સૌરાષ્ટ્રમાં જેતપુરના ઉદ્યોગોનું કેમિકલવાળુ પાણી પોરબંદરના દરિયાકિનારામાં ઠાલવવાના પ્રોજેક્ટ સામે પોરબંદરમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. ઝેરી કેમિકલ કચરો લઈને પસાર થતી આ પાઇપલાઇનના વિરોધમાં પોરબંદરવાસીઓએ બાંયો ચઢાવી છે. ગાંધીજીના આ જન્મસ્થળના લોકોએ જણાવ્યું છે કે જો સરકાર નિર્ણય નહીં બદલે તો અમે આંદોલન કરીશું. આની જ પ્રથમ ચિનગારી પ્રગટાવતા હોય તેમ પોરબંદરની પ્રજાએ 16 ડિસેમ્બરના રોજ સ્વયંભૂ રેલી કાઢી હતી અને હજારો લોકો તેમાં જોડાયા હતા.
જેતપુર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટની સામે પોરબંદરવાસીઓ સીએમથી લઈને પીએમ સુધી રજૂઆત કરી ચૂક્યા છે. આમ છતાં પણ પ્રોજેક્ટ હજી સુધી રદ થયો નથી. આ ઝેરી પાઇપલાઇનના વિરોધમાં પોરબંદરવાસીઓએ રેલી કાઢી હતી. પોરબંદરવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સીએમે તેમને જણાવ્યું હતું કે પોરબંદરવાસીઓને વિશ્વાસમાં લીધા વગર પ્રોજેક્ટ આગળ નહીં વધારાય, પરંતુ આમ છતા પણ પોરબંદરવાસીઓના વિરોધ વચ્ચે પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે.
જેતપુરના ઉદ્યોગોનો ઝેરી કેમિકલવાળો કચરો પોરબંદરના દરિયામાં ઠાલવવા માટે ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખીને તેને પોરબંદરના દરિયામાં ઠાલવવામાં આવનાર છે. પોરબંદરના સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળે જણાવ્યું હતું કે જેતપુરની 130 કિ.મી. લાંબી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન આકાર લેશે તો તે આ વિસ્તાર માટે મોટી પર્યાવરણીય હોનારત સાબિત થઈ શકે તેમ છે. તે જોખમી રાસાયણિક કચરો સમુદ્રમાં ઠાલવશે અને તેના લીધે માછીમારોની આજીવિકા ભયમાં મૂકાશે. માછીમારોએ માછલી માટે આમ પણ ઊંડે સુધી દરિયો ખૂંદવો પડે છે, ત્યારે આ પ્રોજેક્ટ તેમની આજીવિકાને કાયમી ધોરણે મોટો ફટકો મારી શકે છે. આ ઝેરી કેમિકલના કચરાની પાઇપલાઇનમાં જરા પણ લીકેજ જે ખેડૂતોના ખેતરમાં પસાર થઈ હોય તેને બરબાદ કરી શકે છે. આમ આ પાઇપલાઇન માછીમારો અને ખેડૂતો તથા આ વિસ્તારની બરબાદી નોતરી શકે છે.
સ્થાનિકોનું કહેવું છે કે અહીં પાણીની પાઇપલાઇનમાં પણ લીકેજ થયા વગર રહેતું નથી તો ઝેરી કેમિકલ કચરાના પાઇપલાઇનનો ભરોસો કેવી રીતે કરવો તે મોટો સવાલ છે. સરકાર જમીન સંપાદન કરે ત્યારે માંડ-માંડ વળતર આપે છે ત્યારે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિમાં વળતર મેળવતા ખેડૂતોના નાકે દમ નીકળી જાય છે ત્યારે આ પ્રકારે ખેતરમાંથી જતી ઝેરી કેમિકલની પાઇપલાઇન લીક થાય તો ખેડૂતો તે કાયમ માટે ખેતીથી હાથ ધોવાના આવે, તેની સાથે વળતર માટે તેણે સરકારી કચેરીઓથી લઈને કોર્ટના ધક્કા ખાવા પડે તેની જવાબદારી કોણ લેશે. આ પાઇપલાઇન પ્રોજેક્ટ જાણે ખેડૂતોની જીવાદોરીને કાયમી ધોરણે છીનવી લે તેવી પૂરેપૂરી સંભાવના છે. તંત્ર લોકોની તકલીફોનો કેવો પડઘો પાડે છે તે બધાને ખબર જ છે, તેની ઉદાસીનતા સર્વવિદિત છે. તેથી જ ખેડૂતો આ પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોતાની જીવાદોરીને બચાવવા મક્કમ છે.
