Gandhinagar News: કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સમગ્ર ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલોએ સજ્જડ બંધનું એલાન આપ્યું છે. તેના પગલે ઇમરજન્સી સિવાયની બદી સેવા બંધ રાખવામાં આવી છે. આ હડતાળના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે અમદાવાદમાં રાત્રે મહિલા ડોક્ટર-નર્સને ઘરે જવા SHE ટીમ મદદ કરશે.
બધી તબીબી સેવાઓ બંધ હોવાથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ AMAથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી. જેમાં 1000થી વધુ ડોક્ટરો વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા.મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા. આયુર્વેદ ડોક્ટરો પણ IMAની હડતાલને સમર્થન કર્યું છે. તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ ડોક્ટરોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે.
પાટણ મેડિકલ એસોસિએશનના સભ્યો સાથે હોમિયોપેથિક, ડેન્ટલ, પાટણ જિલ્લા ઇન સર્વિસ સહિત ડોક્ટરો દ્વારા સિધવાઈ માતાજી મંદિરથી રેલી યોજી કલેકટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું અને ડોક્ટરોની સુરક્ષા માટે માગ કરી હતી. આ હડતાળમાં પાટણની ખાનગી હોસ્પિટલોના 500થી વધુ ડોક્ટરો જોડાયા છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટ મિતેશ શાહે જણાવ્યું હતું કે, આજે આઈ.એમ.એ સહિતના વિવિધ એસોસિએશન હડતાળમાં જોડાયા છે. મારી માંગણી છે કે, ડોક્ટરના હોસ્પિટલ એરિયાને તમે સેફ ઝોન તરીકે જાહેર કરો. ડોક્ટર કે કર્મચારીઓ પર હુમલો થાય તો તેની સામે નોન બેલેબલ વોરંટ જાહેર કરો. આ ઉપરાંત હોસ્પિટલો અને ક્લિનિકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરો. આ ઉપરાંત સરકાર એક્શનમાં આવે અને આ મામલે કડક કાર્યવાહી કરે. અમે વડાપ્રધાન મોદીને પણ આવેદનપત્ર આપવાના જ છીએ. અને માગ કરીશું કે, આવા જઘન્ય અપરાધ કરતા લોકો સામે કડક કરવામાં આવે અને એના માટે કડક નિયમો બનાવવામાં આવે અને ડોક્ટરોને સુરક્ષા પુરી પાડવામાં આવે.
સુરત સિવિલથી કલેક્ટર કચેરી સુધી ડોક્ટરોની રેલી નીકળી હતી, જેમાં ડોક્ટરોએ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બહાર આજે પણ લાઈનો જોવા મળી રહી છે. તબીબો હડતાળ ઉપર હોવાથી જે તે ડિપાર્ટમેન્ટના એચઓડી હાલ ઓપીડીમાં દર્દીઓને સાંભળી રહ્યા છે. જેના પગલે થોડા અંશે દર્દીઓને રાહત થઈ છે.
વડોદરાની સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે, દર્દીઓને હાલાકી પડી હોવાનું સ્વીકારીએ છે અને તેને નિવારવા માટે અમે પુરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. ગઈકાલે અમારી હોસ્પિટલમાં 49 નાની મોટી સર્જરી સ્થગિત રાખવી પડી અને 11 દર્દીઓ તેમની મરજીથી રજા લઈને ચાલ્યા ગયા છે. પરંતુ આ સ્થિતિનું જલ્દીથી નિવારણ આવે એવા પ્રયત્નો કરી રહ્યા છે. આજે પણ સ્ટ્રાઇક ચાલુ છે. તેની વૈકલ્પિક વ્યવસ્થા અમે કરી છે અને તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી રેસિડેન્ટ ડોકટરો હડતાલ ઉપર છે અને આજે બીજા દિવસે IMA દ્વારા પણ એક દિવસ બંધ પાડી રેસિડેન્ટ ડોકટરોના વિરોધને સમર્થન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં OPD અને ઇમર્જન્સી સેવાઓ ચાલુ છે જેમાં બે દિવસમાં કુલ 89 ઓપરેશન કરવામાં આવ્યા છે તેમજ 4300થી વધુ દર્દીને OPD માં ચકાસવામાં આવ્યા છે. જેમાં આજે ખાનગી તબીબોની હડતાલના પગલે OPD માં અનેક ગણો વધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: કોલકાતામાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા સામેની હડતાળને રાજ્યવ્યાપી સમર્થન
આ પણ વાંચો: અમદાવાદમાં નિકોલમાં આવેલું ખાણીપીણી બજાર સીલ
આ પણ વાંચો: Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
