આજના સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બન્યા છે. લોકોમાં કોરોના બાદ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાસ્થ્ય સુરક્ષિત રાખવા મામલે જાગૃકતામાં વધારો થયો છે. આપણે ત્યાં કહેવત છે કે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એટલે કે સ્વસ્થ આરોગ્ય આપણી પ્રથમ સંપત્તિ છે તેવું આપણા વડીલો કહે છે. વડીલો અને જૂના સમયની કહેવાત આજના સમયમાં પણ લાગુ પડે છે. જેનો અનુભવ તમામ લોકોને કોરોના સમયમાં થયો છે. આ સમય દેશ અને દુનિયા માટે બહુ ખરાબ રહ્યો. અને આ સમયે સ્વાસ્થ્ય મામલે બેદરકાર રહેતા લોકોને વધુ સચેત કર્યા છે.
રાખો સ્વાસ્થ્યનું ધ્યાન
આજે લોકોએ પોતાના આહારમાં મોટો બદલાવ કર્યો છે. ખાસ કરીને ખાણીપીણીને લઈને ખૂબ જ સાવચેત રહેવા લાગ્યા છે. લોકો બજારમાંથી નાનામાં નાની વસ્તુ લાવતા પહેલા તેને ઘણા પ્રકારના ઉત્પાદનો સાથે સરખાવે છે અને ત્યારબાદ શ્રેષ્ઠ વસ્તુ પસંદ કરે છે. પરંતુ રોજિંદા વપરાશમાં લેવાતા દૂધને આપણે બહુ મહત્વ આપતા નથી. ઘરમાં આવતું દૂધના પેકેટનો ઉપયોગ કરીએ છીએ. તમામ ભારતીયોના ઘરમાં રોજિંદા દૂધનો ઉપયોગ થાય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ ઉંમરના લોકો નિયમિતપણે દૂધનું સેવન કરે છે. આવી સ્થિતિમાં, અન્ય ખાદ્યપદાર્થોની સાથે, તમારા માટે યોગ્ય અને સૌથી આરોગ્યપ્રદ દૂધની પસંદગી કરવી મહત્વપૂર્ણ બની જાય છે. જો કે સ્વાસ્થ્ય મામલે સભાન લોકો કયા દૂધનું સેવન કરવું તેને લઈને નિષ્ણાતની સલાહ લેવા લાગ્યા છે.

વાસ્તવમાં, બજારમાં સૌથી વધુ જોવા મળતા ત્રણ વિકલ્પો ગાય, ભેંસ અથવા બકરીનું દૂધ છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આ ત્રણમાંથી કયું તમારા માટે સૌથી વધુ હેલ્ધી છે અને કયું પીવાથી તમને સૌથી વધુ પોષણ મળી શકે છે. નિષ્ણાતના જણાવ્યા મુજબ સૌ પહેલા તમારે ગાય, દૂધ અને બકરીના દૂધમાં કયા પોષક તત્ત્વો રહેલા છે તેની માહિતી મેળવવી જોઈએ. અને તમારા શરીરને તેની કેટલી જરૂર છે તે જાણ્યા બાદ તે દૂધનું સેવન કરવું જોઈએ.
ગાયનું દૂધ : સૌ પ્રથમ, જો આપણે ગાયના દૂધ વિશે વાત કરીએ, તો આપણા દેશના મોટાભાગના લોકો તેને પસંદ કરે છે. હકીકતમાં, ભેંસ અને બકરીના દૂધની તુલનામાં, ગાયના દૂધમાં સામાન્ય રીતે ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આવી સ્થિતિમાં લો ફેટ ડાયટ ફોલો કરનારા લોકો માટે તે ફાયદાકારક બની જાય છે. જો કે, ગાયના દૂધમાં ભેંસના દૂધ કરતાં ઓછું પ્રોટીન હોય છે. આનો અર્થ એ છે કે જો તમે વધુ પ્રોટીન લેવા માંગતા હો, તો ગાયનું દૂધ તમારા માટે ઓછું ફાયદાકારક વિકલ્પ બની જાય છે.

આ ઉપરાંત, ગાયનું દૂધ તમને અન્ય ઘણા જરૂરી પોષક તત્વોની સારી માત્રામાં પ્રદાન કરી શકે છે. તેમાં સારી માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે તમારા હાડકાંના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. વધુમાં, ગાયનું દૂધ વિટામિન ડીનો ઉત્તમ સ્ત્રોત છે, જે તેના પોષણ મૂલ્યમાં વધુ વધારો કરે છે. ગાયના દૂધમાં ભેંસના દૂધની તુલનામાં ઓછું કોલેસ્ટ્રોલ હોય છે , જે તેને હૃદયના દર્દીઓ માટે પણ સલામત બનાવે છે.
ભેંસનું દૂધ : હવે જો આપણે ભેંસના દૂધ વિશે વાત કરીએ તો ઉપર જણાવ્યા મુજબ તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા સ્નાયુઓની વૃદ્ધિ અને હોર્મોન નિયમનને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બકરીના દૂધ કરતાં ભેંસના દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત, ભેંસના દૂધમાં વધુ કેલ્શિયમ અને આયર્ન જોવા મળે છે, જે એકંદર આરોગ્યમાં ફાળો આપે છે.

જો કે, આટલા બધા ફાયદાઓ હોવા છતાં, તે હૃદયના દર્દીઓ માટે સંપૂર્ણપણે સલામત માનવામાં આવતું નથી. ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે, જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે.
બકરીનું દૂધ : બકરીના દૂધમાં લેક્ટોઝનું પ્રમાણ ભેંસ અને ગાયના દૂધની સરખામણીમાં ઓછું હોય છે. આવી સ્થિતિમાં, નબળી પાચનશક્તિથી પીડાતા લોકો માટે તે વધુ ફાયદાકારક છે, અને લેક્ટોઝ અસહિષ્ણુ લોકો પણ તેનું સેવન કરી શકે છે. બકરીનું દૂધ બાકીના દૂધ કરતાં વધુ સરળતાથી પચી શકે છે અને તેનું સેવન કરવાથી તમને ગેસ, એસિડિટી કે પેટનું ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી . આ ઉપરાંત ગાય અને ભેંસના દૂધની સરખામણીમાં બકરીના દૂધમાં વિટામિન એ અને બીનું પ્રમાણ વધુ હોય છે, જે વધારાના પોષક લાભો પ્રદાન કરે છે. તે જ સમયે, જેઓ તેમના વજન અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખીને દૂધ પીવા માંગે છે, તેમના માટે બકરીનું દૂધ સૌથી આરોગ્યપ્રદ વિકલ્પ છે.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, તમે તમારા સ્વાસ્થ્ય અને જરૂરિયાતો અનુસાર ગાય, ભેંસ અથવા બકરીના દૂધમાંથી એક પસંદ કરી શકો છો. જો કે, જો કોલેસ્ટ્રોલને અવગણવામાં આવે તો, ભેંસના દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને આવશ્યક ખનિજોનું સમૃદ્ધ મિશ્રણ જેવા વધુ પોષક તત્વો હોય છે.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
