સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાની સીમના ગૌચર જમીનમાં ગેરકાયદે રેતીની ખનીજ ચોરી થતી હોવાની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આથી સાયલા સરપંચે રેતીનું ખનન બંધ કરાવવા તંત્રને લેખિત રજૂઆત કરી હતી. સાયલા તાલુકામાં કાળા પથ્થર અને રેતી ચોરીનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સરકાર રોયલ્ટીની કરોડોની આવક ગુમાવી રહી છે. અને ભૂમાફિયાની ભાગબટાઇ વધતી જોવા મળે છે.
સાયલા મોડેલ સ્કૂલ પાછળ આવેલા રેવન્યુ સરવે નં. 2030 પૈકીના ગૌચર જમીન આવેલી છે. જેમાં કેટલાક સમયથી ગેરકાયદે મોટા પાયે રેતીની ખનીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું હતુ. સાયલા સરપંચે રેતી ચોરી બંધ કરવાનું મૌખિક સૂચન આપવા છતાં ભૂમાફિયાઓ દ્વારા રાત્રીના સમયે રેતીનું ખનન શરૂ કરવાનું ધ્યાને આવ્યું છે. આ બાબતે સાયલા ગ્રામ પંચાયતના સરપંચ અજયરાજસિંહ ઝાલાએ કલેક્ટર, સાયલા મામલતદાર, પોલીસ સ્ટેશન સહિત સરકારી અધિકારીને લેખિત રજૂઆત કરીને ગૌચર જમીનમાં થતી રેતી ચોરી બંધ કરવા જણાવ્યું છે.
વધુમાં સરપંચે રેતીને ધોવા માટેના 3 વોસ પ્લાન્ટ પણ ગેરકાયદે બનાવ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ પણ સાયલા તાલુકામાં ખનીજ, રેતી ચોરીની રજૂઆત થવા પામી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ભૂમાફિયાઓની ભાગબટાઇ વધતી જોવા મળી છે. સાયલા સરપંચે રેતી ચોરી અને ગેરકાયદેસર વોસ પ્લાન્ટ બંધ કરાવવા લેખિત રજૂઆત કરતા સરકારી તંત્રમાં દોડધામ વધી છે.