ભાવનગર ભાજપમાં જબરદસ્ત ભાંજગડ ચાલી રહી છે. આ ભાંજગડ એટલી બધી વધી ગઈ છે કે ભાવનગરના મેયર ભરત બારડે આત્મવિલોપનની ધમકી આપવી પડી છે. આના પરથી ભાવનગર ભાજપમાં આંતરિક ખેંચાણ કઈ હદ સુધી પહોંચી ગઈ છે તેનો પુરાવો મળ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આગામી છ મહિનામાં ભાવનગર કોર્પોરેશનની ચૂંટણી છે તે સમયે જ આ પ્રકારનો આંતરિક જૂથવાદ બહાર આવી રહ્યો છે. આ સિવાય પક્ષના પ્રભારી રત્નાકર ભાવનગરની મુલાકાત લીધી તે સમયે જ આ ભડકો બહાર આવ્યો છે.
વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી ભાવનગર ભાજપના મેયર અને તેમના સમર્થકો અને ભાજપના સંગઠન વચ્ચે રીતસરનો સંઘર્ષ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે પક્ષમાં એવો શિરસ્તો છે કે તંત્ર અને સંગઠન સાથે મળીને કામ કરે છે, મતભેદો રહ્યા કરતાં હોય છે પરંતુ તે સતત જોડે કામ કરે છે. પણ ભાવનગરમાં અહીં મેયર ભરત બારડ અને ભાજપ સંગઠન પ્રમુખ કુમાર શાહ બંનેના ભવા વંકાયા છે. અહીં તંત્ર અને સંગઠન બંનેએ કંઇ અલગ રસ્તો જ ચાતર્યો છે.
મેયર ભરત બારડનું કહેવું છે કે પક્ષના જ હોદ્દેદારો મેયર હોવા છતાં મને તે પ્રકારનું સન્માન આપતા નથી. મારી અવગણના કરી છે. મેં મેયરપદ કંઈ રૂપિયા આપીને મેળવ્યું નથી પણ પક્ષના કામો કરીને મેળવ્યું છે, ભાવનગરમાં ભાજપને અમે તળિયાથી ઊભો કરવામાં અમારા પગના તળિયા ઘસી કાઢ્યા છે, આ વાત ફક્ત ભાજપના કાર્યકરો જ નહીં ભાવનગરની પ્રજા જાણે છે. ભરત બારડે ઠાલેલા આક્રોશ સામે પક્ષપ્રમુખ કુમાર શાહે મૌન ધારણ કરી લીધું છે. ભાવનગર ભાજપ ગ્રુપમાં પક્ષપ્રમુખ કુમાર શાહ પોતે ગ્રુપ એડમિન હોવાથી તેમણે મેયરે આત્મહત્યાની ધમકી આપતી પોસ્ટ કરી તેને ડીલીટ કરી દીધી હતી.
આ અંગે પક્ષના જ આંતરિક સૂત્રોનું કહેવું છે કે વાસ્તવમાં ભાવનગરમાં પરિસ્થિતિ એવી છે કે મેયર પોતે આજે પણ જમીન સાથે જોડાયેલા છે, જ્યારે પક્ષના સંગઠનના અમુક હોદ્દેદારો હવે હવામાં ઉડે છે. આ સિવાય મેયર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારના વિરોધી છે અને તે ઝડપથી રૂપિયા કમાવવા ઉતરેલી નવી નેતાગીરીને ગળે ઉતરતું નથી. આ મેયર તેમને કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવા દેતા નથી. તેઓને મનમાન્યા કોન્ટ્રાક્ટ મળતાં નથી કે નથી તેઓ સરકારી કર્મચારીઓની બદલી કરીને રૂપિયા કમાઈ શકતા. તેના કારણે મેયર પક્ષના જ આ જૂથને આંખમાં કણાની જેમ ખૂંચે છે. આ લોકોને કૌભાંડ કરીને કમાઈ લેવું છે અને તેમની આડે આ મેયર ઊભા છે. તે પ્રજાના રૂપિયા પર આ કૌભાંડીઓનો પંજો પડવા દેતા નથી. આથી તેઓ મેયરને સીધી રીતે તો કશું કરી શકતા નથી, પરંતુ તે કંટાળીને સત્તા પરથી દૂર થાય તે માટે નીતનવા હથકંડા અપનાવી રહ્યા છે. તેમા તેમને સતત અપમાનિત કરવા અને પક્ષના જ કાર્યક્રમોમાં તેમની અવગણના કરવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.
હવે વિચારો એક પ્રામાણિક વ્યક્તિ મેયર જેવા મોટા હોદ્દા પર હોય અને તેની સાથે આ પ્રકારનું વર્તન તેના જ પક્ષમાં થતું હોય તો પછી બીજાની તો શું સ્થિતિ થતી હશે. આ કૌભાંડીઓએ ભરત બારડને હની ટ્રેપમાં ફસાવવા માટે સ્થાનિક કોર્પોરેટર અને મહિલા હોદ્દેદારની પણ મદદ લીધી હતી. જ્યારે ભરત બારડને ખબર પડી કે તેમને આ રીતે ફસાવવાનો પ્રયત્ન કરવા પાછળ પક્ષના જ લોકો જવાબદાર હોવાનું જાણમાં આવતા મેયર ભરત બારડ દુઃખી-દુઃખી થઈ ગયા હતા. તેમને થઈ આવ્યું કે પક્ષ માટે આટલા સમયથી સેવા કરી હોવા છતાં અને હજી પણ કરી રહ્યા હોવા છતાં તેમની સાથે શા માટે આવું કરવામાં આવી રહ્યુ છે.
