Ahmedabad News: અમદાવાદમાં મધરાત્રિએ વાતાવરણમાં પલ્ટો (Atmosphere change) આવ્યો હતો. તેના લીધે મોડી રાત્રે વરસાદ (Ahmedabad Rainfall) પડ્યો હતો. અમદાવાદ ગ્રામ્યમાં મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકાભડાકા અને ઠંડા પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસવાના લીધે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે.
તેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખેડૂતોનું માનવું છે કે જો હજી એક કે બે દિવસ આ રીતે વરસાદ વરસ્યો તો તેમના ઊભા પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ પ્રકારની પરિસ્થિતિ આગામી કેટલાક દિવસ ચાલુ રહી તો તેમના ઊભા પાકનો સોથ વળી શકે છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સા અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદે ખેડૂતોના ઊભા પાકનો નાશ કર્યો છે. તેના લીધે ખેડૂતો હવે કૃષિ સહાય મેળવવા વલખા મારી રહ્યા છે. તેથી હવે અમદાવાદના ખેડૂતોને પણ ચિંતા પેઠી છે કે તેમની સ્થિતિ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો જેવી તો નહીં થાય ને.
રાત્રે વીજળીના કડાકાભડાકા અને વીજળીના ચમકારાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ધંધુકા, ધોલેરા અને બગોદરામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. વીજળી, ભારે પવનને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જો કે વીજ પુરવઠો થોડા જ સમયમાં પૂર્વવત્ થઈ ગયો હતો.
બે દિવસ પહેલા અમદાવાદમાં વરસાદેબપોરના સમયે અચાનક જ ધડબડાટી બોલાવી હતી. તેણે ચોમાસુ પૂરુ થવાનું માનતા બધાને રીતસરના ઊંઘતા પકડ્યા હતા. અચાનક ખાબકેલા વરસાદે બધાને હતપ્રભ કરી દીધા હતા. અમદાવાદના પશ્ચિમ વિભાગમાં રાણીપ, નારણપુરા, મીઠાખળી, વિજય ચારરસ્તામાં વરસાદ બરોબરનો ત્રાટક્યો હતો. અડધા કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેના લીધે બધા રસ્તા પાણીથી તરબતર થઈ ગયા હતા. રસ્તે જનારાઓ પણ વરસાદમાં ભીંજાઈ ગયા હતા. વરસાદ પડવાના લીધે શાંતિ એ થઈ ગઈ હતી કે લોકોને બફારામાંથી રાહત મળી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ, બપોર સુધીમાં 83 તાલુકામાં વરસાદ, વલસાડમાં એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદની 26 ટકા ઘટ, ડાંગમાં સૌથી વધુ 48 ટકા ખાધ
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
