Vadodara News : પહેલગામ હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ હુમલાની માહિતી ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાની બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર હતા. આ અધિકારીઓમાંના એક કર્નલ સોફિયા કુરેશી હતા.
કર્નલ સોફિયા કુરેશીનો જન્મ વડોદરામાં થયો હતો અને વડોદરાની એમ.એસ. સાયન્સ ફેકલ્ટીના બાયો કેમેસ્ટ્રી વિભાગમાં બીએસસી અને એમએસસીનો અભ્યાસ કર્યો હતો. ત્યાં તેઓ વર્ષ 1992થી 1997 સુધી ભણ્યા હતા. આજે સોફિયા કુરેશીની સિદ્ધિને પગલે એમ.એસ. સાયન્સ ફેકલ્ટીના કર્મચારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી અને સોફિયા કુરેશી સાથે 2 વર્ષ અભ્યાસ કરી ચૂકેલા દેવેશ સુથારે સોફિયા કુરેશી સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. દેવેશ સુથાર સાયન્સ ફેકલ્ટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
આ સિદ્ધિને લઇને પરિવારને ગર્વની અનુભૂતિ થઈ રહી છે. કર્નલ સોફિયા કુરેશીના ભાઈ મોહમ્મદ સંજય કુરેશીએ કહ્યું કે આતંકીઓ ઇચ્છતા હતા કે ધર્મના નામે ગંદકી ફેલાવીએ પણ તેનો ખાતમો થયો છે. તો પિતા તાજ મહંમદ કુરેશી બોલ્યા કે આપણું POK પાછું લેવાનું છે.કર્નલ સોફિયા કુરેશીના પિતા તાજ મહંમદ કુરેશીએ જણાવ્યું કે અમે ગર્વ અનુભવી રહ્યા છીએ કે અમારી દીકરીએ દેશ માટે કઇંક કર્યું. આપણે પહેલા ભારતીય છીએ પછી હિન્દુ અને મુસ્લિમ છીએ. અમારો મકસદ પૂર્ણ થઈ ગયો છે કે અમે દેશ માટે કંઇ કર્યું. આપણે પહેલાં આપણું પીઓકે પાછું લેવાનું છે. કારણ કે ત્યાં જે લોકો છે તે પણ આપણા છે.
તે પણ ભારતીય છે તેમની સુરક્ષા કરવી આપણુ કર્તવ્ય છે.કર્નલ સોફિયા કુરેશીના ભાઈ મોહમ્મદ સંજય કુરેશીએ જણાવ્યું કે પહેલગામમાં થયેલી ઘટના નિદનીય છે. અને તેનો જવાબ જરૂરી હતો. અને આ જે મોમેન્ટ છે તે દેશ અને અમારા ફેમિલી માટે ગર્વની વાત છે. અમારા દાદા સેનામાં હતા, મારા પિતા પણ સેનામાં હતા. અમારા લોહીમાં દેશ ભક્તિ છે. જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરતા જોયા ત્યારે ગર્વથી છાતી ફૂલી ગઈ.
દેશને જવાબ આપવાનો હતો અને તે જો અમારી ફેમિલીમાંથી કોઇના દ્વારા આપવામાં આવ્યો હોય તો તેનાથી વિશેષ શું હોઈ શકે.ભારતમાં આજથી નહીં સદીઓથી હિન્દુ અને મુસ્લિમ સાથે ચાલે છે. અને આને જ આગળ વધારવા માટે આપણા વડાપ્રધાન મોદીએ મેસેજ આપ્યો છે કે એક મુસ્લિમ અધિકારી અને એક હિન્દુ અધિકારી એક સાથે મળીને આ મિશનને પૂર્ણ કરે છે. એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરે છે. તે સંદેશ આપે છે કે આ દેશમાં દરેક ધર્મ એક છે.
આતંકીઓ એવું ઇચ્છતા હતા કે ધર્મના નામે ગંદકી ફેલાવે દેશમાં નફરત ફેલાવે તેનો ખાતમો થયો. અને દેશ માટે એ જ મેસેજ છે કે બધા હળીમળીને રહે. પાકિસ્તાનને માત્ર એટલો જ સંદેશ છે કે જ્યારે પણ અમારી સામે આંખ ઉઠાવીને દેખશો તો તેનું પરિણામ સારું નહીં આવે.વધુમાં તેમણે જણાવ્યું કે આગળની જનરેશનમાં મારી દીકરી છે તે તેની ફૂઇને આઇડલ માનીને આર્મીમાં જવા તૈયાર છે. આ તો શરૂઆત છે આપણુ પીઓકે છે જે તેમને કબજે કરેલું છે તે પાછું લાવવાનું છે.
કર્નલ સોફિયા કુરેશી સાથે એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર તેમના ક્લાસમેટ દેવેશ સુથારે જણાવ્યું હતું કે, મેં જ્યારે એમએસસીમાં એડમીશન લીધુ ત્યારે પહેલીવાર સોફિયા કુરેશી સાથે મારી મુલાકાત થઈ હતી. સોફિયાએ બીએસસી અને એમએસસી કેમેસ્ટ્રીમાંથી કર્યું હતું. ત્યારથી અમારો પરિચય થયો હતો. સોફિયા ખૂબ જ નીડર છે. એ કંઇ પણ કાર્ય કરવામાં સક્ષમ છે. તે આર્મીની ટીમ સાથે સારી રીતે કામ લઇને ઓપરેશનને અંજામ આપી શકે છે. એમનો સ્વભાવ બહુ મિલનસાર હતો અને તેઓ હસમુખા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સોફિયાએ આજે જે કાર્ય કર્યું છે. તે અમારા માટે ખૂબ ગર્વની વાત છે. આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે. અમારી 1995-97ની બેચ હતી. તે હજી આગળ વધે અને પ્રગતિ કરે અને દેશ માટે આવા કાર્ય કરતા રહે તેવુ અમે ઇચ્છીએ છીએ. તેમના પિતા પણ આર્મીમાં હતા અને તેઓ હંમેશા આર્મીમાં જવા માંગતા હતા. તેમને તક મળતા તેમણે તક ઝડપી લીધી હતી. તે વડોદરા આવે ત્યારે ચોક્કસથી અમને મળે છે.
વડોદરાની એમ.એસ. યુનવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ડીન વિપુલ કલમકરે જણાવ્યું હતું કે, ભારત દેશની સેના પર અમને ગર્વ છે. કારણ કે, આખો દેશ ઇચ્છતો હતો, તે સેનાએ કરી બતાવ્યું હતું. એમાં પણ અમારી યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીની વિદ્યાર્થિનીએ મહત્વનો ભાગ લીધો છે. એ જાણીને તો ગર્વની અનુભૂતિ થાય છે. એ ખૂબ હોશિયાર હતા, તેઓ પીએચડી કરવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ તેમનો પરિવાર આર્મીમાં હોવાથી તેઓને આર્મીમાં જવાની તક મળતા તેઓએ આર્મી જોઇન કરી હતી. તેમને ભારત દેશ માટે કંઇક કરવાની તમન્ના હતી. જેથી તેઓ સેનામાં જોડાયા હતા. આજે યુનિવર્સિટી અને વડોદરા માટે ગર્વની ક્ષણ છે.
સોફિયાને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારતીય ટીમની કમાન સોંપાઈ હતી
સોફિયા કુરેશી હાલમાં ભારતીય સેનામાં કર્નલ તરીકે સેવા આપી રહી છે. સોફિયાને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત દ્વારા મોકલવામાં આવેલી ટીમની કમાન સોંપવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ જવાબદારી માટે પસંદ કરાયેલા મહત્વના ટ્રેનર્સમાં તેણીનો સમાવેશ થતો હતો. હાલમાં, તે ભારતીય સેનાના કોર્પ્સ ઓફ સિગ્નલ્સ સાથે જોડાયેલ અધિકારી છે. સોફિયા કુરેશી 2006માં સંયુક્ત રાષ્ટ્ર કોંગો શાંતિ મિશનનો ભાગ હતી અને છેલ્લા 6 વર્ષથી પીસકીપિંગ ઓપરેશન્સ (PKOs) સાથે સતત સંકળાયેલી છે.
કર્નલ સોફિયા કુરેશીએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સોફિયાના દાદા પણ સેનામાં હતા અને તેમના પિતા પણ સેનામાં હતા. બીજા એક અહેવાલમાં જણાવાયું છે કે સોફિયાના લગ્ન મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે થયા છે અને તેમને એક પુત્ર સમીર કુરેશી છે.
