Ahmedabad News: અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાની હડતાળ સમેટાઈ ગઈ છે. આ અંગે અમદાવાદ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનની બેઠક મળી હતી. આ બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિયેશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિયેશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદત માંગવામાં આવી હતી.
તેમા RTO અને વર્ધી એસોસિયેશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાળ પૂરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RTO જે.જે. પટેલ સાથેની બેઠક બાદ હડતાળ સમેટવાની જાહેરાત કરવામાં આવી છે.
આ બેઠક બાદ RTO જે.જે. પટેલે જણાવ્યું હતું કે બાળકોની સમિતિ સાથે બાંધછોડ કરવામાં આવશે નહી. 45 દિવસમાં પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે. રોજની 200થી 250 ગાડીઓની નોંધણી થશે. વાહનો અંગેના 2019થી ચાલતા નિયમ જારી જ રહેશે. મંજૂરી વગરની ગાડીમાં ઘટના બને તો વાહનચાલક જવાબદાર રહેશે.
સ્કૂલ વાનમાં સીએનજીની ટાંકી પર બાળકોને બેસાડવાને લઈ અત્યાર સુધી સવાલ હતા. જો કે હવે તેની પણ સ્પષ્ટતા થઈ છે. કંપની ફિટેડ સીએનજીમાં સીએનજી કિટ પરની સીટ પર બાળકોને બેસાડી શકાશે. જ્યારે કંપની ફિટિંગ ન હોય એવી સીએનજી કિટ પર સેફટીના સાધનો અને પરવાનગી સાથે બાળકોને બેસાડી શકાશે.
ઉલ્લેખનીય છે કે આરટીઓ અને ટ્રાફિક પોલીસની સ્કૂલવાન અને રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ, પરમિશન સહિતના મુદ્દે ડ્રાઈવ કરવાની જાહેરાતને લઈને સ્કૂલ વર્ધી એસોસિયેશન દ્વારા ગઈકાલથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરવામાં આવી હતી. હડતાલ જાહેર થતાં અમદાવાદમાં તમામ સ્કૂલોમાં બાળકોને લેવા મૂકવા આવતી સ્કૂલવાન અને રિક્ષા બંધ થઈ હતી, જેથી વાલીઓએ બાળકોને સ્કૂલે જાતે મૂકવા આવવા માટેની ફરજ પડી હતી.
આ પણ વાંચો: જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો
આ પણ વાંચો: સુરતમાં દેરાસર બહાર પશુનું માથું ફેંકાતા જૈનોમાં રોષ
આ પણ વાંચો: ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી
આ પણ વાંચો: ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ
