Gujarat News : ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં હેલ્મેટના કડક કાયદાનો અમલ કરાવવા રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેને પગલે ગુજરાતની સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં ગાંધીનગર સચિવાલય બહાર અને રાજકોટ મનપા કચેરીની બહાર અનેક કર્મીઓ હેલ્મેટ વગર ઝડપાતા તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી. એને લઈને રાજ્ય સરકાર દ્વારા 19 ઓક્ટોબર, 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ કાયદાનો આજથી (20 ઓક્ટોબર) જ અમલ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતભરની સરકારી કચેરીમાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ રહી છે. ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અનેક હેલ્મેટ વગરના કર્મચારીઓ દંડાયા હતા. આજ પ્રકારે રાજકોટ મનપા કચેરીમાં પણ હેલ્મેટ વગરના કર્મીઓ પાસેથી રૂ.500નો દંડ વસૂલાયો હતો.આજે ગાંધીનગર સચિવાલય ગેટની બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા-ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળ્યા હતાં, જેમની સામે નિયમ મુજબ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
જોકે સરકારે પરિપત્રને લીધે જે-તે વિભાગના વડાઓએ પોતાના કર્મચારીઓને અગાઉથી જ સૂચનાઓ મોકલી આપવામાં આવી હતી, એને લઈને મોટા ભાગના કર્મચારીઓ આજે હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા હતા.બીજી તરફ પોલીસ દ્વારા 25મી ઓક્ટોબર સુધી ખાસ ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી છે. જે અન્વયે શહેરના મહત્ત્વના સર્કલ, હાઇવે-રોડ પર પણ પોલીસ સઘન ચેકિંગ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી રહી છે.આ સાથે રાજકોટ મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓ ખાતે સવારથી જ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડની ટીમો તહેનાત કરવામાં આવી હતી. મનપા કચેરીએ આવતા તમામ વાહનચાલકોને રોકવામાં આવ્યા હતા તેમજ અરજદારોને છોડી સરકારી નોકરી કરતા કોર્પોરેશનના હેલ્મેટ પહેર્યા વિના આવેલા કર્મચારીઓ પાસેથી સ્થળ પર જ રૂ. 500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ટ્રાફિક-પોલીસ દ્વારા હેલ્મેટ વગરના કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવતાં ક્યાંક કચવાટ જોવા મળ્યો હતો. જોકે પોતે સરકારી કર્મચારી હોવાથી કંઈપણ બોલ્યા વિના તમામ લોકોએ નિયમ મુજબ દંડ ભર્યો હતો, સાથે હવેથી હેલ્મેટ પહેરી વાહન ચલાવવાની ખાતરી આપી હતી. સરકાર દ્વારા સૌપ્રથમ સરકારી કર્મચારીઓ માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં સામાન્ય લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે એવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ તેમજ પોલીસ હેડક્વાર્ટરમાં ઘણા સમયથી પોલીસના કર્મચારીઓ સહિત મુલાકાતીઓ માટે પણ ફરજિયાત હેલ્મેટના કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ પહેર્યા વિના આવતા તમામ લોકોને ઇ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં અન્ય તમામ સરકારી કચેરીઓમાં પણ સીસીટીવી કેમેરાનાં માધ્યમથી દંડનો પ્રારંભ કરવામાં આવે એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: ગીરની આસપાસના 10 કિ.મી.ના વિસ્તારને ઇકોસેન્સિટિવ ઝોન જાહેર કરવા પ્રસ્તાવ
આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકો સેન્સેટિવ ઝોનનો અનોખો વિરોધ
આ પણ વાંચો: વહીવટી તંત્ર નિષ્ફળ, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરવાના હુકમનો ઉલાળીયો
