સરકારનું કોઈપણ કામ હોય પણ મલાઈ ના તારવી લે તો કૌભાંડીઓ નહી. આવું અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં જોવા મળ્યું છે. અહીં પણ કૌભાંડીઓએ મલાઈ તારવી લીધી છે. આમ જાણે એવું જ લાગે કે સરકારનું કામ અને કૌભાંડ જાણે એક જ સિક્કાની બે બાજુ બની ગયા છે.
જાફરાબાદ તાલુકામાં બાલાની વાવ ખાતે જેટકોએ જમીન સંપાદનની કામગીરી કરી તેમા મોટું કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ ભૂતપૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે કર્યો છે. તે ફક્ત આક્ષેપ કરીને બેસી નથી રહ્યા, તેમણે રીતસર આ કૌભાંડની જાણ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. આ બતાવે છે કે હવે કૌભાંડને લઈને વિપક્ષમાંથી જ નહીં પણ પક્ષમાંથી પણ અવાજ ઉઠવા લાગ્યા છે. હવે ભૂતપૂર્વ ધારાસભ્ય જ્યારે કોઈ વાતમાં ઝંપલાવે તેમાં કંઈકને કંઇક વજૂદ તો હોય જ. વિરજી ઠુમરના આક્ષેપના પગલે એક સમયે છૂપી રીતે ચર્ચાતી કૌભાંડની વાતને વેગ મળ્યો છે.
હવે ભૂતપૂર્વ ધારાસભ્યએ વાત હાથ પર લીધી છે અને સીએમ ભુપેન્દ્ર પટેલ સુધી આખી વાત થઈ છે ત્યારે આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાય તેવી આશા પ્રબળ બની છે. JETCOના કૌભાંડનો મામલો હાથ પર લેતા વિરજી ઠુમરે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં તેની તલસ્પર્શી વિગતો લખી છે અને આ કૌભાંડને કેવી રીતે આકાર આપવામાં આવ્યો અને તેમા કેવી રીતે રૂપિયા બનાવવામાં આવ્યા તેનું સવિસ્તર વર્ણન પણ કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી દરેક કૌભાંડની એક આગવી ઓપરેન્ડી હોય તેમ અલગ જ પ્રકારની હતી. જાફરાબાદ તાલુકાની આસપાસની જમીનમાં એક વીઘા જમીનનો ભાવ 4 લાખ રૂપિયાથી વધારે નથી. આમ છતાં JETCOએ મીટર દીઠ 1,850 રૂપિયા લેખે એટલે કે વીઘાના 57 લાખ રૂપિયા ગણ્યા હતા. હવે વિચારો કે ક્યાં વીઘાના ચાર લાખ રૂપિયા અને ક્યાં JETCOએ ગણેલા વીઘાના 57 લાખ રૂપિયા. બસ આ પ્રકારે જમીનનું ઓવરપ્રાઇસિંગ જ કૌભાંડની મોડસ ઓપરેન્ડી છે. હવે વીઘાના 57 લાખ રૂપિયા મુજબ જમીન સંપાદન કરીને તેના પેટે 33 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ રકમ ખેડૂતોના ખાતામાં નિયમ મુજબ જમા કરાવી દેવામાં આવી હતી.
તેના પછી JETCOમાં આ આખો ખેલ પાડનારા વચેટિયાઓએ ખેડૂતોના ખાતામાં જમા થયેલી રકમના 40 ટકા એટલે કે લગભગ 13 કરોડની રકમ સેલ્ફના ચેક પેટે લઈ લીધી હતી. આમ આ કૌભાંડીઓએ ખેડૂતોને તો ફાયદો કરાવ્યો, પણ તેની સાથે તેમણે પોતે પણ મલાઈ તારવી લીધી. આ રીતે ફટકો સીધો JETCOને એટલે કે સરકારને પડ્યો. આ આખા કૌભાંડને આકાર આપવાનું હોય ત્યારે બેન્ક અધિકારી વગર ચાલે જ નહીં. તેથી તેમા બેન્ક અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું મનાય છે.
કૌભાંડની આ મોડસ ઓપરેન્ડીએ ઘણા ખેડૂતોને પણ વિચારતા કરી દીધા છે, ખેડૂતો પણ વિચારતા હશે કે તેમને કદાચ કૌભાંડીઓ જ મદદ કરશે બીજા કોઈ મદદ નહીં કરે. ક્યાં વીઘાના ચાર લાખ રૂપિયા અને ક્યાં વીઘાના 57 લાખ રૂપિયાનો અંદાજ મૂકાયો. સીધો દસ ગણો ફાયદો મળ્યો, અડધાથી વધારે કૌભાંડીઓ લઈ ગયા તો પણ 60 ટકાનો ફાયદો તો મળ્યો બાકી ખેડૂતે તો દર વખતે રડવાનું જ આવે છે.
વિરજી ઠુમરે આ ઉપરાંત જણાવ્યું હતું કે તેઓ 1990માં ધારાસભ્ય હતા ત્યારે અમરેલીના માચિયાણા ગામે 400 કેવી સબસ્ટેશન સ્થાપવા રજૂઆત કરી હતી. તેના પછી આ વિસ્તારમાં વીજ સમસ્યાને ઉકેલવા માટે સઘન પ્રયત્નો આદરવામાં આવ્યા હતા. આ સમયે ખેડૂતોની જમીન સંપાદન થઈ હતી તેના કેસ હજી પણ કોર્ટમાં ચાલે છે અને તેમને ચૂકવણી થતી નથી. તેનાથી વિપરીત JETCOએ દસ વર્ષ પહેલાની પ્રક્રિયા માટે 33 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. તેમા નિયમ પ્રમાણે 60 દિવસની અપીલનો સમય જવા દેવાની કાર્યવાહી પણ અધિકારીઓની મૌન સંમતિથી જ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.
આમ એકબાજુ હક્કદારને વળતર જ મળતું નથી, બીજી બાજુએ કૌભાંડીઓ કરોડો રૂપિયા ઉસેટી જાય છે. સરકારી તિજોરી ખાલી કરી નાખે તે હદ સુધી રૂપિયા ઉસેટી જાય છે. આમ વિરજી ઠુમરના પત્રની જાફરાબાદમાં ચોરે અને ચૌટે ચર્ચા છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે છેવટે કોઈકે તો આ કૌભાંડને બહાર લાવવામાં હિંમત કરી. જ્યારે બીજાઓનું માનવું હતું કે વિરજી ઠુમર આ કૌભાંડના મુદ્દે રાજકારણ કરવા માંગે છે. તેઓ રાજકારણમાં તેમનો સિક્કો ફરીથી જમાવવા માંગે છે તેના લીધે જ તેમણે આ મુદ્દો હાથ પર લીધો છે. આમ છતાં પણ કૌભાંડ થયું તે હકીકત છે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
