Gandhinagar News/ “હક્ક લઈને જ ઝંપીશું”! હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોનો સચિવાલયમાં હલ્લાબોલ

હાઈ ટેન્શન વીજ લાઈનના વળતરમાં અન્યાય અને જંત્રી દરોની વિસંગતતા મુદ્દે ગુજરાતના ખેડૂતો (Farmer) માં રોષ. સચિવાલયે રજૂઆત અને રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી.

Gujarat Gandhinagar Top Stories
Farmer Protest Gandhinagar

Farmer Protest Gandhinagar: ગુજરાતમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઈનના વળતર મુદ્દે ફરી એકવાર ખેડૂતો અને સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. બજાર ભાવ અને જંત્રી દર વચ્ચેની મોટી વિસંગતતાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વિવિધ જિલ્લાના ખેડૂત આગેવાનો ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા હતા અને વળતરની પ્રક્રિયામાં સમાનતા લાવવાની ઉગ્ર માગ કરી હતી.

શું છે ખેડૂતો (Farmer) ની મુખ્ય ફરિયાદ?

સચિવાલય પહોંચેલા ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ, જ્યારે મહાકાય કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઈન નાખવામાં આવે છે, ત્યારે જમીનના ઉપયોગ સામે મળતું વળતર અત્યંત ઓછું હોય છે. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ એ છે કે જમીનની હાલની બજાર કિંમત અને સરકારી જંત્રી દરો વચ્ચે આભ-જમીનનો તફાવત હોવાથી તેમને પૂરતું આર્થિક વળતર મળી શકતું નથી. આ ઉપરાંત, રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વળતરની પ્રક્રિયામાં પણ મોટી અસમાનતા જોવા મળી રહી છે, જે દૂર કરીને સમગ્ર રાજ્યમાં એકસમાન નીતિ અમલમાં લાવવા માટે પ્રબળ માંગ ઉઠી છે.

Farmer Protest Gandhinagar

સરકારના ઠાલા આશ્વાસનથી ખેડૂતો  નારાજ

ખેડૂત આગેવાન વિરુભાઈ આહિરે આક્ષેપ કર્યો હતો કે, “અગાઉ કિસાન સંઘ સાથે થયેલી ચર્ચાઓમાં સરકારે વાણિજ્ય હેતુના દર મુજબ વળતર આપવાની ખાતરી આપી હતી. પરંતુ ત્રણ મહિના વીતી જવા છતાં હજુ સુધી કોઈ સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી. માત્ર આશ્વાસનોથી ખેડૂતોનું પેટ ભરાતું નથી.”

‘હક્ક લઈને જ ઝંપીશું’: 

આજે ખેડૂત પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને રૂબરૂ મળીને પોતાની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાનોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું છે કે, સરકાર તાત્કાલિક અસરથી વળતર અંગેનો નવો પરિપત્ર જાહેર કરે. જો વાણિજ્ય હેતુના દર અને જંત્રી દરમાં જરૂરી સુધારો કરીને ખેડૂતોને ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યભરના ખેડૂતોને ગાંધીનગરમાં એકઠા કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરીને ખેડૂતો પોતાનો હક્ક મેળવશે. ખેતરોમાં વીજ લાઈનના મોટા ટાવરો ઊભા કરી દેવાતા ખેડૂતોની કિંમતી જમીન ખેતી માટે નકામી બની જતી હોય છે, ત્યારે હવે આ લડાઈ આવનારા સમયમાં નવો વળાંક લે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.


આ પણ વાંચો: વડોદરા અને કરજણના ખેડૂતોને જમીન કપાતમાં યોગ્ય વળતર ન મળતાં હલ્લાબોલ કર્યો

આ પણ વાંચો: દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, ઢાબાની આડમાં ચાલતા દારૂના દૂષણ પર હલ્લાબોલ

આ પણ વાંચો: કપડવંજમાં પીવાના ગંદા પાણીના મામલે 100થી વધુ મહિલાઓએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો