Junagadh News: ગુજરાતના જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ વચ્ચે વિકાસ કાર્યોને લઈને આંતરિક કલેહ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. ધારાસભ્ય સંજય કોરડીયા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા વચ્ચે ચાલી રહેલી ‘લેટરબાજી’એ શહેરના રાજકીય વાતાવરણને ગરમાવ્યું છે. આ વિવાદના કારણે નજીક આવતી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં પાર્ટીની એકતા અને પ્રતિષ્ઠા પર અસર થવાની શક્યતા ઊભી થઈ છે.
થોડા દિવસો પહેલાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ ભાજપના સક્રિય કાર્યકર્તાઓને એક પત્ર લખીને શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા નબળી ગુણવત્તાવાળા વિકાસ કાર્યોની વિગતો માંગી હતી. આ પત્રમાં તેમણે રોડ, ગટર અને અન્ય કામગીરીની ગુણવત્તા, ટૂંકા સમયમાં તૂટેલા રસ્તાઓ અને ગેરરીતિઓ અંગે માહિતી પૂરી પાડવા જણાવ્યું હતું. કોરડીયાએ ખાસ કરીને સ્થળ, વોર્ડ નંબર, કામની તારીખ અને ફોટોગ્રાફ સાથે સાત દિવસમાં માહિતી ધારાસભ્ય કાર્યાલયમાં મોકલવા સૂચના આપી હતી. તેમનું કહેવું હતું કે, આ માહિતી નબળા કામો સામે કાર્યવાહી કરવા માટે જરૂરી છે.
સંજય કોરડીયાના આ પત્રનો જવાબ આપતાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેસ પરસાણાએ એક ખુલ્લો પત્ર લખીને તેમના પર આકરો પ્રહાર કર્યો. પરસાણાએ આરોપ લગાવ્યો કે, “સંજયભાઈ, તમે દર મહિને મહાનગરપાલિકાના કમિશનર અને શાખા અધિકારીઓ સાથે સંકલન બેઠકો કરો છો, જેમાં તમને તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. તમે 15 વર્ષથી જૂનાગઢના કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ અને હવે ધારાસભ્ય છો. તમને શહેરના વિકાસની દરેક વિગતની જાણ છે. છતાં કાર્યકર્તાઓના ખંભે બંદૂક રાખીને ફોડવાનું બંધ કરો.” પરસાણાએ વધુમાં ઉમેર્યું, “મીડિયામાં જઈને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું બંધ કરો. ભાજપનું શાસન જૂનાગઢ મહાનગરપાલિકામાં છે, અને તમે પણ ભાજપના ધારાસભ્ય છો. આવી લેટરબાજીથી પાર્ટીની બદનામી થાય છે અને શહેરનો વિકાસ અટકી પડે છે.” તેમણે એમ પણ જણાવ્યું કે, જો કાર્યવાહી કરવી હોય તો સંજય કોરડીયા પાસે પૂરતી માહિતી ઉપલબ્ધ છે, અને કાર્યકર્તાઓને આવા પત્રો દ્વારા નિશાન બનાવવું યોગ્ય નથી.

આ મામલે ધારાસભ્ય સંજય કોરડીયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું, “આ પત્ર મામલે મારે કંઈ કહેવું નથી. હું હરેશ પરસાણાને જવાબ આપવા બંધાયેલો નથી. મારો હેતુ લોકોના કામ કરવાનો છે. જો તેમના પત્રમાં કોઈ લોકહિતની ફરિયાદ હોત તો હું 100 ટકા જવાબ આપત. જૂનાગઢમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોમાં જો ગુણવત્તા નબળી હોય, રસ્તા તૂટી ગયા હોય કે ગેરરીતિઓ થઈ હોય, તો તેની વિગતો મેળવવા મેં કાર્યકર્તાઓને પત્ર લખ્યો છે. આ મારો લોકોની સેવાનો પ્રયાસ છે.”

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતાં આવી લેટરબાજીએ ભાજપની આંતરિક એકતા પર પ્રશ્નો ઉભા કર્યા છે. પાર્ટીના નેતાઓ વચ્ચેનો આ જાહેર વિવાદ સંગઠન માટે પડકારરૂપ બની રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આવા આંતરિક કલેહનો લાભ વિપક્ષ ઉઠાવી શકે છે, જે ભાજપની ચૂંટણી રણનીતિને અસર કરી શકે છે. આ વિવાદે જૂનાગઢના નાગરિકોમાં પણ ચર્ચાનો વિષય બનાવ્યો છે. શહેરના વિકાસ કાર્યોની ગુણવત્તા અને પારદર્શિતા અંગે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જો આ મામલો ઉકેલાયો નહીં, તો તે ભાજપની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા પર પ્રભાવ પાડી શકે છે.
જૂનાગઢમાં ભાજપના નેતાઓ વચ્ચેનો આ વિવાદ હવે પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ સુધી પહોંચે તેવી શક્યતા છે. પાર્ટીએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લઈને નેતાઓ વચ્ચે સમન્વય સ્થાપવો પડશે, જેથી ચૂંટણી પહેલાં એકતા જળવાઈ રહે. બીજી તરફ, શહેરના નાગરિકો એવી અપેક્ષા રાખે છે કે, આ વિવાદ વચ્ચે વિકાસ કાર્યોની ગુણવત્તા અને પારદર્શિતા પર ધ્યાન આપવામાં આવે.
આ પણ વાંચો:જુનાગઢ : વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની બેઠક
આ પણ વાંચો:જુનાગઢમાં વિદ્યાર્થીઓ પર મધમાખીઓનો હુમલો, 10 વિદ્યાર્થીઓ ઘાયલ
આ પણ વાંચો:જુનાગઢ : ગોપાલ ઇટાલિયાની જાહેરાત બાદ ભુપત ભાયાણીએ આપી પ્રતિક્રિયા