ફક્ત ખેડૂતો જ નહીં માછીમારો પણ તેના વિરોધમાં છે. દરિયામાં કેમિકલ છોડાતા તેઓનું માછીમારું કામ કાયમ માટે બંધ થઈ જશે તેવો તેમને ડર છે અને તે ખોટો પણ નથી. માછીમાર સમાજનું કહેવું છે કે ઝેરી કચરાની આ પાઇપલાઇન અમને રસ્તા પર લાવી દેશે. અમારા માટે રોજનું રળવું મુશ્કેલ બની જશે અને તકલીફની વાત તો એ છે કે અમારી રોજગારી ખતમ થશે તેના માટે અમને કોઈ વળતર પણ નહીં અપાય. અમે અમારા દહાડા માંડ-માંડ કાઢી રહ્યા છીએ ત્યારે આ પાઇપલાઇન અમારા માટે મરણતોલ ફટકો નીવડશે.
જેતપુર ઇન્ડસ્ટ્રીયલ પાઇપલાઇન પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર જેતપુર ઇન્ડસ્ટ્રીયલ પાઇપલાઇન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને જારી કરવામાં આવ્યો હતો. તેણે 36 મહિનામાં આ કામ પૂરુ કરવાનું હતું, પરંતુ જનવિરોધના લીધે તેમાં અવરોધ આવી રહ્યો છે. જેતપુરમાં ખર્ચનો અંદાજ સુધારીને લગભગ 700 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે અને તેમાથી 470 કરોડ રૂપિયા માટે સૈદ્ધાંતિક મંજૂરી 16 માર્ચ 2023ના રોજ મળી હતી.
ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટ
હવે કોઈને પણ સવાલ થાય કે જેતપુર-પોરબંદર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ છે શું. જેતપુર-પોરબંદર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ રાજ્ય સરકારે રૂ. 8,321 કરોડના ખર્ચે હાથ ધરેલા ઇન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટમાંના સાત પ્રોજેક્ટ એક છે. તેમા જેતપુર-પોરબંદર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ રૂ. 675 કરોડનો છે. આ માટે સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટના વિરોધીઓના સમર્થનમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે આ પ્રકારના પ્રોજેક્ટ માટે મંજૂરી મેળવવા માટે વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી જરૂરી છે, તેની સામે રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું છે કે આના માટે પર્યાવરણ અને વનવિભાગની મંજૂરીની જરૂર નથી. આમ વિધાનસભામાં આ કેમિકલ પાઇપલાઇનના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે તડાફડી બોલી ચૂકી છે.
રાજ્ય સરકારે ઔદ્યોગિક કચરાનો નિકાલ કરવા માટે અમદાવાદ, સુરત, અંકલેશ્વર, વાપી, જેતપુર, વડોદરા અને સારીગામ ખાતે ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
તેમા સૌથી મોંઘો ડીપ-સી પ્રોજેક્ટ સુરતનો છે. તેનો પ્રોજેક્ટ ખર્ચ રૂ. 4,841 કરોડ અંદાજવામાં આવ્યો છે. તેમા સુરત પૂર્વે આવેલા પલસાણા અને કડોદરા ઉપરાંત પશ્ચિમે આવેલા સચિન તથા પાંડેસરાનો સમાવેશ થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓસનોગ્રાફીના સૂચન મુજબ આ પાઇપલાઇન ડીપ-સી એટલે કે સમુદ્રમાં ઊંડે જઈ આ વિસ્તારોનો ઝેરી કેમિકલ કચરો છોડશે.
