Vadodra News : વડોદરાના ડભોઈમાં 16 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપી કેનાલ પાસે તરછોડી દીધું હતું. કોઈએ નવજાતને જોતાં ડભોઈ પોલીસને જાણ કરી હતી, આથી પોલીસ દોડી આવી બાળકનો કબજો મેળવી હોસ્પિટલે ખસેડ્યું હતું, જોકે આ કેસમાં પોલીસે ઝડપથી સગીર માતાને શોધી કાઢી હતી. સગીરાની તબિયત સારી ન હોવાથી તેને પણ હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાને ગામના બેથી ત્રણ યુવાને હવસનો શિકાર બનાવી હોવાનું જાણવા મળ્યું છે, આથી બાળકનો પિતા નક્કી કરવા માટે પોલીસે સગીરાએ આપેલા યુવાનોના DNA ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે ડભોઈ પોલીસ સ્ટેશનના પી.આઇ. શૈલેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે 31 જુલાઈની સવારે તાલુકાના એક ગામની સીમમાં સગીરાએ 2 કિલો વજનના તંદુરસ્ત નવજાત બાળકને જન્મ આપી ઝાડીઝાંખરામાં ત્યજી દીધું હતું. કાંટાળા ઝાંખરામાં ત્યજી દેવાયેલા બાળકની જાણ પોલીસને થતાં તરત જ 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. બાદમાં બાળકની માતાની ઓળખ થતાં અને તેની તબિયત પણ ખરાબ હોવાથી બાળક સાથે સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવ અંગે પોલીસ દ્વારા સગીરાની ડિલિવરી કુદરતી રીતે થઈ છે કે પછી કોઈ આયા દ્વારા કરાવવામાં આવી છે એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સગીરા ગર્ભવતી હતી ત્યારે ગામમાં જ પરિવાર સાથે હતી કે પછી અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવી હતી? સગીરા ગર્ભવતી હતી ત્યારે તેણે હવસનો શિકાર બનાવનાર યુવાનોએ સગીરા અને તેના પરિવારને ધમકીઓ આપી હતી? આ તમામ દિશામાં ડભોઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ ડભોઈ પોલીસ મથકના પી.આઇ. શૈલેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.એચ. ગોહિલ કરી રહ્યા છે.
પાંચ દિવસ અગાઉ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાળી ઝાડીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું. બાળકને કાંટાળી ઝાડીઓમાં ફેંકી દેવાતાં મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા, જેના કારણે બાળક લોહીલૂહાણ હાલતમાં થઈ ગયું હતું. ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતાં 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરી હતી. 10થી 15 મિનિટમાં ધોળકા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી હતી અને બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે, જ્યાં હાલ બાળકની સ્થિતિ સારી છે.
વરસાદ વખતે જ સ્થળ પર પહોંચ્યા ત્યારે ફોન કરનારી વ્યક્તિએ જણાવ્યું હતું કે વહેલી સવારના સમયે તેઓ બાથરૂમ જવા માટે ત્યાં આવ્યા હતા. બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલા ખેતરમાં બાવળની ઝાડીમાંથી એક નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. ટોર્ચ લઈને જ્યારે જોયું તો હૃદય કંપાવી દે અને શરીરમાં ધ્રુજારી આવી જાઈ એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. એક નવજાત બાળક જેનો જન્મ થાય અને હજી બેથી ત્રણ કલાક જ થયા હોય એવી નાડ કાપ્યા વિનાનું નવજાત બાળક રડી રહ્યું હતું. તેના શરીર પર જોતાં બાવળના કાંટા વાગેલા જોવા મળ્યા હતા અને લોહીલૂહાણ હાલતમાં બાળક ઊંધું પડ્યું હતું. એક તરફ વરસતો વરસાદ હતો, જેમાં બાળક ગંભીર પરિસ્થિતિમાં પડ્યું હતું અને આસપાસ વરસાદી પાણી ભરાયેલું હતું.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
