Rajkot News : વરસાદને કારણે રાજ્યભરમાં રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. જ્યાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં 8 ઓગસ્ટથી હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ અને NSUIના કાર્યકરો આ નિયમને ‘કાળો કાયદો’ ગણાવી રહ્યા છે અને તેને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી સારા રસ્તાઓ ન બને ત્યાં સુધી હેલ્મેટ ફરજિયાત ન કરવું જોઈએ. ‘પહેલા સારા રસ્તા તો બનાવો’ એવી માંગ સાથે આજે કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
રસ્તા અને ફરજિયાત હેલ્મેટના વિરોધના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરોએ શહેરના ચાર રસ્તા પર એક ટેબલ મૂકીને હેલ્મેટ ફરજિયાતના વિરોધમાં લોકોના અભિપ્રાય અને સહીઓ એકત્રિત કર્યા હતા. વાહન ચાલકો અને નાગરિકોને હેલ્મેટના વિરોધમાં સહી કરવાની અપીલ કરવામાં આવી હતી, અને મોટી સંખ્યામાં લોકો આ સહી ઝુંબેશમાં જોડાયા હતા.
કોંગ્રેસના કાર્યકરોએ કોર્પોરેશન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેમ છતાં સારા રસ્તા જેવી મૂળભૂત સુવિધાનો અભાવ છે. આ સંજોગોમાં હેલ્મેટ ફરજિયાત કરીને લોકોને દંડ ફટકારવાનો આ નિર્ણય અયોગ્ય છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે ફંડ એકઠું કરવા માટે આ હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણ પર ધારાસભ્યનો હોબાળો, SMC અને GPCBની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો: સુરત : ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો, ખોટા ડ્રેનેજ કનેક્શન જણાતા ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