આ જ રીતે અંકલેશ્વર, ઝગડિયા અને ભરૂચની પણ ઝેરી કેમિકલ કચરાની પાઇપલાઇન નાખવામાં આવનારી છે. તે ખંભાતના અખાતમાં ઝેરી કેમિકલ કચરો ઠાલવશે. તેની પાછળનો ખર્ચ રૂ. 276 કરોડ અંદાજાયો છે.
મધ્ય ગુજરાતમાં આવી જ પાઇપલાઇન વડોદરા ખાતે નાખવામાં આવનારી છે. તેનો ખર્ચ રૂ. 128 કરોડ થશે. આ પાઇપાલાઇન પણ સમુદ્રમાં ઝેરી કેમિકલ કચરો ઠાલવશે. જ્યારે અમદાવાદની પ્રસ્તાવિત ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ રૂ. 1,478 કરોડનો છે. આ પ્રોજેક્ટનો ઝેરી કેમિકલ કચરો પણ પાઇપલાઇનથી ખંભાતના અખાતમાં જ ઠાલવવામાં આવશે.
તેની સામે અંકલેશ્વર, ઝગડિયા અને ભરૂચનો કેમિકલ કચરો પણ સમુદ્રમાં ઠલવાતા ઉપરથી ત્યાંના લોકો રાહત અનુભવશે, કેમકે તેમને ત્યાંથી ઝેરી કેમિકલ કચરાથી મુક્ત મળશે. અમદાવાદમાં પણ હાલમાં કેમિકલ કંપનીઓ તેમનો ઝેરી કેમિકલ કચરો બહાર છોડે છે તો અમદાવાદ જિલ્લામાં રહેનારા લોકોને પણ આ પાઇપલાઇનના લીધે ઝેરી કેમિકલ કચરાથી મુક્તિ મળશે તેમ મનાય છે.
તેથી રાજ્ય સરકારનો દાવો છે કે આ પાઇપલાઇનના લીધે રાજ્યના કેટલાય વિસ્તારોને ઝેરી કેમિકલ કચરાથી મુક્તિ મળશે. જમીન ઝેરી થતી અટકશે. તેની સામે પર્યાવરણવિદોની દલીલ છે કે ઝેરી કચરાને સમુદ્રમાં નાખવો તે આજની મુસીબતને આવતીકાલ પર ટાળવાનો પ્રયાસ છે અને તેની સમુદ્રની જળસંપત્તિ પર વિપરીત અસર પડી શકે છે. પણ સરકાર કેમિકલવાળા પાણીને લઈ તેના પર માછલા ધોવાઈ રહ્યા છે તેમાથી મુક્તિ મેળવવા આતુર છે. હાલમાં આ પ્રોજેક્ટ સામે ફક્ત પોરબંદરમાં જ વિરોધ છે અને સરકાર તેના વિરોધનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે.
રાજ્યમાં લગભગ દરેક જિલ્લામાં જીઆઈડીસી છે ત્યારે આગામી સમયમાં સરકાર ઝેરી કેમિકલ કચરાના નિકાલ માટે આ ફોર્મ્યુલા પર આગળ વધી શકે છે. સરકાર પણ જાણે છે કે વિરોધ તો થવાનો છે, પણ ઝેરી કેમિકલ કચરાનો ઉકેલ પણ જરૂરી છે. હવે પોરબંદરવાસીઓનો વિરોધ સફળ થાય છે કે સરકાર તેનો પણ કોઈ તોડ કાઢે છે તે સમય જ કહેશે.
આ પણ વાંચો: પોરબંદરમાં દૂષિત પાણીનો વિરોધ : પાણીની અંતિમયાત્રા કાઢીને, સરકાર સામે આક્રોશ
આ પણ વાંચો: પોરબંદરમાં મધદરિયે મદદ… માછીમારો માટે કોસ્ટગાર્ડ બન્યું તારણહાર
આ પણ વાંચો: પોરબંદરના દરિયામાંથી 500 કરોડથી વધુ કિંમતનું 500 કિલો ડ્રગ્સ ઝડપાયું
