વીએસ હોસ્પિટલમાં તાજેતરમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ દર્દીઓના મોત નીપજવાથી હોબાળો થયો છે, પણ આ વાત બહાર એટલા માટે આવી કેમકે આ બધુ વીએસ હોસ્પિટલમાં થયું છે. સરકારી હોસ્પિટલનું કંઈપણ હોય તે બહાર આવે જ, કારણ કે તેનું કોઈ ધણીધોરી નથી. બધા દોષનો ટોપલો એકબીજા પર ઢોળતા હોય છે, પણ ગુજરાતમાં ક્લિનિકલ ટ્રાયલ ધીખતો ધંધો છે તે હકીકત છે, જે અમુક અંશે ગોરખધંધાની સમકક્ષ પહોંચી ગયા જેવી સ્થિતિ છે.
ગુજરાતમાં ક્લિનિકલ ટ્રાયલને લઈને કોઈપણ પ્રકારની માર્ગદર્શિકા નથી. તેને લઈને ક્લિનિકલ ટ્રાયલ કરતી કંપનીઓને ફાવતું મળ્યું છે. ક્લિનિકલ ટ્રાયલ બીજું કશું જ નહીં પણ ગરીબોના, બેરોજગારોના શરીરને નીચોવી નાખીને કમાવવાનો ધીખતો ધંધો છે.
આજે અમેરિકા અને યુરોપીયન દેશોમાં ક્લિનિકલ ટ્રાયલના મોરચે જબરદસ્ત નિયંત્રણો છે, જેના કારણે હવે ત્યાં ક્લિનિકલ ટ્રાયલ કરવા શક્ય નથી. તેથી આ દેશોની કંપનીઓ હવે ભારત અને આફ્રિકન દેશોમાં ક્લિનકલ ટ્રાયલનો પેટા કોન્ટ્રાક્ટ ભારતીય કંપનીઓને આપી દે છે. અહીં ક્લિનિકલ ટ્રાયલને લઈને કોઈપણ પ્રકારની માર્ગદર્શિકા નથી કે કોઈપણ પ્રકારનું નિયંત્રણ નથી. તેનો ક્લિનિકલ ટ્રાયલ કંપનીઓ ભરપૂર ફાયદો ઉઠાવે છે.
ક્લિનિકલ ટ્રાયલમાં મુખ્યત્વે દવાનું સંશોધન કરનારી કંપનીઓ તેમની દવાની અસરકારકતાનો અભ્યાસ કરાવે છે. તેનો પ્રયોગ તે આ પ્રકારે માનવીઓ પર કરે છે. મુખ્યત્વે બેરોજગારો અને ગરીબ દર્દીઓ ક્લિનિકલ ટ્રાયલ કંપનીઓના નિશાન પર હોય છે. આ ક્લિનિકલ ટ્રાયલ કંપનીઓ કે દવા કંપનીઓ ઘણી વખત તો પ્રાઇવેટ ડોક્ટરો સાથે અને કેટલીક વખત તો સરકારી હોસ્પિટલોમાં કામ કરતાં ડોક્ટરોને મોટી લાલચ આપીને તેમની સાથે સાંઠગાંઠ કરે છે. આના કારણે ઘણી વખત સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવનારા દર્દીને ખબર જ હોતી નથી કે તેના પર કોઈ પ્રયોગ થઈ રહ્યો હોય છે. બીજી બાજુ ક્લિનિકલ ટ્રાયલ કંપનીનું કામ થઈ જાય છે.
જો કે આ વાત હજી સુધી ક્યાંય પુરવાર થઈ નથી, છતાં પણ તાજેતરમાં બહાર આવેલી ઘટના બતાવે છે કે આવું બધું મોટાપાયા પર રંધાઈ રહ્યુ છે.
આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા ડોક્ટર દેવાંગ રાણાએ જણાવ્યું હતું કે મેં એન.એચ.એલ મેડિકલ કોલેજના ડીન અને હોસ્પિટલના તત્કાલીન મેડિકલ સુપરિટેન્ડેન્ટની મંજૂરીથી કામગીરી કરી છે. આ માટેનો લેખિત જવાબ મેં વીએસ બોર્ડના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશ્નરને મોકલ્યો છે. મને આ માટેનું વેતન પણ ચૂકવવામાં આવ્યું છે. મેં તો ફક્ત તેમના આદેશ મુજબની કામગીરી કરી છે. AMCએ પણ મારી પાસે કોઈ પુરાવા માંગ્યા નથી. અહીં બીજું મોટું રહસ્યોદઘાટન એવું થયું છે કે સસ્પેન્ડ કરવામાં આવેલા ડો. દેવાંગ રાણાની ઓફિસમાંથી રીસર્ચને લગતાં મહત્વના દસ્તાવેજો અને સામગ્રીની ચોરી થઈ ગઈ છે. આ અંગે મેડિકલ કોલેજના ડીનને ફરિયાદ કરવામાં આવી હતી અને ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજ પણ માંગવામાં આવ્યા હતા પરંતુ તે આપવામાં આવ્યા નથી.
