

વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી ભારત-શ્રીલંકા મેચ પહેલા સચિન તેંડુલકરનું સ્ટેચ્યૂ ખુલ્યું મૂકાયું હતું. આ સ્ટેચ્યૂ સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સ્ટેચ્યૂ સચિન તેંડૂલકરના જીવનના 50 વર્ષને સમર્પિત છે. સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50 મો જન્મદિવસ ઉજવ્યો હતો.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પ્રતિમાના અનાવરણ પ્રસંગે કહ્યું, ‘મને ખુશી થઈ જ્યારે MCAએ મને કહ્યું કે તમારી એક પ્રતિમા વાનખેડેમાં સ્થાપિત કરવામાં આવશે. હું આનાથી ખૂબ જ વિનમ્રતા અનુભવું છું. વાનખેડેની મારી પહેલી યાત્રા 1983માં થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ વાનખેડેમાં રમી રહી હતી, અમારી પાસે માત્ર 24 ટિકિટ હતી અને અમે 25 બાળકો હતા, ત્યારે તેઓએ મને છુપાવી દીધો અને તેઓ તે કરવામાં સફળ રહ્યા.

આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. ભારત અને શ્રીલંકા વચ્ચે ODI વર્લ્ડ કપની મેચ આ સ્ટેડિયમમાં 2 નવેમ્બરે રમાશે. સચિને પોતાની કારકિર્દીની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં જ રમી હતી. આ સિવાય ભારતે આ મેદાન પર ODI વર્લ્ડ કપ-2011ની ફાઈનલ પણ જીતી હતી.

આ પ્રતિમા મહારાષ્ટ્રના અહમદનગરના ચિત્રકાર-શિલ્પકાર પ્રમોદ કાંબલે દ્વારા બનાવવામાં આવી છે. નવેમ્બર 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન ભારત માટે અંતિમ ટેસ્ટ રમ્યાના લગભગ 10 વર્ષ બાદ તેંડુલકરની પ્રતિમા તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી છે.

સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન વનડેમાં 18,426 રન અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. સચિનના નામે તમામ ફોર્મેટ સહિત 100 આંતરરાષ્ટ્રીય સદીઓ છે. તમને જણાવી દઈએ કે ODI ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. 24 ફેબ્રુઆરી 2010ના રોજ, સચિને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તેમના પહેલા ઘણા બેટ્સમેન ચોક્કસપણે 200 રનના આંકની નજીક પહોંચ્યા હતા, પરંતુ તેમના પહેલા કોઈ બેટ્સમેન આ જાદુઈ આંકડો પાર કરી શક્યો ન હતો.