અહીં તે યાદ રાખવું જરૂરી છે કે ગુજરાતની મોટાભાગની નગરપાલિકાના મેયરો વૈભવી જીવન જીવે છે. તેની સામે ભાવનગરની નગરપાલિકાના મેયર ભરત બારડ સાવ સાદુ જીવન જીવે છે. તે જમીન સાથે જોડાયેલા છે. તે જૂના મકાનમાં રહેતા હતા તે જ મકાનમાં રહે છે. તેમણે કોઈ બંગલા બનાવ્યા નથી. તેમનું કુટુંબ આજે પણ પહેલાંની જેમ વેલ્ડિંગનું કામ કરીને ગુજરાન ચલાવે છે. આ કેબિનમાં ચાલતુ વેલ્ડિંગનું કામ તેમની આજીવિકા છે.
આના આક્રોશના પગલે તેમણે ગ્રુપ એડમિનમાં જણાવ્યું હતું કે હું પક્ષના આદેશો માનીને અને પ્રજાની સેવા કરીને ભાવનગરનો મેયર બન્યો છું અને આજે પણ પ્રજાની અવિરત સેવા કરી જ રહ્યો છું. મેયર પોતે સામાન્ય સ્તરમાંથી આવતા હોવાથી સામાન્ય લોકોનું હિત હૈયે વસેલું છે. તેમા પણ ખાસ કરીને શહેરમાં ચાલતા લારીગલ્લાંને લઈને તેઓ ખૂબ જ સંવેદનશીલ છે. તેઓને કોઈપણ નુકસાન ન થાય તેની તકેદારી રાખી રહ્યા છે. તેની સાથે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓને પણ તે લારીગલ્લાવાળા પાસેથી વસૂલી કરવા દેતા નથી. આ રીતે મેયર દ્વારા નીચલા સ્તરના લોકોની લેવામાં આવતી તકેદારી પક્ષના જ એક જૂથના લોકોને ખાસ ખૂંચી રહી છે.
આજે વર્તમાન શાસનમાં જુદાં-જુદાં શહેરોમાં કૌભાંડ બહાર આવી રહ્યા છે તેની સામે મેયર ભરત બારડે અહીં ભ્રષ્ટાચારીઓની કોઈ કારી ફાવવા દીધી નથી. તેના લીધે આજે પણ અહીં પક્ષની છાપ ઉજળી છે. પણ હવે આ જમીન સાથે જોડાયેલા મેયર હાઇફાઈ બનેલા પક્ષના નવા આગેવાનોને ગમતા નથી, તેમને સીધા રૂપિયા ઉતારી લેવા છે જે વર્તમાન શાસકના લીધે શક્ય બનતું નથી. આ સ્થિતિ ચિંતાજનક એટલા માટે કહી શકાય કેમકે આ રીતે સમાજ અને લોકોની સેવાને વરેલાઓએ જાહેરમાં આત્મવિલોપનની ચીમકી આપવી પડે, જ્યારે કૌભાંડીઓ ખુલ્લેઆમ ફરે. તેમને કોઈ કશું જ કહે નહી. પક્ષ માટે પણ આ બાબત ઘણી ચિંતાજનક કહી શકાય. સ્વચ્છ વહીવટ કરનારાઓને કોરાણે મૂકી દેવાય, અપમાનિત કરાય અને કૌભાંડીઓ પાસે પક્ષની ધુરા સંભાળવા નીચલા સ્તરે પણ આ પ્રકારના ધમપછાડા કરી મેયર જેવી વ્યક્તિને હેરાન કરતાં હોય તો પછી સામાન્ય નાગરિકની શું વિસાત. આ તો જાણે પ્રામાણિક રહેવું ગુનો હોય તેવી વાત થઈ.
જો કે તેમની આ ચીમકીના પગલે બીજા જ દિવસે પક્ષની બેઠક થઈ હતી અને તેમા જાણે સમાધાન થઈ ગયું હોય તેમ ભરત બારડે આત્મહત્યાની ચીમકીના મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે આ વાતચીત જુદા જ સંદર્ભમાં થઈ હતી અને તેના જુદાં જ સંદર્ભમાં લેવાઈ રહી છે. હું કોઈને દબાવવા માંગતો નથી અને મને કોઈ દબાવતું નથી. ભાજપના પ્રભારી રત્નાકરની મુલાકાત પછી તેમને સમજાવી દેવામા આવ્યા હોવાનું મનાય છે. આમ પણ ભાજપમાં જ્યારે પણ આંતરિક ભડકો થાય ત્યારે તેમને સમજાવવાની સારી ફાવટ છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