કર્નલ સોફિયા કુરેશીએ સ્કૂલિંગ કેન્દ્રીય વિદ્યાલય, ઇએમઇ, વડોદરામાંથી કર્યું છે તો સાયન્સ ફેકલ્ટી, ધ એમ.એસમાંથી બાયોકેમિસ્ટ્રી (M.Sc. 1995-1997)માં સ્નાતક (B.Sc., 1992-1995) અને માસ્ટર ઓફ સાયન્સ (M.Sc.) યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું. તેમણે આર્મીમાં જોડાતા પહેલાં પી.એચ.ડી. માટે રીએનરોલ પણ કર્યું હતું. તેઓ બે વર્ષ એમ.એસ. યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ લેક્ચર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.સોફિયા કુરેશી 1999માં માત્ર 17 વર્ષની ઉંમરે શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ભારતીય સેનામાં જોડાયા હતા. તેમણે 1999માં ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાંથી તાલીમ મેળવી હતી.
ત્યારબાદ સોફિયાને સેનામાં લેફ્ટનન્ટ તરીકે કમિશન મળ્યું. 2006માં સોફિયાએ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે 2010થી શાંતિ રક્ષા કામગીરી સાથે સંકળાયેલા છે. પંજાબ સરહદ પર ઓપરેશન પરાક્રમ દરમિયાન તેમની સેવા બદલ તેમને જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C)નું પ્રશંસા પત્ર પણ મળ્યું હતું.
ઉત્તર-પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને સિગ્નલ ઓફિસર ઇન ચીફ (SO-in-C)નું પ્રશંસા પત્ર પણ મળ્યું હતું. તેણીને ફોર્સ કમાન્ડર તરફથી પ્રશંસા પણ મળી.કર્નલ સોફિયા કુરેશીએ પુણેમાં યોજાઈ રહેલા 18 દેશોના સંયુક્ત લશ્કરી અભ્યાસ ‘ફોર્સ 18’માં ભારતીય સેનાના 40 સભ્યોના દળનું નેતૃત્વ કર્યું હતું. એટલું જ નહીં, આ બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી તે એકમાત્ર મહિલા લશ્કરી અધિકારી હતા.
‘ભારતીય સેનામાં પુરુષ અને મહિલા અધિકારીઓ વચ્ચે કોઈ ભેદ નથી’
ASEAN દેશોના સંમેલનમાં હાજરી આપનાર સોફિયા અંગે દિવંગત બિપિન રાવતે કહ્યું હતું કે, “સેનામાં, અમે સમાન તક અને સમાન જવાબદારીમાં માનીએ છીએ. અહીં પુરુષ અને મહિલા અધિકારીઓ વચ્ચે કોઈ ભેદ નથી. સોફિયા કુરેશીને ફક્ત એટલા માટે પસંદ કરવામાં આવી ન હતી કે તે એક મહિલા છે, પરંતુ એટલા માટે કે તેની પાસે નેતૃત્વના ગુણો છે અને તે જવાબદારીઓ પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.”
કર્નલ કુરેશી સિગ્નલ કોરમાં સેવા આપે છે, જે આર્મી કોમ્યુનિકેશનમાં નિષ્ણાત છે. તેમના કાર્યોમાં શામેલ છે-
1. કોંગો ઓપરેશન: 2006માં તેમણે મહિલાઓ અને બાળકોને હિંસાથી બચાવવા માટે કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી શિક્ષક તરીકે કામ કર્યું.
2. ઓપરેશન પરાક્રમ: 2001-2002માં પંજાબ સરહદ પર તૈનાત હતા ત્યારે તેમની સમર્પિત સેવા બદલ તેમને જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
3. ઉત્તર પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી: આપત્તિ રાહત દરમિયાન સંદેશાવ્યવહાર દ્વારા તેમના અસાધારણ કાર્ય માટે તેમને સિગ્નલ ઓફિસર-ઇન-ચીફ તરફથી પ્રશંસા પત્ર મળ્યો.
આ પણ વાંચો:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં થનારી મોકડ્રીલ અંગે વિસ્તૃત જાણકારી આપી
આ પણ વાંચો:આવતીકાલે ગુજરાતનાં કેટલા શહેરમાં અને કેટલા વાગે યોજાશે મોકડ્રીલ જાણો
આ પણ વાંચો:ગુજરાતના સંવેદનશીલ બોર્ડર એરિયામાં મોકડ્રીલનો આદેશ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યોજી બેઠક
