Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે એક અભૂતપૂર્વ ઘટનાને લઈને કડક વલણ અપનાવ્યું છે, જેમાં સમદ અબ્દુલ રહેમાન શાહ નામના એક વ્યક્તિ વર્ચ્યુઅલ કોર્ટ પ્રોસીડિંગ દરમિયાન ટોઈલેટમાંથી જોડાયા હતા.આ ઘટનાએ કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડી હોવાનું માની, હાઈકોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરી હતી. 22 જૂન, 2025ના રોજ યોજાયેલી સુનાવણીમાં, અબ્દુલ સમદને 15 દિવસની સમાજ સેવાની સજા ફટકારવામાં આવી છે, જેની સાથે તેમણે ₹1 લાખનો દંડ પણ ભર્યો હતો.
20 જૂન, 2025ના રોજ, જસ્ટિસ નિર્ઝર દેસાઈની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સંબંધિત એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન, સમદ અબ્દુલ રહેમાન શાહ, જે ફરિયાદી તરીકે વર્ચ્યુઅલ રીતે હાજર થયા હતા, તે 74 મિનિટ સુધી ટોઈલેટમાંથી પ્રોસીડિંગમાં જોડાયા હતા. આ ઘટના સ્ક્રીન પર સ્પષ્ટ દેખાઈ હતી, જેનો વીડિયો વાયરલ થયો અને કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડનારું માનવામાં આવ્યું. આ ઘટનાએ ઓનલાઈન કોર્ટ પ્રોસીડિંગની શિસ્ત અને ગંભીરતા પર સવાલો ઉભા કર્યા હતા.
14 જુલાઈ, 2025ની સુનાવણીમાં, ગુજરાત હાઈકોર્ટે અબ્દુલ સમદને ₹1 લાખનો દંડ ફટકાર્યો હતો, જે તેમણે હાઈકોર્ટ રજિસ્ટ્રીમાં જમા કરાવ્યો. અબ્દુલ સમદે કોર્ટમાં બિનશરતી માફી માગી હતી, પરંતુ જસ્ટિસ નિર્ઝર દેસાઈએ જણાવ્યું હતું કે, “માફી માગવાથી ભૂલ માફ થતી નથી, આવું કૃત્ય કોર્ટની ગરિમાને નુકસાન પહોંચાડે છે.” કોર્ટે અબ્દુલ સમદના વકીલને પણ તેમના અસીલને યોગ્ય માર્ગદર્શન આપવામાં નિષ્ફળતા બદલ પ્રશ્નો કર્યા હતા.
22 જુલાઈ, 2025ની સુનાવણીમાં, જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ આર.ટી. વચ્છાણીની ડિવિઝન બેન્ચે અબ્દુલ સમદને સજાના ભાગરૂપે સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલા મમતા માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં 15 દિવસ સુધી બિનપગારી સમાજ સેવા કરવાનો હુકમ કર્યો. આ સંસ્થા માનસિક રીતે અશક્ત વ્યક્તિઓની સેવા કરે છે. અબ્દુલ સમદે 10 વિકલ્પોમાંથી આ સંસ્થાની પસંદગી કરી હતી. તેમણે દરરોજ ઓછામાં ઓછા 2 કલાક સેવા આપવાની રહેશે, અને આ અંગેનો રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સોંપવામાં આવશે.
આ પણ વાંચો:ટોયલેટ સીટ પરથી ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહીમાં હાજરી આપતા માણસનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટને વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
આ પણ વાંચો:જો તમે ઘરે PG ચલાવવાનું વિચારી રહ્યા છો, તો ગુજરાત હાઈકોર્ટનો આ મહત્વપૂર્ણ નિર્ણય જાણો