વીએસ હોસ્પિટલના કૌભાંડમાં નીમવામાં આવેલી તપાસ સમિતિમાં નીમાયેલા ડો. પારુલ શાહ સામે પણ આક્ષેપો થતાં તેમને સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તેમના બદલે ભાવિન સોલંકીની નિમણૂક થઈ છે. આ ઉપરાંત નોકરીમાંથી છૂટા કરાયેલા સાત ડોક્ટરોએ કમિટી સમક્ષ જવાબો રજૂ કર્યા હતા. વીએસ હોસ્પિટલના ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ મામલે કોર્પોરેટ રરાજશ્રીબેન કેસરીએ વીએસના હાલના મેડિકલ સુપરિટેનડેન્ટ ડો. પારુલ શાહે પણ એક ક્લિનિકલ ટ્રાયલ માટે એમઓયુ સાઇન કર્યા હોવાના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જે દસ્તાવેજો રજૂ કરાયા બાદ તેમને આ કમિટીમાં રહેવાનો કોઈ અધિકાર ન હોવાની રજૂઆત કરાતા તેમને સમિતિમાંથી દૂર કરાયા હતા.
આના માટે ક્લિનિકલ ટ્રાયલ કંપનીઓએ મોટી ચેઇન ગોઠવેલી હોય છે. તેમા ફક્ત ડોક્ટરોનો જ નહીં પણ સરકારી હોસ્પિટલોનો અને ઘણી વખત તો ખાનગી હોસ્પિટલોનો પણ તેમા સમાવેશ કરવામાં આવ્યો હોય છે. ક્લિનિકલ ટ્રાયલ માટે દર્દીઓને લાવવા કે કોઈને તૈયાર કરવા માટે ઘણા મુશ્કેલ હોય છે. આ દર્દીઓને ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે જાતજાતની લાલચ આપવામાં આવે છે. અહીં પણ કમિશન એજન્ટ્સની કે વચેટિયાઓની મોટી ફોજ કરતી હોય છે. તેમનું કામ જ હોય છે ક્લિનિકલ ટ્રાયલ માટેના દર્દીઓને શોધવાનું. તેઓ શોધી પણ આપે છે. આ માટે તેઓ દર્દીની પરિસ્થિતિ જોઈને તેને આપવામાં આવનારું વળતર નક્કી કરે છે.
આમ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારાઓ બે હજાર રૂપિયાથી લઈને 25 હજાર રૂપિયા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. તેઓને ખબર જ નથી હોતી કે થોડા રૂપિયાની લાલચ માટે તેઓ શું કરી રહ્યા છે. તેઓને ખબર હોતી નથી કે તેમને કોઈ ગંભીર બીમારી થઈ શકે છે, ખોડખાંપણનો ભોગ બની શકે છે, શરીરમાં બીજી કોઈ તકલીફ સર્જાઈ શકે છે. આ પ્રકારના ક્લિનિકલ ટ્રાયલ માટેનું પણ રેટ કાર્ડ હોય છે. તેમા ભાગ લેનારાઓને તેમની ગરજ મુજબની રકમ ચૂકવવામાં આવે છે. આજે સ્થિતિ એવી છે કે કેટલાય લોકો લોન લેવાના બદલે ક્લિનિકલ ટ્રાયલ લેવાનું પસંદ કરે છે.
આમ ક્લિનિકલ ટ્રાયલ જાણે ગરીબોના શરીરને નીચોવીને કમાવવાનો ધીખતો ધંધો બન્યો છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ફૂલેલા અને ફાલેલા ક્લિનિકલ ટ્રાયલના ધંધા પર હજી સુધી તંત્રની નજર જ ગઈ નથી. જો કોઈ ગર્ભપાત કરાવે તો તેને પકડવામાં આવે છે, પરંતુ આ રીતે ગેરકાયદેસર રીતે થતાં ક્લિનિકલ ટ્રાયલ સામે તંત્રને કશી જ ખબર નથી. તેના કારણે ક્લિનિકલય ટ્રાયલને લઈને કોઈ પોલિસી પણ ઘડવામાં આવી નથી. તેથી આ ક્લિનિકલ ટ્રાયલમાં કોઈ મૃત્યુ પામે તો તેની જવાબદારી જ સુનિશ્ચિત થઈ શકતી નથી.
આ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારા દર્દીઓમાં રસ્તા પર કચરો વીણનારા, શાકભાજી વેચનારા, લારી ફેરવનારા, ભંગાર વીણનારા, સીવણકામ કરનારા, કારખાનામાં મજૂરી કરનારી મહિલાઓ મોંઘવારીમાં પોતાનું પૂરુ કરવા માટે ઘણી વખત તો કુટુંબની પણ જાણ બહાર આ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લઈને રૂપિયા મેળવે છે. આ રીતે લોકો પોતાની રોજિંદી જરૂરિયાતો તથા ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ આ પ્રકારે ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેતા થયા છે. નીચલા સ્તરે રોજબરોજના સંઘર્ષનો સામનો કરતાં લોકો માટે રૂપિયા કમાવવા અત્યંત અઘરા હોય છે. તેથી તેઓ પોતાના શરીરની પરવા કર્યા વગર આ પ્રકારના અખતરામાં ભાગ લે છે. તેઓ ક્લિનિકલ ટ્રાયલ કંપનીઓને થોડા હજાર રૂપિયા માટે પોતાનું શરીર ધરી દે છે. તેથી આગામી દિવસોમાં જો સરકાર ક્લિનિકલ ટ્રાયલના મોરચે કોઈ નીતિ નહીં ઘડે તો વીએસ હોસ્પિટલમાં બની છે તેવી કેટલીય ઘટનાઓ આગામી દિવસોમાં જોવા મળી શકે છે, તેના પછી તંત્રને તેનો જવાબ આપવો ભારે થઈ જશે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
