અમેરિકામાં ગુજરાતી દ્વારા કરવામાં આવેલા ફ્રોડનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. આ ફ્રોડની રકમ પણ જેવી તેવી નથી લગભગ પાંચ કરોડ ડોલર જેટલી એટલે કે 430 કરોડ કરતાં પણ વધુ રકમની છે. આ ફ્રોડની ખાસિયત એ છે કે ફ્રોડ કરનાર પણ ગુજરાતી છે અને તેના ફ્રોડનો ભોગ બનનાર પણ ગુજરાતી જ છે.
અમેરિકામાં હ્યુસ્ટનના રિયલ્ટર પ્રતીક ગાંધીએ સંખ્યાબંધ ગુજરાતીઓને લગભગ પાંચ કરોડ ડોલરથી પણ વધુ રકમનો ચૂનો લગાવ્યો હોવાનું કહેવાય છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરતા નથી તેમ ગુજરાતીઓ અમેરિકામાં હોય તો પણ ઊંચા વળતરની લાલચ છોડતા નથી. બસ આનો જ લાભ ઉઠાવીને ધુતારા પ્રતીક ગાંધીએ ગુજરાતીઓને ઊંચા વળતરનું વચન આપીને મોટી રકમની છેતરપિંડી કરી હતી. પ્રતીકના કૌભાંડનો ભોગ બનેલાઓએ જણાવ્યું હતું કે તેણે અને તેના અમેરિકન ભાગીદારી પોલ ન્ગ્યુયેને તેઓને જંગી રકમ લેવા છતાં એક ડોલર પણ પરત ન કરીને તેમની સાથે ફ્રોડ કર્યુ છે.
પ્રતીકના કૌભાંડનો ભોગ બનેલા એક ગુજરાતીએ એમ પણ કહ્યું હતું કે તેણે તેની મોટાભાગની બચત પ્રતીકની યોજનામાં રોકી હતી, પરંતુ જ્યારે પૈસા પરત કરવાની વાત આવી ત્યારે છેતરપિંડી કરનાર પ્રતીકે નાદારી નોંધાવી હતી. એક અંદાજ મુજબ, પ્રતીક ગાંધીએ વિવિધ લોકોને બધુ મળીને પાંચ કરોડ ડોલર ચૂકવવાના થાય છે. આ ઉપરાંત, ઘણા લોકોએ પ્રતીક પર રિયલ એસ્ટેટ રોકાણના નામે છેતરપિંડી કરવાનો આરોપ લગાવીને કેસ પણ દાખલ કર્યા છે.
પ્રતીકે નાદારીની અરજી દાખલ કરી છે અને પોતાની મિલકત વેચીને દેવાદારોને ચૂકવણી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ટેક્સાસના દક્ષિણ જિલ્લાની નાદારી કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં, તેણે સ્વીકાર્યું છે કે તે દેવાદાર છે. જોકે, મોટાભાગના કિસ્સાઓમાં થાય છે તેમ, નાદારી ફાઇલ કરનારની મિલકતની હરાજી કરવામાં આવે છે અને દેવાદારોને ચૂકવણી કરવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા પછી પણ, છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તેમની સંપૂર્ણ મૂડી પાછી મળતી નથી.
છેતરપિંડી કરનારની મિલકતનું મૂલ્ય તેના દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના આંકડા કરતા અનેક ગણું ઓછું હોય છે અને આ બધું નક્કી થયા પછી જ નાદારી દાખલ કરવામાં આવે છે. પ્રતીકની યોજનામાં બે લાખ ડોલરનું રોકાણ કરનાર ગુજરાતીને પ્રતીકની કેમા મિલકતોમાં રોકાણ કરનારા તેના મિત્રો દ્વારા તેની છેતરપિંડી યોજના વિશે ખબર પડી.
પ્રતિક અને તેની ભૂતપૂર્વ માલિકીની કંપનીઓ, જેમાં એન્વિસ્ટર્સ, ઓશન વ્યૂઝ અને બિલ્ડવેસ્ટમેન્ટ્સનો સમાવેશ થાય છે, સામે પાંચ લોકોએ દાવો દાખલ કર્યો છે. જોકે, પ્રતિક ગાંધી અને તેના વકીલે તેમના પરના આરોપો વિશે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો, અને તેના ભાગીદારે પણ મીડિયા સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો.
ટેક્સાસ અને કેન્સાસના 11 ગ્રાહકોના જૂથનું પ્રતિનિધિત્વ કરતા વકીલ લુઇસ માઓએ પ્રતીક અને ગેલ્વેસ્ટન કાઉન્ટીમાં તેના ભાગીદારની કેમાની મિલકતમાં $4 મિલિયનનું રોકાણ કર્યું હતું, તેમણે હ્યુસ્ટન ક્રોનિકલને જણાવ્યું હતું કે તેના બધા ગ્રાહકો ભારતીય છે, અને પ્રતીક આ લોકોને કાકા અને કાકી કહેતો હતો જેથી તેમનો વિશ્વાસ જીતી શકે અને પછી તેમને તેની છેતરપિંડી યોજનામાં રોકાણ કરાવે.
પ્રતિકની યોજનામાં $7 લાખ ગુમાવનારા અન્ય એક ગુજરાતીએ પોતાની સામે થયેલી છેતરપિંડી વિશે જણાવ્યું હતું કે તેણે પોતાની 20 વર્ષની બચત ગુમાવી દીધી હતી. આ જ રીતે વધુ એક ગુજરાતીએ પણ પ્રતિકના કૌભાંડમાં $150,000 ગુમાવ્યા હતા અને તેની નિવૃત્તિ બચત પણ ગઈ હતી. જ્યારે રોકાણકારો તેમના પૈસા પાછા માંગતા, ત્યારે પ્રતીક ગાંધી તેમને ખોટા વચનો આપતા અને પૈસા પાછા આપવાને બદલે, નવા રોકાણકારોના નામ આપીને નવા સોદા ઓફર કરતા.
જોકે, પ્રતીકે નાદારી નોંધાવી અને તેની સામે દાખલ કરાયેલા તમામ કેસ મુલતવી રાખવામાં આવ્યા. વધુમાં, પ્રતીકની માલિકીની સંપત્તિનું મૂલ્ય $1 થી $10 મિલિયનની વચ્ચે હોવાનો અંદાજ છે, પરંતુ તેણે લોકો પાસેથી એકત્રિત કરેલી રકમ લગભગ પાંચ કરોડ ડોલર હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો: ટ્રમ્પની ટેરિફ નીતિને પગલે અમેરિકામાં વાહનોથી લઈને કપડાના ભાવ વધશે
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે વ્લાદિમીર પુતિનને ‘પાગલ’ કહ્યા, કહ્યું- રશિયાનો નાશ થશે
