Business News : કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ’ (GST) ના સ્લેબમાં મોટા ફેરફારોનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેમાં 5% અને 18% ના બે ટેક્સ સ્લેબની ભલામણ કરવામાં આવી છે, બીજીતરફ તમાકુ અને પાન મસાલા જેવી સ્વાસ્થ્ય માટે જોખમી વસ્તુઓ પર 40% GST લાદવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવ GST કાઉન્સિલને મોકલવામાં આવ્યો છે, જે GST સ્લેબમાં ફેરફારોને અંતિમ સ્વરૂપ આપવા માટે સપ્ટેમ્બરમાં બે દિવસની બેઠક યોજશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં દિવાળી પર આગામી પેઢીના GST સુધારાઓના અમલીકરણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘હું આ દિવાળી પર એક મોટી ભેટ આપવા જઈ રહ્યો છું. છેલ્લા આઠ વર્ષમાં, અમે GST જેવા મોટા સુધારા લાગુ કર્યા છે અને દેશની કરવેરા પ્રણાલીને સરળ બનાવી છે. હવે તેની સમીક્ષા કરવાનો સમય છે. અમે રાજ્યો સાથે પરામર્શ કર્યો છે અને હવે અમે આગામી પેઢીના GST સુધારાઓ લાગુ કરવા જઈ રહ્યા છીએ.’
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા પ્રસ્તાવિત GST સુધારાઓમાં કૃષિ ઉત્પાદનો, આરોગ્ય સંબંધિત વસ્તુઓ, હસ્તકલા અને વીમા પરના કરમાં ઘટાડો શામેલ છે. સરકાર માને છે કે આનાથી વપરાશ વધશે અને આર્થિક વિકાસને વેગ મળશે. હાલમાં, GST માં પાંચ મુખ્ય સ્લેબ છે – 0%, 5%, 12%, 18% અને 28%. GST ના 12% અને 18% સ્લેબ સામાન્ય દરો છે, જે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓને આવરી લે છે. પ્રસ્તાવિત સુધારાઓમાં 12% સ્લેબને દૂર કરવાનો અને 5% અને 18% સ્લેબમાં આવતી વસ્તુઓને સમાયોજિત કરવાનો સમાવેશ થાય છે.
પોતાના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, “GSTમાં સુધારો સરકાર તરફથી દેશવાસીઓને દિવાળીની ભેટ હશે. લોકો માટે આવશ્યક સેવાઓ પરના કરમાં નોંધપાત્ર ઘટાડો થશે. MSME ને ફાયદો થશે, દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે અને આનાથી દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે.” સૂત્રોએ જણાવ્યું હતું કે GST સ્લેબમાં સુધારા પછી, આરોગ્ય અને જીવન વીમા જેવી આવશ્યક સેવાઓ વધુ સસ્તી બની શકે છે.
સરકાર માને છે કે દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આવશ્યક સેવાઓ પર GST દર ઘટાડવાથી આવક પર કામચલાઉ અસર પડી શકે છે, પરંતુ વપરાશમાં વધારો થવાને કારણે લાંબા ગાળે તેની ભરપાઈ થશે.સપ્ટેમ્બરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં પ્રસ્તાવિત સ્લેબ પર નિર્ણય લેવામાં આવશે. સરકાર દિવાળી પહેલા GST સુધારા લાગુ કરવાનો લક્ષ્ય રાખે છે.
આ પણ વાંચો:લોકસભામાં નવું આવકવેરા બિલ રજૂ, પગારથી લઈને TDS સુધીની દરેક બાબત પર ચર્ચા
આ પણ વાંચો:સ્માર્ટ સિટી અમદાવાદના લોકો RO પાણી પીતા પહેલા ચેતી જાઓ, પાણીમાં જોવા મળ્યુ ઓછું TDS
આ પણ વાંચો:TDS કપાઈ ગયો અને નથી ભર્યો ITR તો થઇ જજો સાવધાન…, કેમ કે આવકવેરા વિભાગ મોકલી શકે છે નોટિસ
