ભાવવધારો/ સુરતમાં કેળાના ભાવ વધતાં વેપારીઓએ ખરીદી બંધ કરી

કેળાના ભાવ વધતાં વેપારીઓએ ખરીદી બંધ કરી

Gujarat

સુરતમાં  કેળાના ભાવમાં અચાનક વધારો થતાં વેપારીઓ નારાજ  થયા હતા અને કેળા ખરીદવાનું બંધ કરી દીધું હતું. કેળાનો ભાવ 8.50 રૂપિયાથી 11 રૂપિયા કરી દેવામાં આવતા ખેડૂતોને ફાયદો થતો જોઈ વેપારીઓએ રિંગ બનાવી કેળા ખરીદવાનું માંડી વાળ્યું હતું.  કેળા મંડળીઓ સાથે બેઠક કરી મામલો થાળે પડ્યો હતો. બારડોલી વિસ્તારમાં હાલ વેપારીઓએ કેળાં ખરીદી શરૂ કરી છે પરંતુ કામરેજ સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં હજી પણ આ મામલે વેપારીઓ અને કેળા મંડળીઓ વચ્ચે રકઝક ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 ગત 17 અને 18મી મેના રોજ આવેલા વાવઝોડાના લીધે ખેતીના પાકને ભારે નુકસાન થયું હતું. સૌથી વધુ નુકસાન કેળા પકવતા ખેડૂતોને થયું હતું. વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદને કારણે તૈયાર થઈ ચૂકેલા કેળ છોડ જમીનદોસ્ત થઈ ગયા હતા. આથી કેળા પકવતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો હતો. હાલ તૈયાર થઈ ગયેલા કેળાં વેચવા માટે બારડોલી, પલસાણા, કામરેજ અને સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં આવેલી મંડળીઓમાં ખેડૂતોએ નોંધણી શરૂ કરાવી હતી.

 ખેડૂતોને કેળાના સારા ભાવ મળી રહ્યા હતા. શુક્રવારના રોજ 8.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવ નક્કી થયા હતા બાદમાં મંડળીઓ દ્વારા આજે કેળાંનો ભાવ 11 રૂપિયા કરી દેતાં ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી હતી. જો કે, સામે પક્ષે કેળાં ખરીદનાર વેપારીઓએ ભાવ વધતાં જ રિંગ બનાવી કેળાં ન ખરીદવાનો નિર્ણય કરતાં ખેડૂતોના કેળા આમ જ પડી રહ્યા હતા.

ખેડૂતો પાસેથી કેળા લઈ વેપારીઓને વેચાણ કરતી સરદાર બાગાયત સહકારી મંડળીના પ્રમુખ સંજય પટેલે જણાવ્યુ હતું કે, વેપારીઓએ ભાવ વધારો થતાં કેળાં ખરીદી બંધ કરી હતી. જો કે અમે મંડળીના સંચાલકોએ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ વેપારીઓને નક્કી કરેલા ભાવે જ કેળા ખરીદી કરવા માટે તાકીદ કરી છે અને હાલ બારડોલી તેમજ પલસાણા વિસ્તારમાં કેળાની ખરીદી શરૂ થઈ છે.