Dahod News : મહેનત અને દૃઢ ઈચ્છાશક્તિથી કોઈપણ સપનાને સાકાર કરી શકાય છે, ત્યારે બિહારના મુઝફપુર જિલ્લાના 20 વર્ષીય રોશનકુમાર ચૌહાણે પોતાની દૃઢ ઈચ્છાશક્તિ અને અનોખા શોખથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ‘રોશન સ્કેટિંગ’ તરીકે ઓળખાતા આ યુવાને સ્કેટિંગ પર ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરી છે.
તેને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ગુજરાતના વડોદરાથી શરૂ કરેલી આ યાત્રામાં તેને અત્યાર સુધી 1600 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે અને દાહોદ પહોંચ્યો છે. હવે તે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે મહાકાલનાં દર્શન માટે પ્રયાણ કરશે. આ યાત્રા માટે તે યુટ્યૂબમાંથી સ્કેટિંગ શીખ્યો હતો.
એક યુવા સ્કેટરની સંકલ્પ યાત્રા
રોશનકુમાર શિવમાતો ચૌહાણ, 20 વર્ષનો યુવાન, બિહારના મુઝફરપુર જિલ્લાના સાહેબગંજ ગામનો રહેવાસી છે. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલા રોશનકુમારના જીવનમાં સંજોગો ભલે નબળા હોય, પરંતુ તેના સપનાને સાકાર કરવા માટેની જીદ અને હિંમત અદમ્ય છે. રોશનકુમારના પરિવારમાં માતા, પિતા, ત્રણ ભાઈ અને એક બહેન છે. તે પરિવારનો સૌથી મોટો ભાઈ છે. પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં રોશનકુમારના સપનાને સાકાર કરવા માટે તેણે હિંમત ન હારી.
સ્કેટિંગ શીખવાની સફર
રોશનકુમારે સ્કેટિંગ શીખવા માટે કોઈ પ્રોફેશનલ તાલીમ લીધી નથી. યુટ્યૂબ પર સ્કેટિંગના વીડિયોઝ જોઈને તેણે પોતે જ આ સ્કેટિંગ કળા શીખી. આ કૌશલ્ય તેના માટે માત્ર એક શોખ ન હતું, પરંતુ તે તેના જીવનના મોટા સપનાને સાકાર કરવા માટેનું સાધન બની ગયું.

ભારત ભ્રમણનો શોખ
રોશનકુમારને બાળપણથી જ ભારતનાં વિવિધ સ્થળોની યાત્રા કરવાનો શોખ હતો. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે આ સપનાને સાકાર કરવું મુશ્કેલ બન્યું. જ્યારે તેણે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા માટે સ્કેટિંગ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે માતા-પિતાએ શરૂઆતમાં તેનો વિરોધ કર્યો. પરંતુ રોશનકુમારની જીદ અને સંકલ્પને જોઈને, પરિવારએ તેને એક વર્ષ માટે છૂટ આપી.
યાત્રા માટે તૈયારી
યાત્રા માટે જરૂરી પૈસા ભેગા કરવા માટે રોશનકુમાર ત્રણ મહિના પહેલાં ગુજરાતના વડોદરા શહેરમાં આવ્યા. ત્યાં છાણી વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં કામ કરીને તેમણે યાત્રા માટે જરૂરી ખર્ચ માટે પૈસા ભેગા કર્યા. 11 ફેબ્રુઆરી, 2025ના રોજ રોશનકુમારે વડોદરાથી પોતાની યાત્રાની શરૂઆત કરી. પ્રથમ તે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા ગયા હતા. ત્યારબાદ દ્વારકા, નાગેશ્વર મહાદેવ અને બેટ દ્વારકા સુધીની યાત્રા કરી. ત્યાંથી જામનગર, રાજકોટ, અમદાવાદ અને દાહોદ થઈને તે ઉજ્જૈન મહાકાલનાં દર્શન માટે આગળ વધ્યા છે.
અગાઉની યાત્રાની મળતી માહિતી અનુસાર, આ પહેલાં જૂન 2024માં, રોશનકુમારે બિહારના સાહેબગંજથી 1100 કિલોમીટરની સ્કેટિંગ યાત્રા કરી કેદારનાથનાં દર્શન કર્યાં હતાં. યાત્રા દરમિયાન રોશનકુમારે અનેક પડકારોનો સામનો કર્યો. તૂટેલા રસ્તાઓના કારણે સ્કેટિંગ કરવું મુશ્કેલ બન્યું. ક્યાંક રોકાવાની વ્યવસ્થા મળી, તો ક્યાંક તેને ખુલ્લા આકાશ નીચે રાત વિતાવવી પડી. છતાં તેના સંકલ્પમાં કોઈ ખોટ ન આવી.
યુવાનનો સંકલ્પ અને હિંમત
રોશનકુમારનો સંકલ્પ છે કે તે એક વર્ષમાં 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા પૂર્ણ કરશે. આ યાત્રા માત્ર એક ધાર્મિક યાત્રા નથી, પરંતુ તે રોશનકુમારના જીવનનાં સપનાને સાકાર કરવા માટેની એક પ્રેરણાદાયક સફર છે. રોશનકુમારની આ યાત્રા માત્ર તેના માટે જ નહીં, પરંતુ દરેક યુવાન માટે પ્રેરણાદાયક છે. તે દર્શાવે છે કે જો મનમાં સંકલ્પ અને હિંમત હોય, તો કોઈપણ સંજોગો તમારાં સપનાને સાકાર કરવામાં અવરોધ બની શકતા નથી.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે
