afghanistan news/ જીવતા કરતા લાશની કિંમત વધારે!! અફઘાનિસ્તાનમાં તાલિબાની કાનૂન, ભૂકંપમાં નથી કરાઇ રહ્યું મહિલાઓનું રેસ્કયુ…

અફઘાનિસ્તાનમાં તાલીબાની રાજમાં ભૂકંપમાં બચી ગયેલી મહિલાઓનું રેક્યુ કરવામાં નથી આવી રહ્યું અને મરવા માટે છોડી દેવામાં આવી રહી છે!

World international Trending

Afghanistan News: અફઘાનિસ્તાન (Afghanistan)ની મહિલાઓ સદીઓથી અંકુશોની બેડીઓમાં જકડાયેલી છે. હવે જ્યારે અફઘાનિસ્તાનમાં ધરતીકંપ (Earthquake) અને લગાતાર આફ્ટરશોક્સના કારણે હજારોની સંખ્યામાં મકાનો ધૂળમાં મળી ગયા છે અને જાણકારી મુજબ, ઓછામાં ઓછા 2,200 લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે મહિલાઓ (Women) પરના અંકુશોના પરિણામો હવે છાપરે ચડીને પોકારી રહ્યાં છે! આ ભયાનક ભૂકંપમાં બચી ગયેલી મહિલાઓનું રેક્યુ (Rescue) કરવામાં નથી આવી રહ્યું અને આ દર્દમાં કણસતી સ્ત્રીઓને મરવા માટે છોડી દેવામાં આવી રહી છે!

અફઘાનિસ્તાનની આ ભયાવહ કુદરતી આપત્તિનું દર્દનાક સત્ય એ છે કે, એમાં જે સ્ત્રીઓએ કોઈ પણ રીતે પોતાનો જીવ બચાવી લીધો હતો એ હજી પણ કાટમાળની નીચે પડી-પડી કણસી રહી છે! આ મહિલાઓ જીવિત હોવા છતાં પણ એમનો બચાવ નથી થઇ રહ્યો કેમકે, અહિં મોટાભાગના રેસ્ક્યુ વર્કર્સ પુરુષો છે મહિલાઓ નહિં, અને તાલિબાની (Taliban)રાજમાં સ્ત્રીઓને અડવા પર પ્રતિબંધ છે! દુ:ખદ વાત એ છે કે, એમના શ્વાસ ચાલી રહ્યા છે પરંતુ, એમના સુધી લંબાતા મદદના હાથ આ કાનૂનથી બંધાયેલા હોવાથી અટકી જાય છે!

અફઘાનિસ્તાનમાં રવિવારે આવેલી 6 તીવ્રતાના ધરતીકંપમાં અત્યાર સુધીમાં 2,200થી વધુ લોકોના મૃત્યુ (Death) નીપજ્યાં છે અને લગભગ 3,600 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. કુદરતના આ કહેરમાં કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ મોતના ખપ્પરમાં હોમાયા છે એનો કોઇ ચોક્કસ આંક તો ઉપલબ્ધ નથી પરંતુ, મકાનોના કાટમાળની નીચે માણસાઈ અવશ્ય મરી પરવારી છે!

ભૂકંપગ્રસ્ત કુનર પ્રાંતના અંદરલકાક નામના ગામની કફોડી હાલત છે. રવિવારે પૂર્વ અફઘાનિસ્તાનમાં ધરતીકંપ આવ્યો હતો ત્યારે અહિં બચાવ દળ પૂરા 36 કલાક બાદ પહોંચ્યુ હતુ. ત્યાંની રહીશ આયેશા બીબીના કહેવા પ્રમાણે, ‘એમણે અમને એક ખૂણામાં બેસાડી દીધા અને પછી સાવ ભૂલી જ ગયા!’ અહિં કાટમાળમાં દબાયેલી ઘાયલ સ્ત્રીઓ પીડાથી ચીસો પાડી રહી હતી અને એમની પાસે પડેલી લાશોને અમાનવીય રીતે પહેલા બહાર કાઢવામાં આવી રહી હતી.

રિપોર્ટ અનુસાર, કોઈ પણ વ્યક્તિએ ન તો મહિલાઓના હાલચાલ પૂછ્યા નહિં કે ન તો એમનો સંપર્ક સાધીને એમને કોઇ મદદ કરી!

લોહીલુહાણ હાલતમાં કેટલાય બાળકો અને પુરુષોને તો બચાવ દળ દ્વારા તરત જ બહાર કાઢવામાં આવી રહ્યાં હતા પરંતુ, ઘાયલ પડેલી 19 વર્ષીય આયેશા, અન્ય ઘાયલ છોકરીઓ અને મહિલાઓને બચાવવાનું એમણે ટાળ્યું હતુ અને એમની સામે નજર સુદ્ધાં ન કરી! કોઇની હિંમત ન હતી કે તાલિબાની ફરમાનની વિરુદ્ધ જઇને આ મહિલાઓને બચાવે.

સ્ત્રીઓ જીવિત હતી તો પણ સ્પર્શ ન કર્યો!!

જે સ્ત્રીઓ આ ભયાનક કુદરતી આપત્તિનો શિકાર બનવા છતાં જીવતી હતી અને કણસી રહી હતી એમને કોઈએ સ્પર્શ પણ ન કર્યો અને જે મૃત્યુ પામી હતી એમના કપડાં ખેંચી-ખેંચીને લાશોને બહાર કાઢવામાં આવી હતી, આ કરુણ દ્રશ્ય કોઇના પણ રુંવાડા ઊભા કરી દે એવું હતું!

આ જ પ્રાંતના માર દરા ગામમાં પહોંચેલા તહજીબુલ્લાહ નામના એક પુરુષ વોલિયેન્ટરે જણાવ્યું હતું કે, બચાવ દળને જાણે કે સ્ત્રીઓ દેખાતી જ ન હતી! ત્યાં હાજર મેડિકલ ટીમમાં કેવળ પુરુષો જ હતા અને તૂટી ગયેલી ઇમારતોના કાટમાળમાંથી મહિલાઓને બહાર કાઢવામાં એ લોકો સંકોચ અનુભવી રહ્યાં હતા.

અફઘાની મહિલાઓ આજના આધુનિક યુગમાં પણ પાયાની સગવડોથી વંચિત છે. જ્યારે ચાર વર્ષ અગાઉ તાલીબાન સત્તામાં આવ્યું ત્યારે એણે એવું વચન આપ્યું હતુ કે, એ 2001 પહેલાના એના કડક રવૈયાને હળવો કરશે, પણ આ બધા જ દાવા પોકળ સાબિત થયા છે.

મહિલાઓ પર તાલિબાનનો અંકુશ

તાલિબાન છાતી ઠોકીને એવો દાવો ભલે કરતું હોય કે, એનુ શાસન અગાઉ જેટલું કડક નથી પરંતુ, વાસ્તવમાં આજે પણ સ્ત્રીઓને સખત અંકુશમાં રાખવામાં આવે છે. અફઘાની કન્યાઓને છઠ્ઠા ધોરણ પછી શાળાએ જવાની મંજૂરી નથી. એમનું ભણતર, એમનું ભવિષ્ય અને એમના સપના આ તમામ તાલીબાની શાસનમાં દાવ પર લાગી ગયા છે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર સખત અંકુશો લાદવામાં આવેલા છે, જેમ કે ઘરના કોઈ પુરુષને લીધા વિના કોઈ સ્ત્રી એકલી ઘરેથી બહાર નીકળી શકતી નથી. એમને બહાર નોકરી કે કામ કરવાની છૂટ નથી અલબત્ત, એનજીઓ કે કોઇ રાહત સંગઠનમાં કામ કરવાની પણ મંજૂરી નથી! આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ બાદની વરવી પરિસ્થિતિ, જ્યાં પીડિત લાચાર મહિલાઓ સુધી કોઈ પણ જાતની મદદ નથી પહોંચી રહી!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અફઘાનિસ્તાન વિનાશક ભૂકંપ : ભારતે કાબુલમાં મોકલી રાહત, 800થી વધુના મોત

આ પણ વાંચો:કેનેડામાં છેલ્લા 5 વર્ષમાં 1,200થી વધુ ભારતીયોના મોત, મૃત્યુ પાછળનું કારણ શું ?

આ પણ વાંચો:અફઘાનિસ્તાન ફરી કંપાયું, ભૂકંપથી 20નાં મોત, પાકિસ્તાન-ભારતમાં પણ અનુભવાયા આંચકા