MANTAVYA Vishesh/ સંજય જોષીને જન્મદિનની શુભેચ્છા પાઠવવી ભાજપના નેતાને ભારે પડી

ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે આંતરિક સ્તરે ચાલતા ખટરાગનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. ગઢડા તાલુકાના ભાજપના પ્રમુખને આરએસએસના જાણીતા આગેવાન સંજય જોશીને જન્મદિનની શુભેચ્છા પાઠવવી ભારે પડી ગઈ છે. આ શુભેચ્છા પાઠવવા બદલ તેમનું રાજીનામું માંગવામાં આવ્યું છે, જો કે તેમણે હજી સુધી રાજીનામુ આપ્યું નથી અને જણાવ્યું છે કે તેઓ રાજીનામુ આપવાના પણ નથી.

Mantavya Vishesh

ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે આંતરિક સ્તરે ચાલતા ખટરાગનો વધુ એક પુરાવો બહાર આવ્યો છે. ગઢડા તાલુકાના ભાજપના પ્રમુખને આરએસએસના જાણીતા આગેવાન સંજય જોશીને જન્મદિનની શુભેચ્છા પાઠવવી ભારે પડી ગઈ છે. આ શુભેચ્છા પાઠવવા બદલ તેમનું રાજીનામું માંગવામાં આવ્યું છે, જો કે તેમણે હજી સુધી રાજીનામુ આપ્યું નથી અને જણાવ્યું છે કે તેઓ રાજીનામુ આપવાના પણ નથી.

ગઢડા તાલુકાના ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાંકળિયાએ છ એપ્રિલના રોજ આરએસએસના નેતા સંજય જોશીને શુભેચ્છા પાઠવી હતી. તેમની આ શુભેચ્છા જાણે પક્ષને ગમી નથી. આના પગલે જિલ્લા ભાજપ પ્રમુખ મયૂર પટેલે પ્રકાશભાઈને તેમના હોદ્દા પરથી રાજીનામુ આપવા જણાવ્યું હતું. આના પગલે ભાજપના કેટલાક કાર્યકરો ટીખળમાં એવું પણ કહે છે કે પ્રકાશભાઈએ સંજય જોષીને શુભેચ્છા પાઠવતા પહેલા તેમના કોઈ જોશીને બતાવ્યું લાગતું નથી, નહીં તો કદાચ તેમણે આ પગલું ભર્યું ન હોત.

જો કે પ્રકાશભાઈએ તેમની વાત ન માનતા રાજીનામુ આપવાનો ઇન્કાર કર્યો છે. આમ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીની શિસ્તના લીરેલીરાં ઉડી ગયા છે. પ્રકાશભાઈનું કહેવું છે કે મેં કંઈ ખોટું કર્યું નથી તો હું શું કામ રાજીનામુ આપુ. સંજય જોશીને જન્મદિવસની શુભેચ્છા આપવી તે કંઈ ગુનો નથી.

આ બનાવના પગલે ભાજપના આંતરિક રાજકારણ ગરમાયું છે. તેની સાથે કમસેકમ ગુજરાતમાં તો ભાજપ અને સંઘ વચ્ચે બધુ સમુસૂતરું નથી તે બહાર આવ્યું છે. આ ઘટનાએ બંને વચ્ચે ચાલતા આંતરિક મતભેદો સપાટી પર આણ્યા છે.

પ્રકાશ સાંકળિયાએ જણાવ્યું હતું કે કોઈને જન્મદિવસની શુભેચ્છા આપવી ગુનો નથી. જો કોંગ્રેસીને પણ જન્મદિનની શુભેચ્છા આપી શકાતી હોય તો આરએસએસના આગેવાનને જન્મદિનની શુભેચ્છા આપી તો શું થઈ ગયું.

જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખ મયૂર પટેલે જણાવ્યું હતું કે અમે તો હાઇકમાન્ડની સૂચનાના પગલે તેમનું રાજીનામું માંગ્યું છે. તેમણે ક્યાં શું કહ્યું કે મોકલ્યું તેની અમને ખબર પણ નથી. તેથી હવે ગઢડામાં આગામી દિવસોમાં રાજકીય ગરમાગરમી જોવા મળે તે સુનિશ્ચિત થઈ ગયું છે. આ મામલાને લઈને બંનેમાંથી એકપણ પક્ષ નમતું જોખવા તૈયાર નથી. મયૂર પટેલનું કહેવું છે કે અમે નિયમ મુજબ જ કાર્યવાહી કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં આ વિવાદ ભાજપમાં હીટવેવ નહીં સર્જે તો મોટુ આશ્ચર્ય કહેવાશે.

