Gandhinagar News: ગુજરાતમાં હવે વધુ એક વિદ્યાર્થી આંદોલનના મંડાણ થાય તેમ લાગે છે. જો સરકારે તેમા સાવચેતીપૂર્વકના પગલાં ન લીધા તો આ આંદોલન 2017ના હાર્દિક પટેલના આંદોલન જેવું પણ બની શકે છે. ગુજરાતમાં વનવિભાગની ભરતીની 2022માં જાહેરાત બાદ 8થી 27 ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે આ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
અગાઉ CBRT એટલે કે (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે. જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા છે. ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.
વર્તમાન સ્થિતિ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં ફોરેસ્ટ વન રક્ષકની ભરતી માટે જગ્યા બહાર પડી હતી. 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાઇ હતી. જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓના માર્ક્સ જે જાહેર કરવાના હોય એ જાહેર કરવાની ગૌણસેવા પસંદગી મંડળ ના પાડે છે. વિદ્યાર્થીઓની માંગણી છે કે, નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે. આ ઉપરાંત જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને CBRT પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલો પ્રયોગ નિષ્ફળ ગયો છે.
ગાંધીનગર ખાતે ઊમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વર્ક આસિસ્ટન્ટ, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઊતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.
આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી
આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ
આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાત સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો
