Surat News : સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 32 કલાકથી વધુ સમય વિતવા છતાં કાબૂમાં આવી નથી. મંગળવારે (25 ફેબ્રુઆરી) બેઝમેન્ટમાં લાગેલી આગ બુધવારે (26 ફેબ્રુઆરી) ફરીથી ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભયાનક છે કે શહેરની સાથે સાથે નવસારીથી પણ ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી છે.
આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. માર્કેટના પહેલા માળે લાગેલી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગને કારણે દુકાનો અને માલસામાન બળીને ખાખ થઈ ગયા છે, જેનાથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. 150 થી વધુ ફાયર ફાઈટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આગે હજુ સુધી નિયંત્રણમાં આવી નથી. ફાયરબ્રિગેડ પાસે પાણી પણ ખૂટી ગયું હતું, જેના કારણે પાલિકાએ વિવિધ વોટર વર્ક્સ અને આજુબાજુના વિસ્તારોમાંથી પાણીના ટેન્કરો મંગાવ્યા.
છેલ્લા દસ વર્ષમાં સુરતમાં થયેલી કેટલીક આગની ઘટનાઓ
2019: સુરત આગ દુર્ઘટના
– તારીખ: 24 મે, 2019
– સ્થાન: તક્ષશિલા આર્કેડ, સાર્થના જકાતનાકા વિસ્તાર
– જાનહાનિ: 22 વિદ્યાર્થીઓના મોત, 19 ઘાયલ
– કારણ: ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ
2022: સુરત કેમિકલ ફેક્ટરીમાં આગ
– તારીખ: 11 સપ્ટેમ્બર, 2022
– સ્થાન: અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડ ફેક્ટરી, સચિન GIDC વિસ્તાર
– જાનહાનિ: 1 કામદારનું મોત, 20 ઘાયલ, 3 ગુમ
– કારણ: જોખમી રસાયણો સંગ્રહિત કરતા કન્ટેનરમાં જોરદાર વિસ્ફોટ
2023: સુરત બોમ્બે માર્કેટમાં આગ
– તારીખ: 3 ઓક્ટોબર, 2023
– સ્થાન: બોમ્બે માર્કેટ, સુરત
– જાનહાનિ: કોઈ મૃત્યુ નોંધાયું નથી, ઘણી દુકાનો અને વાહનોને નુકસાન થયું છે
– કારણ: અજ્ઞાત
2023: સુરત કેમિકલ પ્લાન્ટમાં આગ
– તારીખ: 29 નવેમ્બર, 2023
– સ્થાન: સચિન GIDC વિસ્તાર
– જાનહાનિ: 24 કામદારો ઘાયલ
– કારણ: સ્ટોરેજ ટેન્કરમાં વિસ્ફોટ
2025: સુરત કેમિકલ ફેક્ટરીમાં આગ
– તારીખ: 22 ફેબ્રુઆરી, 2025
– સ્થાન: સચિન GIDC વિસ્તારમાં કેમિકલ પ્લાન્ટ
– જાનહાનિ: 24 કામદારો ઘાયલ
– કારણ: સ્ટોરેજ ટેન્કરમાં વિસ્ફોટ
માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે, “ગત કાલના 25મી ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેના પર કાબૂ મેળવી લેવાયો હતો. અમે તંત્રને દુકાનો ચેક કરવા અને હિસાબ કરવા દેવા કહ્યું હતું, પરંતુ તેમણે મંજૂરી આપી ન હતી. 26મી ફેબ્રુઆરીએ સવારે ફરીથી આગ લાગી અને રોકાવાનું નામ નથી લઈ રહી. હું બરબાદ થઈ ગયો છું. મારી દુકાન અને ગોડાઉન બધું જ ખતમ થઈ ગયું છે. માર્કેટમાં કોઈ સુરક્ષા નથી અને પાણીની અછત છે.” આ ઘટનામાં એક વ્યક્તિનું ધુમાડામાં ગુંગળામણને કારણે મોત થયું છે. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ
આ પણ વાંચો: આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર : પારો 38 ડિગ્રીએ જશે
આ પણ વાંચો: સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