હવે ભાજપના કાર્યકરો પણ આનાથી વિમાસણમાં પડી ગયા છે કે શું ભાજપ અને સંઘ વચ્ચે ખટરાગ છે, બંને વચ્ચે બનતું નથી. હવે જો ભાજપના નેતાએ સંઘના આગેવાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બદલ હોદ્દો ગુમાવવો પડે તો પછી સામાન્ય કાર્યકર જાય ક્યાં. શું ભાજપનો કાર્યકર કોંગ્રેસના કાર્યકરને જન્મદિનની શુભેચ્છા પાઠવી શકશે પણ આરએસએસના કાર્યકરને શુભેચ્છા નહીં પાઠવી શકે. આ બાબત ફક્ત સંજય જોષી સુધી જ મર્યાદિત છે કે પછી સંઘના બીજા નેતાઓ સુધી પણ છે.

હવે જો ભાજપની નેતાગીરીનું આ પ્રકારનું વલણ હોય તો તેમણે પ્રદેશ નેતાગીરીને કમસેકમ સંઘના એવા આગેવાનોની યાદી આપી દેવી જોઈએ, જેને ભાજપના જિલ્લા અને તાલુકા પ્રમુખોએ શુભેચ્છા પાઠવવાની નથી, તો જ ભાજપના આગેવાનોને ખબર પડે કે અમારે આટલા લોકો સાથે રાજકીય સંબંધ રાખવાનો નથી. આ બધુ જોતાં લાગે છે કે સંજય જોષીનો રાજકીય અરણ્યવાસ હજી પણ પૂરો થયો નથી.  હવે સંજય જોષીને કોની સાથે ગજગ્રાહ હતો તે ભાજપમાં ટોચથી લઈને તળિયા સુધી લોકો જાણે છે, પણ આજે ભાજપમાં આવેલા નવી પેઢીના કેટલાય લોકોને આ વાતની ખબર નથી. જ્યારે કેટલાકને એમ કે દાયકાઓના પગલે આ વાત વીસરાઈ જઈ હશે.

ભાજપની અંદર સંજય જોષીના સમર્થકોનાં મોઢા કેમ સીવાઈ ગયા છે. શું ત્યાં ટુકડા ફેંકાઈ ગયા છે.  ગુજરાતમાં ભાજપનું હાલમાં જે સ્થાન છે તેના માટે સંજય જોશીએ કરેલી મહેનતને કાર્યકરો જાણે જ છે. આજે ગુજરાત ભાજપના તે પાયાના પથ્થરોમાં એક છે. હવે આ પથ્થરો પર ચણાયેલા મહેલમાં બેઠેલા લોકો તે જ પાયાના પથ્થરની અવગણના કરી રહ્યા છે.

હવે શું ગુજરાતના ભાજપના કાર્યકરોએ સંઘના કાર્યકરો સાથે કામ કરવું હોય તો તેના માટે પણ ઉપરથી સૂચન આવે ત્યારે કામ કરવાનું રહેશે તે મોટો સવાલ છે. આ ગઢડા જેવા શહેરના પ્રમુખ સાથે આ રીતે થતું હોય તો આગામી દિવસોમાં હવે પક્ષમાંથી કેવા સૂચનો આવે છે તે પણ જોવાનું રહ્યુ. હવે આ વાત ફક્ત બોટાદ જિલ્લા સુધી જ મર્યાદિત છે કે આગામી દિવસોમાં તેનો વ્યાપ વધી શકે છે તેના પર પણ બધાની નજર છે.

આમ બોટાદ જિલ્લા પ્રમુખે પક્ષનો આદેશ ન માનીને તાણેલી તલવાર આગામી દિવસોમાં પક્ષીય રાજકારણમાં કેવી ગરમી લાવે છે તે જોવાનું રહ્યુ. હવે પક્ષપ્રમુખે તેના આગેવાનની રાજીનામાની વાત સ્વીકારી નથી તેથી હવે આગામી દિવસોમાં તેમની સામે શિસ્તભંગના કયા પગલાં લેવાય છે તેની નજર રહેશે. આમ સંજય રાઉત હોય કે સંજય જોષી હોય ભાજપમાં સંજય સાથેના સંબંધો હંમેશા વિવાદમાં જ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !