Gujarat News : ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં હતાં. દિલ્હી અને ગાંધીનગરથી માટીનાં સેમ્પલ માટે ગયેલાં બંને મહિલા અધિકારી સેમ્પલ મેળવી રહ્યાં હતાં ત્યારે જ ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં. એમાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.આ દુર્ઘટનામાં 23 વર્ષીય સુરભિ વર્માનું મોત નીપજ્યું છે, જ્યારે 45 વર્ષીય યામા દીક્ષિત જે જિયોલોજિસ્ટ છે, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરીટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે.
એની નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. મળતી માહિતી મુજબ, દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ્સ માટીનાં સેમ્પલ માટે આવ્યા હતા, જેમણે JCBથી એક 15 ફૂટનો ખાદો ખોદાવ્યો હતો અને ત્યાર બાદ એમાં સેમ્પલ લેવા માટે ઊતર્યાં હતાં. આ સમયે જ ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં હતાં, જેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ધોળકા અને અમદાવાદ ફાયરબ્રિગેડનાં ચાર વાહનો અને 15 જવાન ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.આ અંગે મળતી માહિતી મુજબ, જે બે મહિલા અધિકારીઓ માટીનાં સેમ્પલ લેવા માટે ખાડામાં ઊતર્યાં હતાં એમાં એક IITનાં અને અન્ય દિલ્હીનાં જિયોલોજિસ્ટ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં એક મહિલા અધિકારીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ત્રણ લોકો ગાંધીનગરનાં અને બે દિલ્હી IITના અધિકારીઓ આજે લોથલ પહોંચ્યા હતાં, જ્યાં જૂના લોથલ પાસે ખાડા ખોદી માટીનાં સેમ્પલ કલેક્ટ કરી રહ્યાં હતાં ત્યારે જ ખાડામાં કાદવના કારણે બંને મહિલા અધિકારી ખૂંપવા લાગ્યાં હતાં અને માથેથી ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં.લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમમાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે આવેલું લોથલ અમદાવાદથી 80 કિમી. દૂર છે.
એક સમયે આ સ્થળેથી દરિયો 5 કિમી. દૂર હતો. હાલ 18 કિમી.થી પણ વધુ દૂર છે. 1954ના નવેમ્બરમાં આ સ્થળ શોધવામાં આવ્યું અને 1955થી 1962 સુધી ત્યાં ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે ખોદકામ કરવામાં આવ્યું. અહીંના અંડાકાર ટીંબાનો ઘેરાવો 2 કિમી.નો અને એની ઊંચાઈ 3.5 મી. છે.દરિયાઈ ઇજનેરી અને હુન્નરવિદ્યાના ક્ષેત્રે જગતની સંસ્કૃતિને લોથલની આ અણમોલ ભેટ છે. રહેણાકનાં મકાનોનું આયોજન જોતાં જણાય છે કે અહીં જાહેર સ્વચ્છતાનો પૂરેપૂરો ખ્યાલ રખાયો હતો. રહેણાકનાં મકાનોનું સ્નાનખંડોનું ગંદું પાણી ખાનગી નીક દ્વારા જાહેર ગટરોમાં અથવા ખાળકૂવાઓમાં વહી જતું.
જ્યાં ખાળકૂવાની વ્યવસ્થા ન હોય ત્યાં તળિયામાં કાણાવાળી ખાળકોઠી જમીનમાં દાટવામાં આવતી. ગંદું પાણી એમાં જઈને જમીનમાં શોષાઈ જતું. અહીંના માર્ગો સુયોજિત હતા. બે વાહન પસાર થઈ શકે એટલા પહોળા માર્ગો હતા. ધોરી માર્ગો મુખ્ય દિશાઓમાં જતા. સૌથી લાંબો માર્ગ મુખ્ય બજારનો હતો. એ 4.5 મી. પહોળો છે. માર્ગો સીધી લીટીમાં જ પસાર થાય છે અને એકબીજાને કાટખૂણે છેદે છે.
આ પણ વાંચો: જામનગરનાં લાલપુરમાં ખનીજ ચોરી મામલે મામલતદારની કાર્યવાહી
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: સાયલાની ગૌચર જમીનમાંથી રેતીની વ્યાપક ખનીજ ચોરી
