Rajkot News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાને આપી રૂ. ૫૫૭ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ

રૂ. ૩૪૩.૩૯ કરોડના ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. ૨૧૩.૭૯ કરોડના ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત થયાં

Rajkot Gujarat

Rajkot News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટમાં રૂ. ૩૪૩.૩૯ કરોડના ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તથા રૂ. ૨૧૩.૭૯ કરોડના ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરીને શહેર-જિલ્લાને રૂ. ૫૫૭.૧૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અહીંના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત રાજકોટ શહેર તથા જિલ્લામાં વિકાસના ખૂબ સારાં કામો થઈ રહ્યા છે. આજે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનારા વિકાસના કામો રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોના “ઈઝ ઓફ લિવિંગ”માં વધારો કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

છેલ્લા બે દાયકાની રાજકોટની વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં અટલ સરોવર, એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ ફ્લાયઓવર સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી રાજકોટની પણ કાયપલટ થઈ છે અને શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો છે. રાજકોટમાં આજે નવનિર્માણ પામેલી આર્ટ ગેલેરી સહિતના કરોડોનાં વિકાસ કામો રાજ્ય સરકારની શહેરીજનોની સુખાકારી વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

રાજકોટ ઝોનના ભાવિ વિકાસના આયોજન અંગે તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે સુરતની જેમ રાજ્યમાં છ ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે ખાસ રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.રાજકોટ ગુજરાતનું એમ.એસ.એમ.ઈ., એન્જિનિયરિંગ, સોના-ચાંદી, જ્વેલરી મેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઊભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં આવા ઉદ્યોગોને વિશ્વ કક્ષાનું માર્કેટ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

છત્રપતિ શિવાજી મહારાજનો આજે ૩૫૨મો રાજ્યાભિષેક દિવસ છે, તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, શિવાજી મહારાજે સુશાસનની સ્થાપના કરી હતી અને જન સુખાકારી, સુરક્ષા અને યુદ્ધનું શ્રેષ્ઠ મોડલ વિકસાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરીને નાગરિક દેવો ભવ:ની ભાવના સાથે છેલ્લા ૧૧ વર્ષના સુશાસનમાં નાનામાં નાના માણસને વિકાસના લાભો પહોંચાડીને સુશાસનનું મોડલ પ્રસ્થાપિત કર્યું છે. વડાપ્રધાનના ચીંધેલા માર્ગે આજે રાજકોટને રૂ. ૫૫૭.૧૮ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે. જેમાં રૂ. ૨૩૮ કરોડના વિકાસ કાર્યો ઊર્જાક્ષેત્ર સાથે જોડાયેલા હોવાનું તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સુશાસન દરમિયાન જ્યોતિગ્રામ યોજના શરૂ કરીને ગામે ગામ ૨૪ કલાક વીજળી મળે તે સુનિશ્ચિત કર્યું છે. ખેતી માટે ફીડરો અલગ કરાવ્યા. આ સાથે ઉદ્યોગ અને ખેતીને પૂરતી વીજળી મળે તે માટે  નરેન્દ્રભાઈએ સંતુલિત અભિગમ અપનાવ્યો હતો.

પી.એમ. સૂર્યઘર મફત વીજળી યોજનાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક સર્વે મુજબ રાજ્યમાં ૩.૪૦ લાખ પરિવારોએ સોલાર રૂફટોપ લગાવ્યા છે. જેમાંથી લોકોએ ૫૮ ટકા વીજળી ઘર વપરાશમાં ઉપયોગમાં લીધી અને ૪૨ ટકા વીજળી સરકારને વેચીને કમાણી કરી છે. આ ખૂબ સારી યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે એવી તેમણે અપીલ કરી હતી. ખેડૂતોને પણ સોલાર યોજનાનો લાભ મળે છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના ૯૮ ટકા ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌની યોજના થકી સૌરાષ્ટ્રના ગામે-ગામ પાણી પહોંચાડ્યા છે. આજે વીજળી, પાણી અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી મળતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉદ્યોગ ધંધાઓનો વિકાસ ઝડપથી થયો છે. રાજકોટ જિલ્લાને આજે મળી રહેલા રૂ. ૧૧૨ કરોડના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો જિલ્લાના ઉદ્યોગોને બળ આપશે અને નાગરીકોને પરિવહન માટે ઉત્તમ સુવિધા મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૫માં પહેલીવાર શહેરી વિકાસ વર્ષ ઉજવવાની શરૂઆત કરી હતી. જેનાથી ગુજરાતના શહેરીકરણને નવી દિશા મળી છે. શહેરી વિકાસ વર્ષના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે “વર્લ્ડ ક્લાસ સિટીઝ” વિકસાવવાની નેમ સાથે વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ધાર કર્યો છે.

