Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં આજે (5 માર્ચ,2025) બજેટ ઉપર ચર્ચા દરમિયાન માનનીય ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ગુજરાત સરકારે રજુ કરેલ વર્ષ 2025-26ના સામાન્ય બજેટને આવકારતા જણાવ્યું હતું કે દુનિયામાં જમીની ભાગ કરતા સમુદ્રનું પ્રમાણ 3 ઘણું વધારે છે, તેમજ આ દરિયો અનેક સંભાવનાઓથી ભરેલ છે. ભારત પાસે પણ પર્યાપ્ત માત્રામાં સમુદ્ર કિનારો છે, તેમાં પણ ગુજરાત તો દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. પુરાતન સમયમાં ગુજરાતમાં લોથલ, ખંભાત, સુરત, માંડવી, પોરબંદર, સલાયા, દ્વારકા, ભાવનગર, હજીરા જેવા બંદરોનો એક ભવ્ય વારસો હતો. આ વારસાને સાચવાની જરૂર હતી ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કામ પહેલી વખત હાથમાં લઈને લોથલ ખાતે રૂપિયા 5 હજાર કરોડના ખર્ચે દેશનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ બનાવાનું કામ શરૂ કર્યુ છે, તે બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાનમાં પણ ગુજરાત સરકારે જે નીતિ બનાવી છે તેના કારણે ગુજરાત પાસે એક મેજર પોર્ટ અને 48 નાના અને મધ્યમ બંદરો છે. આ ઉપરાંત આપણી પાસે અનેક જેટીઓ, શિપ બિલ્ડિંગ યાર્ડ, ઓઈલ ટર્મિનલના મોરિંગ, શિપ રીસાયકલિંગ માટે અલંગ અને જામનગરની બાજુમાં 2 શિપ બ્રેકિંગ યાર્ડ પણ છે. દેશમાં આજે દરિયાઈ માર્ગે જેટલુ પરિવહન થાય છે તેમાં એકલા ગુજરાતનો હિસ્સો ૩૮ % છે. દેશના નાના અને મધ્યમ બંદરોના માધ્યમથી કુલ જે પરિવહન થાય છે તેમાંથી 65 % પરિવહન એકલા ગુજરાતના બંદરોથી થઈ રહ્યું છે.
અર્જુન મોઢવાડિયાએ આગળ જણાવ્યું કે, આપણે નવી ક્ષિતિજો સર કરવાની છે અને નવી ક્ષિતિજો સર કરવા માટે ગુજરાત સરકારે નવી પોલીસી બનાવી છે. આ પોલીસી અંતર્ગત ગુજરાતના મગદલ્લા, નવલખી, પોરબંદર, ભાવનગર, ઓખા અને બેડી એમ 6 બંદરોનો વિકાસ કરવામાં આવશે. અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આખા દેશમાં મેરીટાઈમ યુનિવર્સિટીની પહેલ કરનાર ગુજરાત છે, એક સમય એવો હતો કે ભાવનગર પોર્ટને ડેડ પોર્ટ તરીકે ઓળખવામાં આવતું હતું, કારણે પોર્ટ જુનું થઈ ગયુ હતું અને કોઈ ડેવલોપમેન્ટ થતું ન હતું. પરંતુ વર્તમાન સરકારે રૂપિયા 4 હજાર કરોડના ખર્ચે કન્સેશન એગ્રીમેન્ટ કર્યા અને આજે રાજ્યનું સારામાં સારું ટર્મિનલ બનવા જઈ રહ્યું છે. એ જ રીતે દહેજ અને પીપાવાબ બંદરોનો પણ દેશના નમુનેદાર બંદર કહી શકાય એ પ્રકારનો વિકાસ થયો છે. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ પણ એશિયાનું નમુનેદાર વિદેશી હુંડીયામણ કમાતુ અને સ્ટીલ કંપનીઓને રો મટીરીયલ પુરૂ પાડતુ તેમજ હજારો લોકોને રોજગારી આપતું યાર્ડ છે.
અર્જુન મોઢવાડિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, દરિયા સંબંધી બીજુ મહત્વપૂર્ણ પોટેન્શિયલ મત્સ્યદ્યોગ છે. વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડા મત્સ્યઉદ્યોગ ટર્મિનલોનું કામ રૂપિયા 1300 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આ કામ પૂર્ણ થશે ત્યારે મત્સ્ય ઉત્પાદનો પણ વધવાના છે. અત્યારે 27,196 બોટ સાથે મત્સ્યઉદ્યોગ હજારો લોકોને રોજગારી આપે છે અને 9 લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થાય છે. જેની કિંમત લગભગ 15,800 કરોડ રૂપિયા થાય છે. સાથે જ આ મત્સ્યઉદ્યોગ આપણને 6,087 કરોડ રૂપિયા જેટલુ વિદેશી હુંડીયામણ પણ કમાવી આપે છે.
અર્જુનમોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલા ચીને સેમી કન્ડક્ટર આપવાના બંધ કરી દીધા હતા, જેના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઉત્પાદન બંધ થઈ ગયું હતું. આ આફતને અવસરમાં ફેરવવા માટે સરકારે સેમી કન્ડક્ટર પોલીસી બનાવી અને આ પોલીસીમાં ભારત સરકાર 75 હજાર કરોડ રૂપિયાની સહાય આપવાની હતી. ગુજરાત સરકારે પણ આ અવસરને ઓળખીને તત્કાલીક સેમી કન્ડક્ટર પોલીસી બનાવી, જેના કારણે આજે દેશમાં જે 5 સેમી કન્ડક્ટર પ્લાન્ટ બનાવા જઈ રહ્યા છે તેમાંથી 4 ગુજરાતમાં બની રહ્યાં છે, આગામી દિવસોમાં ગુજરાત માત્ર ભારતનું જ નહીં સમગ્ર દુનિયાનું સેમી કન્ડક્ટર હબ બને એ રીતે ડેવલોપમેન્ટ કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં જે 4 પ્લાન્ટ બની રહ્યા છે એમાં 1 માઈક્રોન, સી.જી. પાવર અને ત્રીજું કેઈન્સ સાણંદ જી.આઈ.ડી.સી. માં આવેલ છે. જ્યારે ટાટા ઈલેક્ટ્રોનિક્સ છે એ ટેકનોલોજી ટ્રાન્સફર કરિને ધોલેરામાં પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાત માત્ર ભારતનું જ નહીં સમગ્ર દુનિયાનું સેમી કન્ડક્ટર હબ બને એ રીતે ડેવલોપમેન્ટ કામ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પાક નુકસાન બાબતે અર્જુન મોઢવાડિયાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવાની આપી સૂચના
આ પણ વાંચો: ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો, અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા
