Ahmedabad News/ બાળવિકાસ યોજના હેઠળ આંગણવાડીમાં 9000થી વધુ જગ્યાઓની જાહેરાત, મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી

.તેડાગર બહેનોએ આંગણવાડીને સ્વચ્છ રાખવા, પૌષ્ટિક નાસ્તો તૈયાર કરવા અને બાળકોને સુરક્ષિત રીતે લાવવા-લઈ જવાની જવાબદારી પણ નિભાવવાની રહેશે

Gujarat Ahmedabad

Ahmedabad News : ગુજરાત સરકાર દ્વારા બાળવિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની 9000થી વધુ જગ્યાઓની જાહેરાત કરી છે. આ ભરતીથી રાજ્યની અનેક મહિલાઓને પોતાના ઘરઆંગણે જ રોજગારીની તક મળશે. આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોની જગ્યાઓ પર કામ કરવા ઈચ્છુક મહિલાઓ આગામી 30 ઓગસ્ટ 2025 સુધી e-HRMS વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની પદ્વતિની ગાઇડલાઇન https://e-HRMS.gujarat.gov.in વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આંગણવાડીમાં અરજી કરવા માટે ગ્રામીણ સ્તરે કામ કરતા VCE મારફત પણ ફોર્મ ભરી શકાશે. આ જગ્યાઓ માટે અરજી કરનાર મહિલાઓની જિલ્લા પ્રમાણે મેરિટ આધારે પસંદગી કરવામાં આવશે, સાથે જ અગાઉ આંગણવાડીમાં તેડાગર બહેનોની જગ્યા પર 10 વર્ષ કે તેથી વધુ વર્ષનો અનુભવ હશે તેમને આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી કરવામાં અગ્રતા આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડી કાર્યકર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 અથવા ધોરણ 10 પાસ અને AICTE માન્યતાપ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછો બે વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે.

આંગણવાડી તેડાગર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 રાખવામાં આવી છે. અરજી કરવા માટે 18થી 33 વર્ષની ઉંમર હોય એ મહિલા જ અરજી કરી શકે છે.સ્થાનિક કક્ષાએ આરોગ્ય અને પોષણ સ્તર વધુ ઊંચો લાવવા માટે આ બહેનોની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થશે. તેમના દ્વારા લાભાર્થી જૂથોને પોષણ સહાય, માતા અને બાળકોની સંભાળ, અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આરોગ્યવિષયક સેવાઓ જેવી કામગીરી કરવામાં આવે છે.આંગણવાડી કાર્યકરે તેમના પોતાના જ રહેઠાણ વિસ્તારમાં સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત કાર્યકર તરીકે કામગીરી કરવાની હોય છે.

આ કામગીરીમાં મુખ્યત્વે જન્મથી 3 વર્ષ સુધીનાં બાળકોનું નિયમિત વજન, ઊંચાઈ, આરોગ્યકર્મી સાથે રહીને આરોગ્ય તપાસ તથા ટેક હોમ રેશન પૂરું પાડવાનું હોય છે. આ સિવાય બે સમયનો ગરમ નાસ્તો, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, સર્ગભા તથા ધાત્રી માતાને પોષણક્ષમ આહાર આપવાનો હોય છે.આ ઉપરાંત તેમના આરોગ્ય, તપાસ, રસીકરણ, કિશોરીઓને આરોગ્ય શિક્ષણ તથા ટેક હોમ રેશન આપવાનું હોય છે. તેડાગર બહેનોએ આંગણવાડીને સ્વચ્છ રાખવા, પૌષ્ટિક નાસ્તો તૈયાર કરવા અને બાળકોને સુરક્ષિત રીતે લાવવા-લઈ જવાની જવાબદારી પણ નિભાવવાની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ

આ પણ વાંચો: ભાવનગરના કાળાતળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર નિર્દય હુમલો, પાટીદાર સમાજમાં આક્રોશ, સુરતથી 100 કારનો કાફલો રવાના

આ પણ વાંચો: મોરબીમાં દાંડિયા ક્લાસમાં દૂષણ સામે પાટીદારોમાં પ્રચંડ આક્રોશ