ગુજરાત સરકાર ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન આપતી હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “ક્લીન ગુજરાત અને ગ્રીન ગુજરાત” માટે રાજ્યના શહેરો સ્વચ્છ સાથે પ્લાસ્ટિકમુક્ત બને તે નાગરિકોનું પણ કર્તવ્ય છે.
આ તકે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા માટે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતીય સેનાને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે વાવેલા વિકાસના વટવૃક્ષના મીઠા ફળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વાંગી સમતોલ વિકાસ થકી છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે.

મંત્રીએ કહ્યું હતું કે, રાજય સરકારે વીજળી, પાણી, રસ્તા સહિત કલા, રમતગમત ક્ષેત્રને પણ વિકાસની યાત્રામાં જોડી “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ગુજરાત સરકારે જસદણ જેવા છેવાડાના વિસ્તારમાં યુવાનો રમતગમતના સાધનો અને તાલીમ થકી ખેલકૂદ ક્ષેત્રે આગળ વધે તે માટે ૮ કરોડના ખર્ચે ઇન્ડોર-આઉટડોર રમત માટે વિશાળ સંકુલ બનાવ્યું છે. જેમાં એથ્લેટીક્સ, જુડો ,કબડ્ડી, ખો-ખો જેવી રમતો માટેની સુવિધાઓથી જસદણના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળશે. રમતગમતની આ સંસ્કૃતિથી ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ તેમજ ૨૦૩૬માં ઓલમ્પિક રમતો માટે ગુજરાતની યજમાની ઉત્કૃષ્ટ સાબિત થશે.
છેવાડાના વિસ્તારોના લોકો સુધી પણ પૂરતું પાણી પહોંચાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રની ઓળખ અછતવાળા વિસ્તાર તરીકેની હતી ત્યાં આજે ‘સૌની યોજના’ થકી મા નર્મદાના પાણી પહોંચતા ઉનાળામાં પણ નાગરિકોને પૂરતું પાણી મળી રહ્યું છે.

રાજકોટને પીવાના પાણીનો વધુ પુરવઠો પ્રાપ્ત થાય તે માટે આજે લોકાર્પિત થતી મોવિયા,મચ્છુ-૧ અને પડધરી યોજનાઓ દ્વારા ગોંડલ, રાજકોટ, પડધરી, કોટડા સાંગાણી અને લોધીકા વિસ્તારના લાખો લોકોને પ્રતિ વ્યક્તિ સો લીટર પાણી મળશે.આ પ્રસંગે મેયર  નયનાબેન પેઢડિયાએ રાજકોટ જિલ્લાને માત્ર છ માસના સમયગાળામાં રૂ. ૧૬૨૩ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા આપી વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ માટેની બોર રિચાર્જ, ઈલેક્ટ્રીક બાઈકમાં સહાય, ઘન કચરાના નિકાલ સહિતની પહેલ વિશે જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા ક્લેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચન સાથે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

તેમણે કહ્યું હતું કે, ‘સુશાસન’ અને ‘જનકલ્યાણ’ એ ગુજરાત સરકારની શાસન પ્રણાલીના કેન્દ્રમાં છે. આજે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા તથા મહાનગરના નાગરિકોને સરકારના વિવિધ નવ વિભાગોના આશરે રૂપિયા ૫૨૫ કરોડના ૪૧ વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે. આ તકે કલેકટરશ્રીએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત થવા જઈ રહેલા જસદણના તાલુકા કક્ષાના સ્પોર્ટસ સંકુલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, રમત-ગમતને વિશેષ પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની નીતિને સાર્થક કરતાં, જસદણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત એકર જમીન પર રૂ. ૮.૪૦ કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ પામ્યું છે. આ સાથે તેમણે વિવિધ વિકાસ પ્રકલ્પોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૩૪૩.૩૯ કરોડનાં ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તેમજ રૂપિયા ૧૮૧.૬૭નાં ૨૭ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત થયાં છે.

આ તકે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનને રૂ. ૭૫ લાખની સહાયની રિ-એમ્બર્સમેન્ટ સબસિડી સ્કીમ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે સ્વામિત્વ યોજના હેઠળ તૈયાર થયેલા પ્રોપર્ટી કાર્ડનું લાભાર્થીઓને વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત “નિર્મળ ગુજરાત ૨.૦”હેઠળ સફાઈ કામદારોને પ્રોત્સાહન રૂપે રૂ. ૧૦ હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે આભારવિધિ કરી હતી.રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે સાંસદો સર્વ  પરશોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા,  કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી, મુખ્યમંત્રીના સચિવ  વિક્રાંત પાંડે, મ્યુનિસપિલ કમિશનર  તુષાર સુમેરા, ધારાસભ્યો  ઉદયભાઈ કાનગડ,  રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબહેન શાહ, ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રીમતી લીલુબહેન જાદવ, દંડક  મનીષ રાડિયા, અગ્રણી ડૉ. ભરત બોઘરા, ડે. મેયર  નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી  માધવ દવે,  મુકેશ દોશી, શ્રીમતી બીનાબહેન આચાર્ય,  પ્રકાશભાઈ સોની, નગર પાલિકાઓના પ્રાદેશિક કમિશનર  પી.જી.વી.સી.એલ.ના એમ.ડી પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ રાજકોટના કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રેસકોર્સ ખાતે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવનિર્મિત આર્ટ ગેલેરી જાહેર જનતા માટે ખુલ્લી મૂકી પ્રદર્શિત કલાત્મક કૃતિઓ રસપૂર્વક નિહાળી હતી.

મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયેલા વિકાસ પ્રકલ્પોઃ

રાજકોટ જિલ્લાના શહેરી, ગ્રામીણ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજ પુરવઠો પુરો પાડવા, ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. ૨૩૮.૧૧ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
જિલ્લાના છેવાડાના વિસ્તારોના નાગરિકોને દરરોજ માથાદીઠ ૧૦૦ લીટર પાણી મળી રહે તે માટે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂ. ૮૪.૨૯ કરોડના ખર્ચે મોવિયા, મચ્છુ-૧ અને પડધરી એમ ત્રણ જૂથ પાણી પુરવઠા યોજનાના વિસ્તરણનાં કામો સંપન્ન થયા છે. આ ત્રણ જૂથ યોજનાઓ થકી રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાનાં ૧૩૨ ગામ-નગરોના આશરે ૩.૭૦ લાખથી વધુ લોકોને માથાદીઠ ૧૦૦ લીટર પાણી નિયમિત મળશે.
જસદણ ખાતે આશરે સાત એકરમાં રૂ.૮.૪૦ કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું રમત સંકુલ નિર્માણ પામ્યું છે.
રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ખીરસરા-લોધિકા રોડનું રૂ. ૬.૬૮ કરોડના ખર્ચે રિ-સરફેસિંગ કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સમાં રૂ. ૫.૯૧ કરોડના ખર્ચે અદ્યતન આર્ટ ગેલેરીનું નિર્માણ કરાયું છે.

મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થયેલા વિકાસ પ્રકલ્પોઃ

રાજકોટ જિલ્લામાં પાંચ માર્ગો તથા બ્રિજનું રૂ. ૧૦૫.૯૧ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. જે અંતર્ગત લોધિકા- રીબડા – કોટડા સાંગાણી રોડ, રામપર – સરપદડ – ખીરસરા રોડ, કોઠારિયા – કોટડા સાંગાણી રોડ, જસદણ – ભડલી- ગઢડા રોડ, ધોરાજી-પાટણવાવ રોડનું મજબૂતીકરણ તથા રિ-સરફેસિંગ કરાશે. તેમજ ગોંડલ ખાતે હોસ્પિટલ બ્રિજ તથા સરદાર બ્રિજનું પુનઃ નિર્માણ કરાશે.

રાજકોટ શહેરના નાગરિકોને વધુ સુવિધાઓ આપવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫૦.૫૨ કરોડની રકમનાં ૧૭ વિકાસ કામો હાથ ધરાશે. જે અંતર્ગત પ્રાથમિક શાળા માટે નવું બિલ્ડિંગ, આંગણવાડીનું બાંધકામ, નવા ફિલ્ટર પ્લાન્ટ અને વરસાદી પાણી થકી ભૂગર્ભ જળ સંચય જેવા કાર્યો અને પર્યાવરણ સંરક્ષણના કામો કરવામાં આવશે. આ સાથે શહેરના વિવિધ વોર્ડમાં ડ્રેનેજ, કચેરીઓના રી-કન્સ્ટ્રક્શન, પેવિંગ બ્લોક, ભૂગર્ભ ગટર, રસ્તા અને વોટરવર્કસ્ નેટવર્કને વધુ મજબૂત કરવાનાં કામો કરાશે.

જિલ્લામાં આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા રૂ. ૪૬. ૩૧ કરોડનાં વિકાસ કામો હાથ ધરાયા છે. જસદણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રને રૂ. ૩૨.૧૨ કરોડના ખર્ચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. ઉપરાંત રાજકોટની મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારોની સુવિધા માટે મલ્ટી લેવલ કાર પાર્કિંગની સુવિધા રૂ. ૧૪.૧૯ કરોડના ખર્ચે ઊભી કરાશે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. ૬.૧૪ કરોડના ખર્ચે તરઘડીથી બાગી ગામ સુધી વિશિષ્ટ બિટ્યૂમિનસ રોડ બનાવવામાં આવશે. જેનાથી લોકોને ચોમાસા દરમ્યાન થતી મુશ્કેલીઓનો અંત આવશે.

પી.જી.વી.સી.એલ.ની માળખાકીય સુવિધામાં વધારો કરતાં માધાપર અને બેડીનાકા સબ ડિવિઝન ઓફિસના બિલ્ડિંગનું બાંધકામ રૂ. ૪.૩૬ કરોડના ખર્ચે કરવામાં આવશે.સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. ૫૫ લાખના ખર્ચે રાજકોટના ઈશ્વરીયા પાર્ક ખાતે “કેક્ટસ ગાર્ડન”નું નિર્માણ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી વિધર્મી યુવકે મહિલા પર ગુજાર્યો બળાત્કાર

આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા

આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં