Ahmedabad News/ અમદાવાદમાં આવાસના 992 મકાન જર્જરિત, 10 વર્ષમાં જ સળિયા દેખાયા; અધિકારીઓએ હાથ અધ્ધર કર્યા

બહેરામપુરા વિસ્તારમાં સંતોષનગર પાસે આવેલી સિકંદરબખ્ત EWS આવાસ યોજનાનાં મકાનો જર્જરિત થઈ જતાં તેને ભયજનક જાહેર

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે અને માત્ર થોડાં વર્ષોમાં જ જર્જરિત થઈ જાય તેવાં આવાસ યોજનાનાં મકાનો બનાવી ભ્રષ્ટાચાર તેમજ કૌભાંડો કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં વધુ એક આવાસ યોજના માત્ર 10 વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં સંતોષનગર પાસે આવેલી સિકંદરબખ્ત EWS આવાસ યોજનાનાં મકાનો જર્જરિત થઈ જતાં તેને ભયજનક જાહેર કરવામાં આવ્યાં છે. 25.30 કરોડના ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બનાવવામાં આવેલાં આવાસ યોજનાનાં મકાનોના સળિયા દેખાવા લાગ્યા છે. તેમજ દીવાલો તૂટી ગઈ છે. RCC પ્રકારનું બાંધકામ હોવા છતાં પણ આવાસ યોજનાનાં મકાનો થોડાં વર્ષોમાં તૂટી જતાં કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ શહેરમાં વધુ એક EWS આવાસ યોજનાનાં મકાનો જર્જરિત થઈ ગયાં છે. બહેરામપુરા વિસ્તારમાં સંતોષનગરમાં સિકંદરબખ્ત નામની EWS આવાસ યોજનાનાં મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2011માં બનાવવામાં આવ્યાં હતાં. સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. 992 જેટલાં આવાસ યોજનાનાં મકાનો બનાવવામાં આવ્યાં હતાં. જે રિવરફ્રન્ટમાં રહેતા વિસ્થાપિતોને ફાળવવામાં આવ્યાં હતાં.2011માં બનાવવામાં આવેલા આવાસ યોજનાનાં મકાનો માત્ર 10 વર્ષમાં જર્જરિત થઈ જતાં વર્ષ 2021માં તૂટી ગયાં હતાં. તેની દીવાલોમાં તિરાડોથી લઈ સળિયા દેખાવા લાગ્યા હતા. સ્થાનિક નાગરિકો દ્વારા આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ અને સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટના અધિકારીઓને રજૂઆત કરી હતી, ત્યારે 36 માસનો ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડ 2014માં પૂર્ણ થઈ ગયો હોવાનું કહી દીધું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ઊલટાના સ્થાનિક રહેવાસીઓની બેદરકારીના કારણે બિલ્ડિંગનો સ્ટેબિલિટી ખરાબ થઈ ગઈ હોવાનું કહ્યું હતું.

EWS આવાસ યોજનાનાં મકાનોમાં રહેતા સ્થાનિક નાગરિકો દ્વારા તેમની ઉભરાતી ગટર અને પાણીની પાઇપલાઇનનું સમયસર રિપેરિંગ ન થવાના કારણે તેના લીકેજીસથી બિલ્ડિંગ પર અસર પડી હતી. સમયાંતરે રિપેરિંગ ન થયું હોવાના કારણે બિલ્ડિંગના સ્ટેબિલિટી સ્ટ્રક્ચર પર અસર થઈ હોવાનું કહી અધિકારીઓએ હાથ અધ્ધર કરી દીધા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ અને સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટના અધિકારીઓએ યોગ્ય સુપર વિઝન ન કર્યું હોવાથી નબળું બાંધકામ કર્યું હતું.સિકંદરબખ્ત EWS આવાસ યોજનામાં રહેતા બાબુભાઇ નામના રહેવાસીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટના વિસ્થાપિતો EWS આવાસ યોજનાનાં મકાનોમાં રહે છે. કુલ 992 જેટલાં મકાનોમાં 2500થી વધુ લોકો રહે છે. જેઓનો જીવ હાલ જોખમમાં છે. મકાનોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઇ છે. ભયજનક મકાન હોવા અંગેની બે વખત નોટિસ આપી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને અમે રિપેરિંગ કરવા માટેની અગાઉ રજૂઆત પણ કરી ચૂક્યા છીએ.

