Valsad News : ગુજરાતમાં શરૂઆતમાં થોડા દિવસ ઠંડીનું જોર વધ્યા બાદ ફરી તાપમાન વધતાં ઠંડીમાં રાહત મળી છે. રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાતાં ઠંડીમાં રાહત મળી હતી. એકમાત્ર નલિયામાં જ તાપમાન ઘટ્યું હતું, જ્યાં સૌથી ઓછું 11.5 ડિગ્રી નોંધાયું હતું. આ વચ્ચે આજે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
![]()
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, પરંતુ આગામી સાત દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ સાથે આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સનો ઘટાડો નોંધાય શકે છે, જેથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાની શક્યતાઓ છે. હાલમાં ગુજરાતના કેટલાક ભાગો ઉપર છુટા છવાયા વરસાદની પણ શક્યા છે.
ગુજરાત રાજ્યનાં ચાર મહાનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ઠંડીનું જોર ઓછું રહ્યું હતું, જેમાં અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન 19 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 19.2 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 23 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