વર્ષ 2010થી લઇ 2015 સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે EWS આવાસ યોજનાનાં મકાનો બનાવવામાં આવ્યાં હતાં. જે માત્ર 10 વર્ષમાં જ ખરાબ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. RCC બાંધકામની બિલ્ડિંગના સ્ટ્રક્ચરની સ્ટેબિલિટી પિરિયડ 40થી 50 વર્ષનો હોય છે, પરંતુ માત્ર 10 વર્ષમાં જ જ્યારે બિલ્ડિંગ જર્જરિત થયેલી હોવાનું સામે આવતા આ સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા ગુણવત્તા બાબતે ધ્યાન ન આપતા હવે મકાનોની હાલત ખરાબ જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલાં આવાસ યોજનાનાં મકાનોના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ જણાય છે. જો 10થી 12 વર્ષમાં જ આવાં મકાનો જર્જરિત થઈ ગયાં છે. જેમાં કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી છે. વર્ષ 2011માં મકાનો બનાવવામાં આવ્યાં ત્યારે પ્રતિ આવાસ 2.55 લાખના ખર્ચે સિન્ટેક્ષ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે કન્સલ્ટન્ટ તરીકે ફ્રીશ મેન પ્રભુ (FP પ્રોજેક્ટ પ્રા. લિ)ની નિમણૂક કરવામાં આવી હતી. 36 મહિનાનો ડિફેક્ટ લાઇબિલિટી પિરિયડ હોવા છતાં પણ માત્ર થોડાં વર્ષોમાં જ મકાનો જર્જરિત થઈ જતાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવતાં મકાનોના પ્રોજેક્ટ સમયસર પૂરા થતા નથી જેથી લોકોને ઘરના ઘર મળતા નથી. શહેરના થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલાં 1190 જેટલાં LIG આવાસ યોજનાનાં મકાનો વર્ષ 2019થી બનાવવાની શરૂઆત થઇ છે છતાં પણ હજી પ્રોજેક્ટ પૂર્ણ થયો નથી. હવે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી છે જેથી કામ અધૂરું રહ્યું છે. પ્રિન્સિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ એવો બચાવ કરી રહ્યા છે કે આ માટે કોન્ટ્રાક્ટરના ખર્ચે જ નવું ટેન્ડર કરી તેના ખર્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.થલતેજ વિસ્તારમાં ટીપી 39ના ફાઇનલ પ્લોટ 59માં 1190 આવાસ બનાવવા માટે સાંગાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રા. લિ. નામના કોન્ટ્રાક્ટરને 8 માર્ચ 2019માં વર્કઓર્ડર આપી દેવાયો હતો તથા આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે બે વર્ષનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. વર્ષ 2021માં પૂરો થઇ જવો જોઇતો હતો. પરંતુ બે વર્ષ કોરોનાનાં બાદ કર્યાં પછી પણ હજી સુધી આ આવાસ યોજનાની કામગીરી પૂરી થઇ નથી અને કોન્ટ્રાક્ટર નબળી આર્થિક પરિસ્થિતિનું કારણ આગળ ધરી કામ અધૂરું છોડીને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગના અધિકારીએ બચાવ કરતાં કહ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી તેમજ બ્લેકલિસ્ટ કરવા જેવાં પગલાં આગામી દિવસોમાં લેવામાં આવશે. માત્ર 10 ટકા જેટલું જ ફિનિશિંગનું કામકાજ બાકી રહ્યું છે. આવાસ યોજનાનાં મકાનોની બિલ્ડિંગ બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ કેટલું કામ હજી બાકી છે જેમાં કોન્ટ્રાક્ટરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેણે કામ બંધ કરી દીધું છે જેથી હવે તેઓ દ્વારા આ મામલે મળતી માહિતી મુજબ થલતેજનાં મકાન તૈયાર થયાં પહેલાં પ્રસિદ્ધિ માટે મકાન ફાળવણીના ડ્રો કરી દેવાયા હતા, પરંતુ ત્રણ વર્ષ થઇ જવા છતાં હજુ સુધી કોઇને મકાન ફાળવી શકાયાં નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી

આ પણ વાંચો:જુનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો દાખલ

આ પણ વાંચો: જુનાગઢમાં તારાજી સર્જાતા લોકોએ તંત્રને આપ્યો દોષ